મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકોમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. જેના પગલે પોલીસ મથકોમાં હવેથી વીજબિલ નહિવત જેવું આવશે તેમજ મોટાભાગના પોલીસ મથકોને પ્રતિ માસ ચોક્કસ આવક પણ ઊભી થશે.

ગુજરાતમાં ગ્રીન ઉર્જા મામલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તેમજ સબસીડી જાહેર કરી છે. તેમજ છેવાડાના વ્યક્તિ સુધી સોલર રુફટોપ થકી ઓછા ખર્ચથી નિયમિત અને સતત વીજળી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલો પ્રયાસ રાજ્યભરમાં નવીન દિશા બની રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે મોટાભાગના પોલીસ મથકોમાં ગ્રીન ઉર્જા થકી વીજળી મેળવવાનો સંદેશ પ્રયાસ કરે છે. 

જેથી જિલ્લાના મોટાભાગના પોલીસ મથકોમાં હવે સૌરઊર્જાથી તમામ પોલીસ મથકો જરી રહ્યા છે. સાથોસાથ ગ્રીન ઊર્જા થકી ચોક્કસ આવક પણ મેળવી શકશે સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરેલા પ્રયાસ અંતર્ગત હાલના તબક્કે જિલ્લામાં પાંચ હજારથી વધારે લોકોએ પોતાના મકાનોની છત ઉપર સોલર રુફટોપ લગાવીને વીજળી મેળવતા થયા છે. તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકો પણ આ યોજના અંતર્ગત આવરી લેવાયા છે. સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલો આ પ્રયાસ ગ્રીન ઊર્જાને સમર્થન આપનારો બની રહ્યો છે. હાલમાં સાબરકાંઠા જિલ્લાના ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે. તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થનાર છે ત્યારે સૌરઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે.

Advertisement


 

 

 

 

 

જોકે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર દ્વારા ગ્રીન ઉર્જા મામલે છેલ્લા કેટલાક સમયથી સહાય સહયોગ અને સબસિડી આપવાની સાથે સાથે છેવાડાના વ્યકતિને જાગૃત કરવાના સંનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે 5000થી વધારે લોકોએ સૌર ઊર્જા અપનાવી છે. 

જો કે આગામી સમયમાં સૌરઊર્જા તેમજ ગ્રીન ઉર્જા નો ફેલાવો સમાજ છેવાડાના વ્યક્તિ માટે ખુબ મહત્વનો તેમજ સહાયરૂપ બની રહે તેમ છે ત્યારે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલા પ્રયાસની વીજ વિભાગના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે. સાથોસાથ આગામી સમયમાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસમાં જિલ્લા પોલીસનો યોગદાન પણ મહત્વનું સાબિત થાય તો નવાઇ નહીં.

એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે સૌર ઊર્જા થકી વીજળી મેળવવાનો પ્રયાસ આર્થિક રીતે સહાયક બની શકે તેમ છે. તેમજ વીજળી મેળવવા માટે વાતાવરણ માટે પણ અનુકૂળ બની રહે છે ત્યારે જોવું એ રહે છે કે, સાબરકાંઠા જિલ્લા પોલીસનો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહે છે.

(અહેવાલ સહાભારઃ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)