મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: દિલ્હી થી મુંબઈ ને જોડતો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ મંથર ગતિએ ચાલી રહ્યું છે. સિક્સલેનની કામગીરીમાં આડેધડ ખોદકામના પગલે શામળાજી થી ચીલોડા સુધી ઠેર ઠેર ખાડાઓ પડી જતા દરરોજ વાહનો ખાડામાં ફસડાઈ જતા લાંબો ટ્રાફીકજામ વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. હાઈવે ઓથોરોટીના વાંટડા અને પ્રાંતિજ નજીક આવેલા ટોલપ્લાઝા પર ભારેભરખમ ટોલટેક્ષ વાહનચાલકો પાસેથી વસુલવામાં આવે છે તેમ છતાં હાઇવે ખસ્તે હાલ હોવાથી પ્રાંતીજ તાલુકા કોંગ્રેસે હાઈવે પર પડેલા ખાડાઓમા વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો હતો. 

સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે મગરપીઠ જેવો બનવા લાગ્યો છે. અહીંથી જો પુરપાટ રીતે વાહન લઇને કોઇ નીકળે તો ચોક્કસપણે અકસ્માત સર્જાઇ તેવી સ્થિતી બનેલી છે. કારણકે અહીંના હાઇવેમાં ખાડા શોધવા સહેલા છે અને રોડ શોધવો મુશ્કેલ છે. ચોમાસામાં હાઈવેની હાલત તળાવમાં પરીવર્તીત થઇ છે. હાઈવે પર ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતીએ હાઈવે પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં પણ રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષા રોપણથી કુતુહુલ સર્જાયું હતું. કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવતા પોલીસ દોડતી થઇ હતી અને કોંગ્રેસી કાર્યકરોની અટકયાત કરી હતી.