મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ખેડબ્રહ્માની જનતા નાગરીક બેંક નજીક નવ માસ અગાઉ થેલામાં અંદાજે રૂ.૧.૮૪ લાખની રોકડ બેંકમાંથી લઈને જઈ રહેલા આંગડીયા પેઢીના કર્મચારી પાસેનો આ થેલો ઝુંટવી વાહનમાં આવેલા અજાણ્યા શખ્સો ભાગવાનો પ્રયાસ કરતા હતા પરંતુ આ રોકડ ભરેલો થેલો આંગડીયા કર્મી પાસેથી ન છુટતા આખરે અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરીંગ કરી અને આંગડીયા કર્મી પર છરીથી હુમલો કરી મોત નિપજાવી દીધા બાદ આ શખ્સો તમામ ચીજવસ્તુઓ છોડીને વાહનમાં ભાગી ગયા હતા. જેની લાંબી તપાસ બાદ સાબરકાંઠા એલસીબીને આ ગુનાનો ભેદ ઉકેલવા સફળતા મળી છે. જેમાં મુખ્ય સૂત્રધાર એવા શખ્સને બે દિવસ અગાઉ વડોદરા જિલ્લાની સાવલી પોલીસે ઝડપી લીધા બાદ તે ખેડબ્રહ્માની લૂંટમાં સંડોવાયેલો હોવાથી સોમવારે તેને હિંમતનગર લવાયો હતો. જોકે પોલીસે તપાસ દરમિયાન અન્ય ત્રણ શખ્સોને પણ ઝડપી લીધા હતા.

સાબરકાંઠા એલસીબીના પી.આઈ. એમ. ડી. ચંપાવત અને સ્ટાફના જણાવાયા મુજબ ખેડબ્રહ્માની જનતા નાગરીક બેંક આગળથી ગત તા.૨૧-૧-૨૦૨૦ ના રોજ માધવ આંગડીયા પેઢીના કર્મચારી કિરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ હરગોવિંદભાઈ નાયક (રહે. મકતુપુર, તા. ઉંઝા, જી. મહેસાણા) અંદાજે રૂપીયા ૧,૮૪,૬૭૦ ની રોકડ ભરલો થેલો લઈને માધવ આંગડીયા પેઢીમાં જઈ રહ્યા હતા. ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે કિરણભાઈ પાસેનો થેલો ઝૂંટવી લેવા માટે ખેંચતાણ કરી હતી પરંતુ કિરણભાઈએ આ થેલો હાથમાંથી છોડયો ન હતો જેથી લૂંટેરાઓએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. તેમ છતા થેલો છોડાવવામાં સફળતા ન મળતા છાતીના ભાગે છરાથી ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ તરત જ આ શખ્સો તમામ ચીજવસ્તુઓ છોડીને ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

દરમિયાન આ કેસની તપાસ સાબરકાંઠા એલ.સી.બી.ને સોપાયા બાદ પી.એસ.આઈ. બી.યુ.મુરીમા તથા જે.એમ.પરમારની ટીમે સી.સી.ટીવી ફુટેજ તથા અન્ય સુરાગને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેથી મોબાઈલ સર્વેલન્સમાં ગાડી સાથે અન્ય એક ઈકો કાર લઈ આવ્યા હોવાનું જણાયુ હતું. જેથી પોલીસે ગાડીના નંબરને આધારે વિરમગામના મહમદઅનીશ હબીબભાઈ સોલંકીની અટક કરી વધુ તપાસ કરતા આ ગુનામાં પાટણ જિલ્લાના સમી ગામના હનીફભાઈ ઉર્ફે સબ્બીરભાઈ બેલીમ, રાજસ્થાનના સલુમ્બરના મહેશભાઈ સંદિપ શર્મા, જયેશ નામનો શખ્સ તથા અન્ય એક શખ્સ સંડોવાયેલા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવા માટે ચારેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મહેશ સંદિપ શર્મા નામના બેનામધારી શખ્સને અરવલ્લી જિલ્લાના મેઢાસણ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા બાદ તેનું સાચુ નામ મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા (રહે. ઝીંઝુવાડા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર) હોવાનું જણાયું હતું.

જોકે તેની વિરૂધ્ધ વર્ષ ૨૦૨૦ માં વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હોવાથી પોલીસે તેની ગત તા.૨૮ ઓગસ્ટના રોજ ખાખરીયા ગામેથી ઝડપી લીધો હતો સાથોસાથ સોહનલાલ માંગીલાલ ભીલાલાને પણ રૂ. ૨૦ હજારની બે પીસ્તોલ તથા નવ કારતુસ અને બાઈક સાથે ઝડપી લીધા બાદ તે અંગે સાબરકાંઠા પોલીસને જાણ થતા ખેડબ્રહ્માની લૂંટમાં તે સંડોવાયેલો હોવાનું જણાતા સોમવારે મુખ્ય સૂત્રધાર ગણાતા ચંપુભા ઝાલાને સોમવારે હિંમતનગર લવાયો હતો. જોકે પોલીસે અગાઉ કેટલીક માહિતીને આધારે માહિતીને આધારે મહેસાણા જિલ્લાના બહેચરાજી તાલુકાના આદીવાડા ગામના હિતેશભાઈ હરગોવિંદભાઈ દેસાઈ તથા બહેચરાજી તાલુકાના હેંચડી ગામના સુખાજી જાલુભા ઝાલા અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામના મહાવીરસિંહ રણવીરસિંહ જોધ્ધા નામના શખ્સને દબોચી લીધો હતો.

ત્યારબાદ આ તમામ લોકો પાસેથી પોલીસે લાંબી લમણાજીક કર્યા બાદ આ લોકોએ અલગઅલગ જગ્યાએ અલગઅલગ શખ્સોને સાથે રાખીને લૂંટની છ ધટનાઓને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યાબાદ આ શખ્સો કેટલીક રકમ સહયોગીઓને આપીને બાકીની રકમમાંથી વિવિધ સ્થળે પોલીસથી બચવા માટે ફરતા હતા. અને એશઆરામની જીંદગી જીવતા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલા શખ્સો પૈકી કેટલાક શખ્સોએ વર્ષ ૨૦૧૮ માં કડી ખાતેથી રૂ.૪૪ લાખના થેલાની લૂંટ કરી પાવાગઢ ભાગી ગયા હતા.

જેમાં લૂંટની રકમમાં ભાગ બાબતે ઝગડો થયો હતો. જેથી તેમની વચ્ચે તીરાડ પડી હતી. ઉપરાંત ડીસા, ધાનેરા, બેગ્લોર અને મહેસાણામાંથી પણ લૂંટ કરી હતી. જેથી પોલીસને તેનો સુરાગ મળતા વર્ષ ૨૦૧૮ માં સિધ્ધપુર-મહેસાણા હાઈવે પર આવેલ આઈઓસી બસસ્ટેન્ડ પાસે થયેલી લૂંટનો ગુનો પણ ઉકેલવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા તથા પકડાયેલા શખ્સો પાસેથી મળેલી માહિતી બાદ પોલીસને થાપ આપી સંતાતા ફરતા બે શખ્સોને પોલીસે શોધવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં વિગતો મોકલી આપી છે.

કડીમાંથી રૂ.૪૪ લાખની લૂંટ કરી હતી

વર્ષ ૨૦૧૮ માં હિતેશભાઈ દેસાઈ, સુખાજી ઝાલા તથા મુકેશ સોમાભાઈ પટેલએ લૂંટનો પ્લાન બનાવતા પહેલા રેકી કરીને લૂંટનું કાવતરૃ ઘડયુ હતું. જેમાં રાજુ મરાઠી ઉર્ફે અશોક મરાઠી નામનો ભેજાબાજ પણ સામેલ હતો. જોકે તેનું દોઢેક વર્ષ અગાઉ વાપી ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જોકે કડીમાં એક્ટીવા પાછળ બેઠેલ ઈસમ પર તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી અંદાજે રૂ.૪૪ લાખની રોકડ રકમની લૂંટ કરી તેઓ પાવાગઢ ભાગી ગયા હતા. જ્યાં હિતેશભાઈ દેસાઈને રૂ.૨.૫૦ લાખ આપીને બસમાં પરત મોકલી દીધા હતા. ત્યારબાદ લૂંટમાં ભાગ બાબતે ઝગડા પણ થયા હતા.