મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનુસુચિત જાતિ સમાજ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અનુજાતિ સમાજના લગ્ન પ્રસંગોમાં વરઘોડા અને જાનૈયાઓ પર હુમલા થતા ભારે ચકચાર મચી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામના અનુ.જાતિ સમાજના યુવકના લગ્નના વરઘોડા પર અન્ય સમાજના લોકો અટકાવવાની કે હુમલો થવાના ભય હેઠળ પોલીસ બંદોબસ્ત માંગતા જીલ્લા પોલીસવડા નીરજ બડગુજરે ઘટનાની ગંભીરતા સમજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો હતો. શનિવારે બપોરે અનેક શંકા-કુશંકાઓ વચ્ચે દલિત યુવકનો વરઘોડો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળ્યો હતો. અજંપાભર્યા માહોલમાં ૮૦ જેટલા પોલીસના કાફલા સાથે નિકળેલો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં જિલ્લાના સમગ્ર તંત્રએ રાહત અનુભવી હતી. વરરાજા અને તેના પિતાએ ૨૧ મી સદીમાં વરઘોડો કાઢવા પોલીસ પ્રોટક્શનની જરૂર પડે તે શરમજનક ઘટના હોવાનું જણાવ્યું હતું.


 

 

 

 

 

ભજપુરા ગામે રહેતા નરેશભાઈ લેબાભાઈ વણકરે તેમના પુત્રના લગ્ન પ્રસંગે નિકળનાર વરઘોડા બાબતે ગામની અન્ય કોમના લોકોને વિરોધ હોવાનું જણાવી પોલીસ પ્રોટેકશનની માંગણી કરી હતી. નરેશભાઈની આ પ્રકારની માંગણી બાદ  સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શનિવારે નિકળનાર વરઘોડા માટે એક ડી.વાય.એસ.પી.ના સુપરવિઝન હેઠળ ૨ પી.આઈ., પાંચ પી.એસ.આઈ., ૫૦ પુરૃષ પોલીસ તથા ૨૦ મહિલા પોલીસ અને એક વ્રજવાહનની ફાળવણી કરી હતી. શનિવારે બપોરે ભારે અજંપાભર્યા માહોલ વચ્ચે ૮૦ પોલીસના કાફલા સાથે ધામ-ધુમથી વરઘોડો નિકળ્યો હતો.વરઘોડો સમગ્ર ગામમાં ફરવા છતાં શાંતિ જળાવઈ રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વરઘોડો સંપન્ન થતાં પોલીસ સહિત સમગ્ર જિલ્લાના તંત્રએ રાહત અનુભવી હતી.