જય અમીન (મેરાન્યૂઝ.સાબરકાંઠા): ગુજરાત જેવા રાજ્યમાં પણ હવે દિવસે દિવસે મહિલાઓને યાતના આપતા અને માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ વધતા કિસ્સાઓમાં ખાસ કરીને મહિલાઓ સાથે થઇ રહેલા શારીરિક અને માનસિક શોષણ છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી આવા ઘણા ચોંકાવનારા કિસ્સાઓ રોજના સમાચારમાં જોવા મળતા હોય છે. ત્યારે ઇડર શહેરમાં ત્રિમૂર્તિ પ્લાઝા નજીક એક પગમાં સાંકળથી જકડાયેલી નિઃસહાય હાલતમાં માનસિક અસ્વસ્થ યુવતી મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. યુવતીની સ્થિતિ જોઈ એક જાગૃત નાગરિકે ઇડર પોલીસને જાણ કરતા તાબડતોડ ઇડર પોલીસ ઘટના સ્થળે પહોંચી પીડિત યુવતીને સારવાર અર્થે ખસેડી યુવતીના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. માનસિક અસ્વસ્થ યુવતીને પરિવારજનોએ તરછોડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઇડર શહેરમાં લોકોને હચમચાવી નાખે અને માનવતા લજવાઇ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બીજી બાજુ ઇડર પોલીસે માનવતાના દર્શન કરાવી ખાખીની શાન વધારી હતી. ઇડર ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષ નજીક કડકડતી ઠંડીમાં બાંકડા પર નિઃસહાય હાલતમાં માનસિક અસ્વસ્થ યુવતી જોવા મળતા અનેક લોકો દોડી આવ્યા હતા. યુવતીના બંને પગ સાંકળથી બાંધેલી હાલતમાં જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા અને યુવતી અંગે ઇડર પોલીસને જાણ કરતા ઇડર પોલીસ લાચાર યુવતી પાસે તાબડતોડ પહોંચી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધી હતી.