મેરાન્યૂઝ નેટવર્ક. સાબરકાંઠા: ઇડર તાલુકાના ગોરવાળા ગામના મનાજી મોહનજી ઠાકોરની લાશ ગામ નજીક પસાર થતી સાબરમતી નદીના પટમાં કોહવાઈ ગયેલી હાલતમાં અસહ્ય દુર્ગંધ મારતી હાલતમાં મળી આવતા ગામલોકોએ દફનવિધિ કરી દીધી હતી. પરંતુ બીજાદિવસે મૃતકના ભાઈને દાળમાં કઈ કાળું હોવાની અને તેના ભાઈની હત્યા થઇ હોવાનો શક પેદા થતા આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમા અરજી આપતા પોલીસે મૃતકની દફનવિધિ કરેલ લાશને બહાર કાઢી પીએમ કરાવતા મૃતકનું મૃત્યુ માથાના ભાગે ઈજાઓ થવાથી મોત થયાનું બહાર આવતા ઇડર પોલીસ અને એલસીબી પોલીસે મૃતક યુવકને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાઈ આવતા પોલીસે બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે યુવકની હત્યા કરનાર નવા ગોલવાડા ગામના બે સગા ભાઈઓ અને અન્ય યુવકની ધરપકડ કરી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જેમાં મૃતકને હત્યારાની પુત્રી સાથે આડા સબંધ હોવાના વ્હેમમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી હતી. 

સાબરકાંઠા એલસીબી પીઆઇ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમે ગોલવાડા ગામના યુવકની હત્યાનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલી કાઢ્યો હતો યુવકની હત્યા કરનાર નવા ગોલવાડા ગામના  ૧)સોવનજી ગંભીરજી ઠાકોર,૨) બદસંગજી ગંભીરજી ઠાકોર અને ૩)દશરથજી વીરાજી ઠાકોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 

સોવનજી ઠાકોરની પુત્રી સાથે મૃતક મનાજી ઠાકોરને આડા સબંધ હોવાનો વ્હેમ પેદા થતા મનાજી ઠાકોરને ખેતરમાં ચોકી કરવા બોલાવી માથાના ભાગે ડંડાના ફટકા ઝીંકી હત્યા કરી ખેતરમાં પાક બચાવવા આપેલ વીજકરંટ તાર પર લાશ નાખી દીધી હતી. પરંતુ પકડાઈ જવાની બીકે મૃતકની લાશને તેના ભાઈ બદસંગજી ઠાકોર અને અન્ય યુવક દશરથજી ઠાકોરની મદદ થી હત્યા છુપાવવા ગામ નજીક પસાર થતી સાબરમતી નદીના પટમાં નાખી દીધી હતી. પરંતુ આખરે પાપ છાપરે ચઢીને પોકારતા પોલીસના હાથે હત્યા કરનાર અને લાશને સગેવગે કરનાર ત્રણે શખ્સો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા.