મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: ગુજરાતમાં નારી સુરક્ષાની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, માનસિક ત્રાસ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ઘણી જગ્યાઓ પર મહિલા એટલી હદે અત્યાચારનો ભોગ બને છે કે, તેને ગરમ ગરમ સળિયા વડે ડામ આપવામાં આવે છે, તો કેટલાક નરાધમો માસુમ બાળકીઓ કે, યુવતીઓ પર નજર બગાડી તેને હવસનો શિકાર બનાવે છે. સાબરકાંઠાના ઇડરમાં જલારામ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં એક અસ્થિર મગજની મહીલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇડર સારવાર અર્થે ખસેડાઈ હતી. સારવાર આપનાર તબીબે અસ્થિર મહિલાના મોઢાના અને ગુપ્તભાગે ઈજાઓ પહોંચી હોવાનું જણાવતા મહિલા સાથે દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મ આશંકા પ્રબળ બની છે. હાલ તો ઇડર પોલીસ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. 

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડરના જલારામ મંદિર નજીક ખુલ્લા પ્લોટમાં દર્દથી કણસતી હાલતમાં એક અસ્થિર મહિલા જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અસ્થિર મહિલાના મોઢાના ભાગે ઈજાઓ અને નજીકમાં લોહીના દાગ જોવા મળતા મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના તો નહીં બની હોય ને તેવી આશંકા વચ્ચે ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇડર સરકારી દવાખાને ખસેડી હતી. ત્યાં પ્રાથમીક સારવાર આપી અસ્થિર મગજની મહિલાને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા તજવીજ હાથધરી હતી. 

ઈડરના જલારામ મંદિર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં અસ્થિર મહિલા મળી આવતા પોલીસ દોડતી થઇ છે ત્યારે અસ્થિર મગજની મહિલા સાથે કોઈ નરાધમે કે પછી અસામાજીક તત્વોએ સામુહિક બળાત્કાર તો નહીં કર્યો હોય સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.
 
(સહાભાર - જય અમીન, સાબરકાંઠા )