મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ વર્ષો અગાઉ સામાન્ય બાબતે ખેડૂતોમાં ઊભા થયેલા અસંતોષને પગલે ઈડરની ધરતી ઉપરથી ભારતીય કિસાન સંઘની સ્થાપના થકી ન્યાય મેળવવા જવાબદાર બની હતી. ફરી એકવાર સાબરકાંઠાના ઇડરમાં આવેલી કોટન જીનની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ કરી બારોબાર વેચાણ કરાયાનું ખુલતા સહકારી કોટન જીનમાં સમાવિષ્ઠ ૬૦થી વધારે સહકારી મંડળીઓ સહિત કેટલાય સભાસદોમાં વિરોધનો સૂર ઉઠયો છે. ઇડર શહેરમાં આવેલી કોટન જીનની જમીન ઉપર સ્થાનીય રાજકારણ કરનારા કમિટીઓની નજર પડતાં તેમને એક પણ સભાસદ કે સહકારી મંડળીનો સંપર્ક કર્યા સિવાય કોઈપણ વ્યક્તિના વિશ્વાસમાં લીધા વિના કોમર્શિયલ બાંધકામ કરી તેને બારોબાર વેચવા માટેની શરૂઆત કરાઈ છે. તેમજ એડવાન્સ પેટે પહેલેથી પૈસા લઈ કરોડોની જમીન હડપ કરવાનો પ્રયાસ થતાં હવે સ્થાનિય ખેડૂતો સભાસદો તેમજ સહકારી મંડળીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમજ આ મામલે 55 થી વધારે સહકારી મંડળીઓના ચેરમેનો તેમજ સેક્રેટરીઓમાં ઇડર કોટન જીનના વહીવટ કર્તાઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે.

Advertisement


 

 

 

 

 

જોકે સૌથી મહત્વની તેમજ મોટી વાત તો એ છે કે સહકારી જીનમાં હાલમાં કોઈ મોટો ખર્ચ કે બાકી લેણું ન હોવા છતાં માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કોમર્શિયલ બાંધકામ કરી બનાવવામાં આવેલી દુકાનોને અલગ અલગ નામ આપી પોતાના નામે કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ખેડૂતો દ્વારા મોટા આંદોલનની તૈયારીઓ શરૂ થઈ છે. જોકે સૌથી મોટી વાત એ છે કે સહકારી જીનમાં કોઈપણ પ્રકારે બાકી લેણું ન હોવા છતાં હાલના તબક્કે સૌથી વધુ જરૂરિયાત ખુલ્લી જમીનની છે ત્યારે આ જમીન ઉપર બાંધકામ કરી જમીન પડાવવાની શરૂઆત અયોગ્ય છે તેવું સ્થાનીકોનું માનવું છે. જોકે આગામી સમયમાં આ મામલે તાત્કાલિક ધોરણે બાંધકામ નહીં કરાય તો સહકારી જીન બચાવો સમિતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમજ જરૂર પડે ગુજરાત ભરના સહકાર વિભાગ સામે પણ આંદોલનના મંડાણ થાય તેવી સંભાવનાઓ સર્જાઈ છે.

જોકે આ મામલે સહકારી જીનના ચેરમેન પ્રકાશભાઈ પટેલને પૂછતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઇડર કોટન જીન તાલુકાના સભાસદોની નથી તેમજ બારોબાર વેચાઈ રહેલી દુકાનો મામલે તેમણે જણાવ્યું હતું કે, આ મામલે અમે કશું કહી શકે તેમ નથી. તેમજ દુકાનોની કિંમત મામલે તેમને જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ દુકાન વેચાઈ નથી પરંતુ મોટાભાગની દુકાનો ના એડવાન્સ લેવાઈ ચૂક્યા છે જોકે હાલમાં આ મામલે કશું વધુ કહી શકાય તેમ નથી.

એક તરફ સહકારી જીનના મૂળ માલિક ગણાતા સહકારી મંડળીના ખેડૂતો તેમજ સભાસદોનો સંપૂર્ણ વિરોધ હોવા છતાં કોટન જીનની જમીન ઉપર કોમ્પ્લેક્સ બનાવી બારોબાર સગેવગે કરવાના આક્ષેપ સાથે વહીવટી કમિટી સામે ભારે વિરોધ સર્જાયો છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઠોંસ પગલાં નહીં લેવાય તો ઇડરમાંથી ઊભું થયેલું આંદોલન આગામી સમયમાં ગાંધીનગર સુધી પહોંચે તો નવાઈ નહીં.