મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  ટ્રાફિક નિયમનનો ઉલાળીયો કરી રાજ્યમાં ગેરકાયદેસર મુસાફરો ભરી પેસેન્જર અને ખાનગી વાહનો રોડ પર સતત દોડી રહ્યા હોવાના દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓના બદલે નર્સીંગ કોલેજની વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની માફક ભરી હેરફેર થઇ રહી હોવાના દ્રશ્યો સામે આવતા સીવીલ સત્તાધીશો સામે અનેક સવાલ પેદા થયા છે. હિંમતનગર સીવીલ હોસ્પિટલ થી નર્સીંગ કોલેજની હોસ્ટલ સુધી લાવવા લઈ જવા માટે બસની સુવિધા ઉભી કરવાના બદલે એમ્બ્યુલન્સનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે અમદાવાદ કે અન્ય સ્થળે ખસેડવા સમયે એમ્બ્યુલન્સ ન મળતી હોવાની અનેક બૂમો સમયાંતરે ઉઠતી રહે છે. ત્યારે દર્દીઓની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હિંમતનગર નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓને સીવીલ થી હોસ્ટેલ સુંધી લાવવા અને લઇ જવા માટે ઉપયોગ થતો હોવાની સાથે એમ્બ્યુલન્સમાં ઘેટાં બકરાની માફક વિદ્યાર્થીઓ ભરવામાં આવી રહ્યા છે. નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓને બસ ને બદલે એમ્બ્યુલન્સમાં હેરફેર થવા છતાં અભ્યાસમાં અડચણના ડરે મોંઘા મોઢે સહન કરી રહ્યા છે. ત્યારે સીવીલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નર્સીંગ કોલેજની વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા ઉભી કરે તે તાતી જરૂરિયાત છે.