મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કસાઈઓ બેફામ બની પશુપાલકો ની હાજરી માં ઘર બહાર બાંધેલ પશુઓ અને રોડ પર રખડતા પશુઓને વાહનોમાં  ઉઠાવી જઈ ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલી દેવા સતત સક્રિય હોય છે. જીલ્લામાં પશુ તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે. હિંમતનગર તાલુકાના રૂપાલકંપા નજીક વર્ષોથી વસવાટ કરતા માલધારી પરિવારના વરંડામાં પશુ ચોર ત્રાટકી ૨૦ જેટલા બકરા વાહનમાં ભરી ફરાર થઇ જતા માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પશુ ચોર ટોળકી સક્રીય થતા ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. માલધારી પરિવારે ગાંભોઇ પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અગાઉ પણ વરંડામાંથી બકરા ચોરાઈ ગયા હોવા છતાં સ્થાનીક પોલીસ કામગીરીમાં ઉણી ઉતારતા કસાઈઓ બેફામ બન્યા હોવાનો માલધારીઓ અહેસાસ અનુભવી રહ્યા છે. 

Advertisement


 

 

 

 

 

હિંમતનગર તાલુકાના ગાંભોઇ નજીક આવેલા રૂપાલકંપા નજીક એક માલધારી પરીવાર વર્ષોથી પડાવ નાખી પશુપાલનનો ધંધો કરી જીવનનિર્વાહ ચલાવતા છે. માલધારી પરીવાર બકરાને રાખવા બનાવેલ વરંડામાં ૫૫ બકરા બાંધેલા હતા. સોમવારે રાત્રે માલધારી પરિવાર રાબેતા મુજબ વાળું કરી સુઈ ગયો હતો ત્યારે રાત્રે વાહન લઇ ત્રાટકેલા પશુ ચોરોએ વરંડાનો ઝાંપો તોડી વાડામાં રહેલા ૨૦ જેટલા બકરાની ચોરી કરી પશુ ચોરો ફરાર થઇ ગયા હતા. માલધારી પરિવારે પરોઢિયે વાડાનો ઝાંપો ખુલ્લો જોતા કોઈ અઘટીત ઘટના ઘટી હોવાનું જણાઈ આવતા વરંડામાં બાંધેલ બકરાની ગણતરી કરતા ૨૦ જેટલા બકરાની તસ્કરી થઇ હોવાની જાણ થતા માલધારી પરિવાર બેબાકળો બન્યો હતો. બકરા ચોરીની ઘટનાના પગલે લોકોના ટોળટોળાં ઉમટ્યા હતા. ભરવાડ સમાજના લોકો પણ દોડી આવ્યા હતા. એક સાથે ૨૦ બકરાની ચોરી થતા માલધારી પરિવારે દોઢ લાખથી  વધુ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. પશુ તસ્કરો સક્રિય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે પશુ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવેની માંગ પશુપાલકોમાં પ્રબળ બની છે. 

સહાભાર : જય અમીન, સાબરકાંઠા)