મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠાના ખેડભ્રહ્મા,વિજયનગર, પોશીના તાલુકામાં અસામાજીક તત્ત્વોથી લોકો સહીત અધિકારીઓ અને કર્મચારીઓ પણ ફફડાટ અનુભવતા હોય છે. પોશીના તાલુકાના દંત્રાલ ગામના પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મામલે બપોરે સામાન્ય સભામાં કાર્યવાહી શરૂ કરતા એક ટોળાએ પથ્થરમારો શરૂ કરતાં મામલો બિચક્યો હતો. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા પોલીસે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં ટોળું ન વિખેરાતાં બે રાઉન્ડ ટીયરગેસના છોડયા હતાં. આ ઘટનામાં બે વ્યક્તિને ઇજા થઇ હતી અને વાહનોને તોડફોડ કરી નુકશાન કર્યું હતું. પરિસ્થિતિ જોતાં ગામના સરપંચ મગનભાઈ કરમાભાઈ ડાભી રફુચક્કર થઇ ગયા છે. ગામમાં પોલિસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.અવિશ્વાસની દરખાસ્તની કામગીરી માટે પહોંચેલા અધિકારીઓ જીવ બચાવવા ટેબલ નીચે સંતાઈ ગયા હતા. 

દંત્રાલ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ કરમાભાઈ ડાભી વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાર સભ્યોમાંથી નવ સભ્યો લાવ્યા હતા. જેની શનિવારે બપોરે એક વાગ્યે તાલુકા પંચાયત, મામલતદાર અને પોલિસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા શરૂ કરી હતી ત્યાં જ એક ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના પગલે તમામ સ્ટાફ ગ્રામપંચાયતના મકાનમાં જતો રહ્યો હતો. બેકાબૂ બનેલા ટોળાએ ભારે હંગામો કરતા પથ્થરમારો કરી પંચાયતના મકાનના બારીઓ કાચ તોડયા હતા. આ ઉપરાંત વાહનોને મોટાપાયે નુકશાન કર્યું હતું. જેના પગલે બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે પ્રથમ છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આમ છતાં ટોળા ન વિખેરાતાં બે ટીયરગેસના શેલ પણ છોડયા હતાં. આ હંગામામાં બે વ્યક્તિઓને ઇજા થતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હિંમતનગર ખસેડયા હતા.

પથ્થરમારાની ઘટનાના પગલે વિસ્ફોટક સ્થિતીનું નિર્માણ થતા સામાન્ય સભા રદ કરી દેવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત કરનાર સભ્યોને સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. હાલ દંત્રાલ પંથકમાં એલસીબી,એસઓજી અને પેરોલફર્લો ટીમ તૈનાત કરી દઈ સ્થિતી થાળે પાડવા પોલીસે કવાયત હાથધરી હતી.