મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડરજ્જુ તરીકે જોવામાં આવે છે. સાબરડેરીમાં ડિરેક્ટર તરીકે નવા લોકોને લાભ મોકો આપવામાં આવતો નથી. ડિરેક્ટરો માટે ડેરી દુઝણી ભેંસ બની ગઈ છે. ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની મલાઈ તારવી લેવા માટે જ પદ મેળવવામાં આવે છે. સાબરડેરીની ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે ૧૫ થી ૨૫ લાખ રૂપિયા ઉમેદવારો પાસેથી ખંખેરવામાં આવતા હોવાની ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને સાબરડેરીના એમ.ડી બાબુભાઇ પટેલ સાથેની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા બંને જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. (વાયરલ થયેલી એ ઓડિયો ક્લિપ અહેવાલના અંતે રજુ કરાઈ છે)

સાબરડેરી દ્વારા ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે બહાર પડેલી ભરતીમાં હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવાર દીઠ ૧૫  થી ૨૫ લાખનું ઉઘરાણું કરવામાં આવતું હોવાનો આક્ષેપ ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે અગાઉ સોશ્યલ મીડિયામાં જંગ છેડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત સંલગ્ન કચેરીઓમાં સાબરડેરીમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સાથે સમગ્ર ભરતી પ્રક્રિયામાં એસસી, એસટી, ઓબીસી અનામતનો છેદ ઉડાડવામાં આવતો હોવાની લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં સરકાર કે સહકારી માળખાના આગેવાનોનું પેટનું પાણી પણ હાલ્યું ન હતું અને ભરતી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. હાલ ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે. તેવા સમયે ડેમાઈ જીલ્લા પંચાયત સીટના સદસ્ય કીર્તિ પટેલ અને એમ.ડી બાબુભાઇ પટેલ સાથેની ૬:૪૪ મિનિટની ઓડિયો કલીપ વાયરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે.