મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોનાની મહામારીમાં એકબાજુ મોંઘવારીએ માજા મૂકી છે સતત બેકાબુ બની રહેલી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સાબર ડેરી દ્વારા ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે રૂ .૨૦ અને ગાયના દૂધના ભાવમાં રૂ. ૯ નો ઘટાડો કરાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને વધુ એક આર્થિક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. આવતીકાલ બુધવારથી ભાવ ઘટાડો અમલી બનશે.જેના કારણે હવે તો પશુપાલકોને પોતાના ઘરે દુધાળા પશુઓ રાખતા પહેલા વિચાર કરવો પડે તેવી હાલત થઈ ગઈ છે.સાબરડેરી દ્વારા અગાઉ સાબરકાંઠા તથા અરવલ્લીના મળી ૩ લાખથી વધુ દુધ ઉત્પાદકોને દુધનો ભાવ પ્રતિ કિલોફેંટના ભેંસના રૂ.૭૩૦ અને ગાયના ૩૧૩  ભાવ ચુકવાયો હતો.
        
કોરોનાની વૈશ્વિક મહામારીમાં પશુપાલકોની હાલત કફોડી બની રહી છે ત્યારે સાબરડેરીએ દૂધ ખરીદીના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકોને કમરતોડ ફટકો પડશે દુધના ધંધામાં આવેલી મંદીના બહાને અત્યારે દુધ ઉત્પાદકોને ભેંસના દુધમાં પ્રતિકિલો ફેંટના રૃા.૨૦ જ્યારે ગાયના દુધમાં પ્રતિ કિલોફેંટના ભાવમાં રૃા.૯ ઘટાડો કરાયો છે.

સાબરડેરીએ બુધવારથી અમલી બનનારા નવા ભાવ મુજબ બંને જિલ્લાના દુધઉત્પાદકોને હવેથી ભેંસના દુધનો ભાવ રૃા.૭૩૦ ને બદલે ૭૧૦ જ્યારે ગાયના દુધનો ભાવ ૩૧૩ ને બદલે ૩૦૪ મુજબ ચુકવવા માટેના પરીપત્રો સાબરડેરીએ સ્થાનિક દુધમંડળીઓને પાઠવી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

નોંધનીય છે કે થોડા વર્ષો અગાઉ સાબરડેરી ધ્વારા સમગ્ર ગુજરાતમાં દુધનો ભાવ સાબરડેરી ધ્વારા વધુ ચુકવવામાં આવતો હતો.ત્યારે જમીન ધરાવતા અને જમીન ન ધરાવતા લોકોએ પણ સબસીડીવાળી લોનો લઈને ગાય-ભેંસના અસંખ્ય તબેલા બનાવ્યા હતા.પરંતુ ધીરે ધીરે દુધના ભાવ ઓછા થતા જતા તબેલાને તાળાં લગાવવા સિવાય પશુપાલકો પાસે બીજો કોઈ ઉપાય બચ્યો નથી