મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા અને બંને જીલ્લાના ૪ લાખથી વધુ ખેડૂતો અને પશુપાલક પરિવારોની જીવાદોરી એવી સાબરડેરીએ તાજેતરમાં દૂધનો ભાવ ઘટાડો કરવાનો કરેલો નિર્ણય પશુપાલક પરિવારો અને ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. સાબરડેરીએ દુધના ફેટના ભાવમાં ઘટાડો કરતા હવે ઠેર ઠેર તેનો વિરોધ થઇ રહ્યો છે. તલોદ તાલુકામાં પશુપાલકોએ દૂધ ઢોળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ૪ લાખથી વધુ પશુપાલકોએ હવે સાબરડેરી સામે મોરચો માંડ્યો છે. ગુજરાતમાં સૌથી પહેલા સાબરડેરીએ ગાયના દુધના કિલો ફેટના ભાવમાં 9 રૂપિયા તો ભેંસના દુધના ભાવમાં ૨૦ રૂપિયા ઘટાડો કરતા હવે પશુપાલકો રોષે ભરાયા છે અને દૂધ ઢોળીને આનો વિરોધ કરી રહ્યા છે. સાબરડેરી દ્વારા અગાઉ સાબરકાંઠા તથા અરવલ્લીના મળી ૩ લાખથી વધુ દુધ ઉત્પાદકોને દુધનો ભાવ પ્રતિ કિલો ફેંટમાં ઘટાડો કરીને ભેંસના રૂ. 710 અને ગાયના 304  ભાવ કરી દેવાયો છે.

તાત્કાલિક અસરથી આ ભાવ ઘટાડો પાછો ખેંચાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વિદેશમાંથી દુધનો પાવડર આયાત કરવાનું નક્કી કર્યું છે.જેને લઈને અહી ઘર આંગણે દુધના ભાવના ફેટમાં ઘટાડો કરવો પડી રહ્યો છે.

લોકડાઉનની અસરમાંથી હજુ આ પશુપાલકો બેઠા નથી થયા ત્યાં સાબડેરીએ પાછુ પડતા પર પાટું માર્યું છે. ડેરી સત્તાધીશો દિન-૧૦માં ભાવ ઘટાડો પરત કરવાનો નિર્ણય નહીં જાહેર કરે તો, તાલુકા અને જિલ્લા કક્ષાના ભારતીય કિસાન સંઘ સંગઠનના નેજા હેઠળ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન આગળ ધપાવવાની પણ રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનું મનાય છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો, ખેડૂતો અને તમામ દૂધ ઉત્પાદકોની જીવાદોરી સાબરડેરી છે. આ ડેરીના સત્તામંડળ માસ તા. ૧-૭-૨૦૨૦ બુધવારથી દૂધના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી ખેડૂતો-પશુપાલકો વગેરે એક નવી આપદાનો ભોગ બન્યાનું માની રહ્યાં છે.સાબરડેરી દ્વારા દુધના ભાવ ઘટાડાય છે પણ સાબરદાણનાં ભાવ ઘટતા નથી જેને લઈને પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.અને આ અસંતોષમાં આગળ જતા મોટો ભડકો થાય તો નવાઈ નહીં....!!