મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા તેમજ અરવલ્લીની જીવાદોરી ગણાતી સાબરડેરીએ આજે વિક્રમ જનક દૂધનો ભાવ ફેર જાહેર કરતા સાડા ચાર લાખ પશુપાલકોને ખુશીની લહેર વ્યાપી છે. સાથોસાથ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ૧.૬૦ રૂપિયા જેટલો વધારાનો નફો આપતા પશુપાલક સમાજના આંદોલનકારીઓએ પણ ડેરીના નિર્ણયને આવકાર્યો છે.

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે સાબર ડેરીએ આવકનું એક માત્ર સાધન છે. તેમજ કોરોના મહામારી અંતર્ગત છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવ પણ યથાવત રીતે જળવાઈ રહ્યા છે ત્યારે આ વખતે સાબરડેરી દ્વારા રૂપિયા 360 કરોડથી વધારેનો દૂધ વધારો ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જો કે ગત વર્ષે 293 કરોડ રૂપિયા દૂધ વધારો આપવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોના મહામારી અંતર્ગત સાબરડેરી દ્વારા ૧૧.૬૦ રૂપિયાનું દૂધ વધારો જાહેર કરાયું છે જે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાધિક છે. સાથોસાથ પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલ દ્વારા સાબર ડેરીના દૂધ વધારાને આવકારવામાં આવ્યો છે. તેમજ કોરોના મહામારીને પગલે પશુપાલકોનું ધ્યાન રખાયા હોવાનું જણાવ્યું છે. 

જોકે સાબરડેરી સહિત અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે પશુપાલકોની સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ ભાવ 800થી વધારે આપવામાં આવ્યો છે. સાથોસાથ ગત વર્ષની સરખામણીએ 57 કરોડથી વધારે ટર્નઓવર થયું છે. જેના પગલે આ વખતે ગત વર્ષની સરખામણીએ યોગ્ય ભાવ વધારો  આપી શકાયો છે. જેથી 11.60 ટકાનો વધારો આપી શકાયો છે. પશુપાલકોની આર્થિક જરૂરિયાતોની સાથે સાથે ખેડૂતોને હાલમાં ખેતીની સિઝન હોવાના પગલે દૂધના ભાવ ફેરની રકમ ખેડૂતોને જરૂરિયાતના સમયે જ મળી રહેશે. જેમાં આગામી 21 તારીખે સાડા ચાર લાખ પશુપાલકોને ખાતામાં દૂધનો ભાવ ફેર સીધેસીધો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેનાથી પશુપાલક સમાજમાં પણ ખુશી ફેલાશે તે નક્કી છે.