પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે સિનેમા હોલમાં જતો દર્શક મનોરંજન માટે જ આવે છે તેવું નિર્માતા-દિગ્દર્શક માનતા હોય છે, પણ આ માન્યતાથી વિપરીત દર્શકને વિચારતા કરી મુકે તેવી ફિલ્મ સાહેબ હાલમાં થીયેટરમાં ચાલી રહી છે. દેશ અને ગુજરાતના રાજકારણમાં વિદ્યાર્થી આંદોલનોએ મોટો ભાગ ભજવ્યો છે. જો કે હાલની યુવા પેઢી 1974માં થયેલી નવનિમાર્ણ આંદોલનથી અજાણ છે. ફિલ્મમાં કયાંય દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ ફિલ્મ નવનિર્માણ આંદોલનની આસપાસ ફરતી હોય તેવું સમજાઈ જાય છે. 1974માં ગુજરાતના મુખ્યમંત્રી પદે ચીમનભાઈ પટેલ હતા અને વિદ્યાર્થી આંદોલનને કારણે તેમને સત્તા છોડવી પડી હતી. સાહેબમાં મુખ્યમંત્રીની ભૂમિકા અદા કરનાર અર્ચન ત્રિવેદ્દીને કદાચથી નજીકથી જોયા છે કે નહીં તેની ખબર નથી. પરંતુ જેઓ પણ ચિમનભાઈ પટેલને જાણે છે તેઓ જો સાહેબ જેવા જાય તો નજર સામે તેઓ ચીમનભાઈ પટેલને જ જોઈ રહ્યા હોય તેવું લાગે, આમ આપણો રાજકારણી કેવો હોય છે તેવું દર્શાવવામાં અર્ચન સફળ રહ્યા છે. અર્ચનની સાથે ગૃહમંત્રીની ભૂમિકા અદા કરનાર હિતેશ ઠાકર નખશિખ કલાકાર છે, સત્તા માટે અને સત્તા ટકાવવા રાજકારણી કેટલો નીચે પડી શકે તે પાત્રને હિતેશે બખુબી નિભાવ્યું છે.

સાહેબની ભૂમિકા અદા કરનાર મલ્હાર ઠાકરનું પાત્ર એક આંદોલનકારી નેતાનું છે, પણ જેઓ ગુજરાતના રાજકારણ અને આંદોલનને સમજે છે તેમને સમજાય તે સાહેબ એટલે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનું મીક્સચર છે. કોલેજ ફિ, રાજકારણમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, દલિત આંદોલન જેવા વિષયોને મલ્હારે યોગ્ય નારો આપ્યો છે. સામાન્ય રીતે લોકોને પોતાની એકટીંગ દ્વારા હસાવતો મલ્હાર એક જુદા જ પાત્રમાં જોવા મળે છે. સાહેબને ન્યાય આપવા માટે ફિલ્મના વિષયનો બારીક અભ્યાસ કર્યો હોવાનું દેખાઈ આવે છે. સાહેબની પ્રિયતમા એટલે ફિલ્મની હિરોઈન રાજપ્રિય અને મલ્હારની કેમેસ્ટ્રી ખુબ સારી છે. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી દર્શકો જેને બોલ્ડ સીન માને તેવા પણ બે દર્શ્યો છે. જો કે બંન્ને સીન કથાને અનુરૂપ છે ફિલ્મને વેચવા માટે કિસ સીન ઉમેરવામાં આવ્યા હોય તેવું જરા પણ લાગતુ નથી. બહુ જ સહજ ઘટના લાગે છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ અને મહિલાની જે સીડી ફરતી થઈ હતી તેવી ઘટનાનો ઉલ્લેખ બતાડવા માટે આ સીન મુકયા હોવાનું સમજાય છે.

પત્રકાર સૌમિત્રની ભૂમિકા અદા કરનાર નિસર્ગ ત્રિવેદ્દી પરફેકટર પત્રકારની ભૂમિકા અદા કરે છે નિર્સગ પત્રકારના મનમાં ચાલતી ગડમથલ અને વેદનાને યોગ્ય ન્યાય આપવામાં સફળ રહ્યા છે .

આ ફિલ્મ લેખક પરેશ વ્યાસની મુળ સ્ક્રિપ્ટ તણખો આધારિત છે, પરેશ માણસ તરીકે પણ સંવેદનશીલ હોવાને કારણે ફિલ્મે દર્શકોને સંવેદનશીલતાને હચમાચાવી નાખવાનું કામ કર્યું છે. ફિલ્મના ડાયલોગ પણ પરેશ વ્યાસ અને રાજેશ શર્માના છે. એક સંવેદનશીલ માણસને જે કઈ ખુંચે તે બધુ જ ડાયલોગ દ્વારા બહાર આવે છે. ફિલ્મના દિગ્દર્શક શૈલેષ પ્રજાપતિ ફિલ્મના વિષયો પ્રમાણે પાત્રો પાસે સારી રીતે કામ લઈ શક્યા છે. જન આંદોલનને અનુરૂપ અને ગીતો પણ છે. પણ અમે તો મઝા કરવા થીયેટરમાં આવ્યા હતા તેવું માનીને આવતો દર્શક કદાચ થોડો નિરાશ થાય તેમ છે કારણ, ગુજરાતી સ્વભાવ પ્રમાણે  ગુજરાતી માણસ વાંચન અને વિચારો માટે પૈસા ખર્ચ કરે ત્યારે તે ગુજરાતીને દુ:ખ થાય છે.

પણ પૈસા કમાતો ગુજરાતી વિચારશીલ છે તેવું માનતા ગુજરાતીએ અચુક આ ફિલ્મ જોવા જેવી છે, ગુજરાતી ફિલ્મ માણસને વિચારતો કરી શકે તેવી દિશામાં સાહેબનું આ પહેલુ પગથીયુ છે. ગુજરાતમાં હાલમાં જે કઈ થઈ રહ્યું છે તેને સમજવા માટે સાહેબ જોવી જોઈએ.