જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): એસપી બાલાસુબ્રહ્મણીયમ, બાલુ, SPB જેવા નામોથી જાણીતા ગાયક કલાકાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. શુક્રવારે બપોરે ચેન્નાઇ ખાતે કોરોના સામેની જંગમાં હારી જનારા કરોડો ભારતીય સંગીત પ્રેમીનું દિલ જીતી ગયા છે. એક જ દિવસમાં 21 ગીત કમ્પોઝ કરવાનો રેકોર્ડ બનાવનાર એસપીએ જુદી જુદી 16 ભાષામાં 30 હજારથી વધુ ગીત ગાયા છે. પરંતુ ગુજરાતીમાં ગાવાનો મોકો ન મળ્યો એ વસવસો એમને જિંદગીભર રહ્યો. અને એ જ અધૂરી ઈચ્છા સાથે તેઓ આ ફાની દુનિયામાંથી જરૂર રહ્યા છે પરંતુ તેમનો એ અલગ પ્રકારનો સોફ્ટ, સાઉથ ઇન્ડિયન ટચવાળા અવાજ સાથે તેઓ હજુ પણ આપણી વચ્ચે હોવાનો ભાસ કરાવી રહ્યા છે. 

દક્ષિણ ભારતની તમામ ભાષામાં સ્વર આપી ચૂકેલા SPBને વર્ષ 2012માં ઇન્ટરવ્યુ માટે આ લખનારને મળવાનું થયું હતું. કચ્છમાં ગાંધીધામ ખાતે તમિલ વેલ્ફેર એસોસિએશનનાં એક ફંક્શન માટે તેઓ કચ્છ-ગુજરાત ખાતે આવ્યા હતા. તમિલ સંસ્થાનાં શ્રીનિવાસન, ડોક્ટર એસ. નાથન સાથે જયારે તેમને બાલુને મળવાનું થયું ત્યારે માન્યમાં આવતું ન હતું કે આ એજ કલાકાર છે જેણે કમલ હસનથી માંડીને સલમાનખાન સહિતનાં બોલિવુડના અભિનેતાઓને યાદગાર અવાજ આપ્યો છે. 80-90નાં દાયકામાં એક મધુર અને સોફ્ટ અવાજ ધરાવતા આ સિંગર વાસ્તવમાં પણ એટલા જ સોફ્ટ હતા. ભારેખમ શરીરવાળા એસપીને મળીએ તો તેઓ સાવ હલકા ફૂલ લાગતા હતા. સરળ એટલા કે, જયારે તેમને પૂછવામાં આવ્યું કે તમે હકીકતમાં 30 હજારથી વધુ સોન્ગ ગાયા છે ? ત્યારે ખૂબ જ સરળતાથી કાનથી બુટ પકડીને જવાબ આપ્યો કે, એ મારા ચાહકો છે જે મારા ગયેલા સોંગનો આંકડો વધારી રહ્યા છે. જુદી જુદી 16 ભાષામાં પોતાનો કંઠ આપનારા એસપીને જયારે પૂછ્યું કે, તમે ગુજરાતીમાં કેમ ગાતા નથી ? તો તરત તેમણે જવાબ આપેલો કે, કોઈએ મને ચાન્સ આપ્યો જ નથી. જો તક મળશે તો ચોક્કસ ગાઈશ. સાઉથનાં સુપર સ્ટાર ગાયક માનવામાં આવતા એસપીએ તા.૨૨મી એપ્રિલ,૨૦૧૨ની સાંજે કંડલા પોર્ટની ગોપાલપુરી કોલોનીમાં આવેલા ઓડિટોરિયમમાં સંગીત કાર્યક્રમ પણ આપ્યો હતો. જેમાં તેમણે હાજર શ્રોતાની ફરમાઈશ પ્રમાણે જુદી જુદી ભાષાઓમાં ગીત સંભળાવ્યા હતા. સાઉથમાંથી કોઈ આટલો મોટો કલાકાર કચ્છમાં આવ્યો હોય તેવો કદાચ એ પહેલો પ્રસંગ હતો.

અમદાવાદનાં કાંકરિયા તળાવનો ઉલ્લેખ એસપીને દુઃખી કરી ગયેલો

એસપી સાથે ઇન્ટરવ્યુ વખતે કમલ હસનની હિન્દી ફિલ્મ 'એક દુજે કે લિયે'નો ઉલ્લેખ કરેલો. જેના એક ગીત 'તેરે મેરે બીચ મેં, કૈસા યે બંધન' માટે તેમનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં અંતમાં જે રીતે હીરો-હિરોઇન આત્મહત્યા કરે છે તે રીતે એ વખતે અમદાવાદમાં નિષ્ફળ પ્રેમીઓ કાંકરિયા તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરતા હતા. જયારે આ વાત એસપીને કરી ત્યારે તેઓ દુઃખી થઈ ગયા હતા.