ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ૨૦૨૦માં જગતના કૂલ સુવર્ણ ઉત્પાદનમાં રશિયાએ ૯ ટકા હિસ્સો આપ્યો હતો. રશિયાએ અંદાજે ૩૩૧ ટન સોનાનું ઉત્પાદન કરી વિશ્વમાં બીજું સ્થાન મેળવી લીધું હતું. આ ગાળામાં ચીનનું ઉત્પાદન ૩.૬ ટકા ઘટીને ૩૬૮ ટન થયું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓ-ટેકનોલોજીસ દ્વારા ૬ મેએ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ ઘટના ઉજાગર થઈ હતી, જે એસએન્ડપી ગ્લોબલ પ્લાટસએ જોઈ હતી.

૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં રશિયાની સુવર્ણ નિકાસમાં ૭૨ ટકા જેવો જબ્બર ઉછાળો આવ્યો આ ગાળામાં ૩ અબજ ડોલરનું ૫૧,૫ ટન સોનું નિકાસ કર્યું હતું, આમાંની  સૌથી વધુ આયાત બ્રિટને ૧.૨ અબજ ડોલરની ૨૧.૧ ટનની કરી હતી. આ આંકડાઓ જોતાં કહી શકાય કે ટૂંકસમયમાં રશિયા વિશ્વનો સૌથી મોટો સુવર્ણ ઉત્પાદક દેશ બની જશે.   

સામાન્ય રીતે જાગતિક નાણાકીય અને રાજકીય કટોકટીમાં દરેક લોકો ફુગાવા સામેના હેજ અને સલામત મૂડીરોકાણ સ્વર્ગ તરીકે સોનાને પ્રથમ નંબરે ગણે છે, પણ કમનસીબે મહિનાઓથી તે નકારાત્મક વલણ અપનાવી બેઠું હતું. શુક્રવારે (આજે) એશિયન બજારમાં સોનું અચાનક આળસ મરડીને અઢી મહિનાની ઊંચાઈએ પહોંચી ગયું. પણ અમેરિકન ઈકોનોમિક ડેટા હકારાત્મક આવતા ડોલર એક સપ્તાહની અને ૧૦ વર્ષના અમેરિકન બોન્ડ બે સપ્તાહની બોટમે બેસી ગયા.


 

 

 

 

 

ગુરુવારે અમેરિકાએ સાપ્તાહિક જોબલેસ ક્લેમ (બેરોજગારી ભથ્થું) ૨૦૨૦ મધ્ય માર્ચ પછીથી કોરોના મહામારીએ આડો આંક વાળ્યો, ત્યાર બાદના સૌથી ઓછા ૪.૯૮ લાખ બેરોજગારોએ ભથ્થા અરજી રજૂ કરી હતી. પણ વર્તમાન સપ્તાહના આ આંકડા ૧૦ લાખને પાર કરી જવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે.

તાજેતરમાં ક્રિપટો કરન્સી બજાર મોટી તેજીમાં દાખલ થયું છે, ત્યાર પછીથી પ્રેસિયસ મેટલ માર્કેટમાં પણ કામકાજ પ્રમાણમાં ઊંચા ભાવએ થવા લાગ્યા છે. સ્પોટ સોનાના ભાવ ૧૮૨૦ ડોલર અને ચાંદી એક જ દિવસમાં ૨.૫ ટકા ઊછળી હતી. કીમતી ધાતુમાં આ સપ્તાહે ભાવ સારાએવા વધી આવ્યા હતા. તેની તુલનાએ ક્રિપટોકરન્સીમાં સુધારો ધીમો પડી ગયો છે. વાસ્તવમાં સમસ્ત ક્રિપટો ઇકોનોમીનું  મૂડીકરણ ૨.૨૨ ટ્રિલિયન ડોલર થયું છે, જે ચાંદીના ૧.૪૭ ટ્રિલિયન ડોલર કરતાં સહેજ વધુ છે.

ગત સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વએ કહ્યું કે અમે ફુગાવાના દરને બે ટકા સુધી વધતો જોવા માંગી છીએ, અને તેને આધારે રાહત પેકેજો પણ ચાલુ રાખીશું. આ સમાચાર પછી ક્રિપટો એસેટ્સ અને સોના ચાંદી જેવી ધાતુ પણ વધવા લાગી હતી. આને લીધે વર્તમાન ભાવને આધારે સોનાનું બજાર મૂડીકરણ ૧૧.૩૨૮ ટ્રિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચ્યું હતું.

બેન્ચમાર્ક જુલાઇ ન્યુયોર્ક કોમેક્સ વાયદો બે દિવસમાં ૩૭ ડોલર વધીને ૧૮૨૩ ડોલર થયો હતો. ગુરુવારે ૧૦ વર્ષના અમેરિકન ટ્રેજરી બોન્ડનું યીલ્ડ ૧.૬ ટકાનું મથાળું ગુમાવીને ૧.૫૬ ટકાએ પહોંચ્યું હતું. અલબત્ત, આ વર્ષે જાન્યુઆરીમાં સોનાએ ૧૮૦૦ ડોલરનું મથાળું ગુમાવ્યા બાદ ભાવ ઘટતા રહીને ૮ માર્ચે ૧૬૬૩.૩૦ ડોલરનું તળિયું બનાવ્યું હતું.

કોરોના મહામારીમાં ફુગાવામાં જબ્બર ઉછાળો આવતા, ૨૦૨૦માં પણ અમેરિકાએ નાગરિકોને રાહત આપવા ૩ અબજ ડોલરનું આર્થિક પેકેજ આપ્યું, તેના સીધા પ્રત્યાઘાતમાં સોનાએ માર્ચમાં ૧૫૯૯ ડોલરના તળિયેથી છલાંગ મારીને ઓગસ્ટમાં ભાવ ઐતિહાસિક વિક્રમ ૨૧૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)