ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  શેર બજારમાં ઘોડા પુરની માફક વિદેશી હૂંડિયામણનો પ્રવાહ અને કરન્સી બજારમાં એશિયન ચલણો મજબુત થતા પણ રૂપિયો વધુ મજબુત થયો હતો. શુક્રવારે એશિયન કરન્સી બજારમાં રૂપિયો બેસ્ટ પરફોર્મિંગ સાબિત થયો હતો. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ૬.૨ અબજ ડોલરના ભારતીય શેર ખરીધ્યા હતા. કદાચ એવું પણ બને કે તાજેતરની અમેરિકન ફેડરલ રિઝર્વની નવી પોલીસીને લીધે આ પ્રવાહમાં વધુ વૃદ્ધિ થાય. ગત સપ્તાહમાં રૂપિયો બે ટકા મજબુત થયો હતો જે ૨૧ ડીસેમ્બર ૨૦૧૮ (૨.૪ ટકા) પછીની સૌથી મોટો ઉછાળો છે. 

કરન્સી એનાલીસ્ટો કહે છે કે કરન્સી ટ્રેડરોને આ લેવલ પર કોઈ સમસ્યા ન સર્જાય તે હેતુથી રિઝર્વ બેંક પણ રૂપિયાને મજબુત થવા દેવામાં માનતી હોવી જોઈએ. અલબત્ત, બજારમાં કોઈ અફડાતફડી ન સર્જાય તેનું બરાબર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડોલર સામે સતત ત્રીજા ટ્રેડીંગ સત્રમાં શુક્રવારે રૂપિયો ૪૩ પૈસા વધીને છ મહિનાની નવી ઉંચાઈએ પહોચ્યો હતો. વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજારમાં આકર્ષણ વધી રહ્યું છે, તે જોતા પણ રિઝર્વ બેંક બજાર મધ્યસ્થીથી દુર રહેવામાં માને છે.

અંશત: કન્વર્ટીબલ રૂપિયો શુક્રવારે પ્રતિ ડોલર ૭૩.૩૮ બોલાયો તે અગાઉ પાંચ માર્ચની ઉંચાઈએ ૭૩.૨૮ કવોટ થયો હતો. તેઓ કહે છે કે નાના નાના અસંખ્ય હકારાત્મક કારણો પણ રૂપિયાની મજબૂતીમાં ભાગ ભજવી રહ્યા છે. તેઓ માને છે કે ટૂંકાગાળામાં રૂપિયો ૭૪ આસપાસ જળવાઈ રહેશે, તેમનું લાંબાગાળાનું અથવા બાર મહિનાનું લક્ષ્યાંક રૂ, ૭૫.૫૦ કે ૭૬.૮૦નું છે. 

એવું લાગે છે કે આરંભમાં રિઝર્વ બેંક રૂપિયાને ૭૪.૫૦ ઝોનમાં રક્ષણ આપશે, પણ જ્યારે તેની ગેરહાજરી હશે ત્યારે રૂપિયો ફ્રી ફોલ તૂટશે. વિશ્વની પાંચમી સૌથી મોટી કરન્સી રીઝર્વ ધરાવતી રિઝર્વ બેન્કે, જુલાઈમાં પુરા થયેલા ચાર મહિના દરમિયાન પોતાની કરન્સી રીઝર્વને વધુ મજબુત કરવા ૩૦ અબજ ડોલરનું ફેરેક્સ ખરીદ્યું હતું. પણ રૂપિયાને મજબુત કરવામાં તેણે કોઈ ભૂમિકા કરી ન હતી. તાજેતરની યુએસ ફેડરલ રિઝર્વ પોલીસીએ વિદેશી હૂંડિયામણ અને રૂપિયાને મજબુત કરવામાં ભૂમિકા કરી છે. 

આ તરફ ૫.૭૭ ટકાના કુપન રેટ ધરાવતી ૧૦ વર્ષની સરકારી સીક્યુરીટી મારફત રૂ. ૧૮૦૦૦ કરોડ ઉભા કરવા શુક્રવારે લીલામ યોજાયું હતું, પણ તેને કોઈ યોગ્ય ગ્રાહક ન મળતા રિઝર્વ બેન્ક દ્વારા પ્રાયમરી ડીલરોને તે ટ્રાન્સફર કરી દેવાયા હતા. આ વર્ષે અત્યાર સુધી રૂપિયાને એશિયન રીજનમાં સૌથી નબળી કરન્સી રહેવા દેવાના એક વ્યુહાત્મક ભાગ રૂપે, રિઝર્વ બેંકે તેની અનામતોને મજબુત કરવા, સતત ડોલર બાય કર્યે રાખ્યા હતા. 

મુંબઈ સ્થિત એક કરન્સી ટ્રેડરે કહ્યું હતું કે હવે રીઝર્વ બેંક કદાચ વધુ સમય બજાર મધ્યસ્થી કરવા નહી આવે. તાજેતરમાં ફુગાવામાં આવેલા ઉછાળા નિમિત્તે ભારતમાં ચીજોને સસ્તી બનાવા, ક્રુડ ઓઈલ સહીતની આયાતી ચીજોની પડતર ઘટાડવાનાં હેતુથી પણ બજાર મધ્યસ્થી નહિ કરીને રૂપિયાને મજબુત થવા દેવાની વ્યૂહરચના, રિઝર્વ બેંક વાજબી ગણતી હોવી જોઈએ. 

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)