ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સતત વધી રહેલા વિદેશી હૂંડિયામણ સાથે કરન્સી ટ્રેડરોએ જોખમી સોદા કરીને રૂપિયાએ પાંચ સપ્તાહમાં અમેરિકન ડોલર સામે ૪.૫૫ ટકા મજબૂતી બક્ષીને આ વર્ષની નવી ઊંચાઈએ પહોંચાડ્યો હતો. પણ છેલ્લા ચાર સત્રમાં રૂપિયો ૬૫ પૈસા ઊંચેકાંધ પડીને ગુરુવારે મધ્યસત્રમાં ૭૩.૧૪ ખાંગો થયો હતો. અમેરિકા અને એશિયન કરન્સી બજારની નબળાઈએ પણ નકારાત્મકતા સર્જી હતી. ૨૫ ફેબ્રુઆરીથી સતત વધતા રૂપિયાએ એકલા મે મહિનામાં બે ટકા મજબૂતી ધારણ કરી હતી, આ ઘટના બે વર્ષ કરતાં વધુ સમયમાં પહેલી વખત બની હતી, પરિણામે મે મહિનામાં એશિયન બજારમાં રૂપિયો દાદુ બની ગયો હતો.

ભારતીય રિજર્વ બેન્કનો એક અભ્યાસ કહે છે કે જો રૂપિયામાં ૧ ટકાની તેજી કે મંદી થાય તો ફુગાવાદરમાં ૦.૧૫ ટકાની સમાંતર વધઘટ નોંધાતી હોય છે. વધતો ફુગાવાદર અને અમેરિકાની એકદમ હળવી નાણાંનીતિએ પણ અમેરિકન ડોલર પર દબાણ વધાર્યું છે. કોરોના કટોકટીથી જોખમમાં મુકાયેલા ભારતીય ઉધ્યોગોની વિકાસવૃધ્ધિ, છેલ્લા ૧૦ મહિનામાં સૌથી નબળી પુરવાર થઈ હતી. ભારતના મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેન્યુફેક્ચરર્સ ઇંડેક્સ (પીએમઆઈ)ના તાજા આંકડા કહે છે કે એપ્રિલમાં તે ૫૫.૫ હતો તે મેમાં ઘટીને ૫૦.૯ પોઈન્ટ થયો હતો.

Advertisement


 

 

 

 

 

અલબત્ત, આંક ૫૦ની ઉપર રહ્યો છે તે એવું પણ સૂચવે છે કે જુલાઇ ૨૦૨૦થી સર્વાંગી ઉત્પાદકીય પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે સારી વાત છે. કરન્સી ડિલરો હવે ભારતના આર્થતંત્રની વેપારતુલાના આ વર્ષના આંકડા પર નજર ઠેરવશે. ટ્રેડરોનો સર્વાનુમ સૂચવે છે કે ભારતની વેપારખાધ ૧૦.૪ અબજથી ૧૫.૦૯ જેટલી રહેવાની ધારણા છે. આ બધુ જોતાં આગામી દિવસોમાં રૂપિયો ૭૨.૫૦ અને ૭૩.૫૦ વચ્ચે અથડાયા કરશે. પણ વ્યાપક રીતે જોવા જઈએ તો આ વર્ષે રૂપિયો ડોલર સામે જિંક જીલી લેવાની સ્થિતિમાં છે.

૧૦ વર્ષના બેન્ચમાર્ક ભારતીય બોન્ડનું યીલ્ડ બુધવારે ૦.૧૮ ટકા ઘટીને ૬.૦૧૪ ટકા મુકાયું હતું.  રોકાણકારો હવે શુક્રવારે રજૂ થનારા અમેરિકન રોજગારી આંકડા અને ભારતીય રિજર્વ બેંકના આગામી વ્યાજદર નિર્ણય પર ધ્યાનધરીને બેઠા છે. જેમાંથી રૂપિયાની ભાવિ ચાલના સંકેત મળશે. ભારત તેની કૂલ જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જે દેશની વેપાર ખાધની તુલા અસમતોલ કરી નાખે છે, સાથે જ જીડીપી પર પણ નકારાત્મક અસર ઊભી કરે છે.

Advertisement


 

 

 

 

 

જો ડોલર નબળો પડે તો આપણને ક્રૂડ ઓઇલ ખરીદી માટે ઓછા રૂપિયા ખર્ચવા પડે, જે આપણાં માટે સારા સમાચાર પણ ગણાય. આથી આપણે પેટ્રોલ અને ડીજલના ભાવ પર પણ કાબૂ મેળવી શકીએ છીએ. આને લીધે કોમોડિટીની આયાત પડતર પણ નીચે જાય અને ફુગાવાજન્ય દબાણ પણ હળવું થઈ શકે છે. આની મદદથી રિજર્વ બેંક પણ સર્વસ્વીકૃત નાણાનીતિનું ઘડતર કરીને ઊર્જા ક્રેડીટ ગ્રોથ રેટ પણ નીચે લઈ જઈ શકે છે.

છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ છેલ્લા એક વર્ષમાં ૮ ટકા અને ૨૦૨૧ની ઊંચાઈએથી જોઈએ તો ૪ ટકા ઘટ્યો છે. મહત્વની જાગતિક કારન્સીઓ સામે અમેરિકન ડોલરનું સરેરાશ મૂલ્ય અને વિદેશ વેપારમાં તેનું સરેરાશ ભારણ કેટલું હોવું જોઈએ તે નિર્ધારિત કરવા અમેરિકન ફેડરલ રિજર્વએ ૧૯૭૩માં આ ઇંડેક્સ તૈયાર કર્યો હતો. હાલમાં આ ઇન્ડેક્સમાં યુરોનું ભારણ (વેઇટેજ) ૫૭.૬ ટકા જપાન યેનનું ૧૩.૬ ટકા, પાઉન્ડ સ્ટર્લિંગનું ૧૧.૯ ટકા, કેનેડીયન ડોલરનું ૯.૧ ટકા સ્વીડિશ ક્રૉનરનું ૪.૨ ટકા અને સ્વિસ ફ્રાન્કનું ૩.૬ ટકા ભારણ છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)