ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વર્તમાન વર્ષે સ્થાનિક અને જાગતિક રબર વેપારમાં વૃધ્ધિની સારી એવી તકો નિર્માણ થઈ છે. વૈશ્વિક રબરના ભાવ તો છેલ્લા ૩/૪ મહિનાથી સતત વધી રહ્યા છે, અને આગામી મહિનાઓમાં પણ આ વલણ જળવાઈ રહેશે. આ ગાળામાં એમસીએક્સ રબર  વાયદો ક્વિન્ટલ દીઠ રૂ. ૧૦૦૦ ઉછળ્યો હતો. કોરોના મહામારીમાંથી વિશ્વ બહાર આવી રહ્યાના સમાચાર વચ્ચે આર્થિક વિકાસના આશાવાદે રબરની માંગમાં વધારો થવાની શક્યતા પણ વધી હતી. પરિણામે ભાવ પર પણ તેની અસર જોવાઈ રહી છે. ભારત અને ચીન જેવા દેશની માંગ વચ્ચે કમ્બોડિયન રબરના જાગતિક ભાવ વર્ષાનું વર્ષ ૧૦ ટકા કરતાં વધુ વધ્યા હતા. 

ભારતમાં રબર બોર્ડના કોત્તાયમ રબરના હાજર ભાવ કિલો દીઠ રૂ. ૧૬૯ ટકેલા હતા, જ્યારે ટ્રેડરોના ભાવ રૂ. ૧૬૪ મુકાયા હતા. એમસીએકસ એપ્રિલ વાયદો રૂ. ૧૭૧૭૫ પ્રતિ ક્વિન્ટલ હતો. ટોક્યો રબર એપ્રિલ વાયદો કિલો દીઠ ૨૬૩.૮૦ યેન સ્થિર હતો. બજારમાં અત્યારે એવા કોઈ ફંડામેન્ટલ્સ ઉપલબ્ધ નથી, જે ભાવને દોરવાણી આપી શકે, માર્ચ વર્ષાન્ત સુધી ભાવની આ જ સ્થિતિ રહેવાની.

રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ભારત આગામી થોડા વર્ષમાં જગતના ત્રીજા નંબરના ટાયર ઉત્પાદકોમાં સ્થાન પામશે, જે અત્યારે ચોથા નંબરે છે. આ જોતાં પણ કહી શકાય કે ભારતના ટાયર ઉધોગની રબર માંગ વધુ વધશે. આ સાથે જ કેરળ સરકારે ૨૦૨૨૧-૨૨ના બજેટમાં સપોર્ટ પ્રાઇસ ક્વિન્ટલ દીઠ રૂ. ૧૫,૦૦૦થી વધારીને રૂ. ૧૭,૦૦૦ કર્યા છે. મલેશિયન રબર ગલોવઝ મેન્યુફેકચરિંગ એસોસિયેશનના અનુમાન પ્રમાણે વૈશ્વિક કોરોના મહામારીમાં રબર ગલોવઝની માંગ ૫૦૦ અબજ નંગની થશે, જે આ વર્ષે ૪૨૦ અબજ નંગે પહોંચી જશે.


 

 

 

 

 

૨૦૨૦ના આરંભે કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ)ની પ્રથમ વખત જ અત્યાવશ્યક્તા જણાઈ કે તરતજ, મલેશિયન એસોસિયેશને રબર ગલોવઝની માંગ વધવાની આગાહી કરી નાખી હતી. એ સમયે જ માંગ ૪૬૦ અબજ નંગે પહોંચી ગઈ હતી, જ્યારે ઉત્પાદન ૩૬૦ અબજ ગલોવઝ હતું. આમ ગતવર્ષે જ ૧૦૦ અબજ નંગની અછત વર્તાઇ હતી, આ વર્ષે પણ માંગ પુરવઠા વચ્ચે ૮૦ અબજ નંગનો તફાવત રહેવાનો છે. 

કોરોના મહામારી અગાઉના વર્ષમાં પણ ઉત્પાદન ૩૪૦ અબજ નંગ હતું, આમ માંગ પુરવઠા વચ્ચે ૪૦ અબજ નંગનો ગાળો હતો. કોરોના વાયરસે માનવ જીવનની પદ્ધતિ બદલી નાખવા સાથે, સફાઇ ચોખ્ખાઈનું મહત્વ, તંદુરસ્તી બાબતની જાગૃતિ જેવા મુદ્દાઓએ પણ રબર ગલોવઝની માંગમાં નવો ઉમેરો કર્યો છે.

વિશ્વના ૧૩ રબર ઉત્પાદક દેશોની ઇન્ટર-ગવર્નમેન્ટ ઓર્ગેનાઇજેશનએ કરેલા તાજા અભ્યાસ પછી એવું તારણ કાઢ્યું હતું કે ભારતમાં ઑટોમોટિવ સેકટર સુધારા તરફી મોડમાં આવ્યું છે ત્યારે ૨૦૨૧માં રબર માંગ વધારીને ૧૦.૮૧ લાખ ટન મૂકી હતી. રબર માંગ પુરવઠાના સંકેતો જોઈએ તો તે એવી શક્યતા દાખવે છે કે આગામી મહિનાઓમાં પણ ભાવ, ગતવર્ષની તુલનાએ ઊંચા રહેવાના છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)