દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): સોશિયલ મીડિયાના આ જમાનામાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. હવે સોશિયલ મીડિયાના નામે છેતરપિંડી કરવાના પણ કિસ્સા સામે આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા આજ કાલ લોકો માટે એક વ્યસન બની ગયું છે.

છેતરપિંડી કરનારા લોકો પણ સમય સાથે બદલાયા છે. તેમણે પણ હવે સોશિયલ મીડિયાનો સહારો લઈને છેતરપિંડી કરતા શીખી ગયા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટેલીગ્રામ નામની એક એપ્લીકેશનમાં દુબઈના એક ઉદ્યોગ સહસિકના નામે ક્રિકેટના સટ્ટા માટે ગેરકાયદેસર ગ્રુપ ચલાવવામાં આવે છે.

દુબઈના શાહી પરિવારના સભ્ય શેખ હમદન બીન અહમદ અલ મકતોમના ડાયરેક્ટર ઓફ બિઝનેસ ડેવલોપમેન્ટ પઠાણ મોહમંદ રાશિદખાનના નામે ટેલીગ્રામમાં ક્રિકેટના સટ્ટા માટે એક ગ્રુપ ચાલી રહ્યું છે. આ ગ્રુપ લગભગ ૬૩૦૦૦ થી વધારે સબસ્ક્રાઇબર ધરાવે છે. આ ગ્રુપમાં રાશિદખાનના સોશિયલ મીડિયા માંથી જૂના આઈપીએલ મેચના ફોટા લઈને તેમના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.


 

 

 

 

 

આ વાતની જાણ થતાં રાશિદખાન એ તેમના વકીલની સલાહ લઈને દુબઈથી અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે કે મારા દ્વારા આવા કોઈ ગેરકાયદેસર કામ કરવામાં આવતું નથી કે, હું આવા કોઈ ગ્રુપ સાથે સંકળાયેલો નથી. જેની ફરિયાદ નોંધી અને આ ગ્રુપ ચલાવનારા વ્યક્તિઓ પર યોગ્ય કાર્યવાહી કરવી.

રાશિદખાન હાલ દુબઈ રહે છે પણ તે મૂળ અમદાવાદના રેહવાસી છે. દુબઈમાં તેમણે દુબઈના શાહી પરિવારના સભ્ય માટે ડાયરેક્ટર ઓફ બિઝનેસ ડેવલોપમેન્ટનું કામ સંભાળે છે. આ સંદર્ભે ઘણા મોટા ખ્યાતનામ વ્યક્તિઓ સાથે તેમને મળવાનું થતું હોય છે અને ગયા વર્ષે જ્યારે આઈપીએલ યુએઈમાં આયોજિત કરવામાં આવી ત્યારે રાશિદખાનને મેચ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ મેચ દરમિયાન તેમણે પોસ્ટ કરેલા ફોટાનો જ ઉપયોગ કરીને સોશિયલ મીડિયાના ઠગો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને રાશિદખાનના નામનો ઉપયોગ કરીને સટ્ટાબાજી જેવા ગેરકાયદેસર કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજ થી જ આઈપીએલની નવી સીઝન શરૂ થઈ રહી છે. ક્રિકેટ રસિયાઓ રાહ જોઈને બેઠા છે ત્યારે આવા ઠગ લોકો ખ્યાતનામ વ્યક્તિઓના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગેરકાયદેસર કામો કરી રહ્યા છે.