કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ): સુવિધા-સગવડની ઘેલછામાં માણસજાતે નાછૂટકે લાંબા ગાળાનું નુકસાન વહોરવું પડે. હાલમાં આવેલાં એક અહેવાલમાં આરઓ પ્યુરીફાયર્સની વાત આવી છે. આરઓ પ્યુરીફાયર્સનાં પાણીને આપણે ચોખ્ખુ સમજીને પીએ છીએ તે ખરેખર તો પીવાલાયક નથી. આરઓ પ્યુરીફાયર્સના નુકસાન અંગે ખોંખારીને કહેવાનું કામ ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે’(એનજીટી) કર્યું છે. ‘એનજીટી’ પર્યાવરણ સંબંધિત કેસોની સુનાવણી કરતી સ્વાયત્ત સંસ્થા છે. છેલ્લા છ મહિનાથી 'એનજીટી’એ ‘મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ ફોરેસ્ટ’ને આરઓ પર પ્રતિબંધ લાદવાની સૂચના આપી હતી. આરઓ પર પ્રતિબંધ લાવવાનું મુખ્ય કારણ એક લીટર પાણીમાં ટીડીએસ(ટોટલ ડિસસોલ્વ્ડ સોલિડ્સ)નું પ્રમાણ પાંચસો મિલિગ્રામ્સથી ઓછું આવે તે છે. આ ઉપરાંત, આરઓને લઈને થતો પાણીનો વ્યય પણ એક પ્રશ્ન છે.  ‘એનજીટી’ આરઓ પ્યુરીફાયર્સને લઈને પ્રતિબંધ સુધી સૂચન આપી શક્યું તેનું કારણ એક્સપર્ટ કમિટિ દ્વારા થયેલી તપાસ છે. ભારતીય પીવાના પાણીના સરેરાશ માપદંડ મુજબ આ કમિટિ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે કે એક લીટરમાં પાંચસોથી ઓછું ટીડીએસ હોવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વિસ્તરી રહેલાં શહેરોમાં પાણી શુદ્ધ કરવાની આ સિસ્ટમ વ્યાપક પ્રમાણમાં ઘર કરી રહી છે, ત્યારે તેના પર પ્રતિબંધ લગાવવાની વાત ક્યાં સુધી યોગ્ય છે. 

‘રિવર્સ ઓસ્મોસીસ’(આરઓ)ની મુખ્ય પ્રક્રિયા પાણીમાં દબાણ આપીને તેની અશુદ્ધી દૂર કરવાની છે, અને આ પ્રક્રિયામાં પાણીની અશુદ્ધીની જેમ બાદબાકી થાય છે તે પ્રમાણે તેના કેલ્સિઅમ, મેગ્નેશિયમ જેવાં મિનરલ્સની પણ કમી થાય છે. આરઓની આ મર્યાદા છે, તે ખુદ તેના મેન્યુફેક્ચર્સ પણ સ્વીકારે છે. આરઓ માર્કેટના ટોચના સભ્યોની બોડી ‘વોટર ક્વોલિટી એસોશિએશન ઓફ ઇન્ડિયા’ના મતે આરઓની સિસ્ટમ ’સારા’ અને ‘ખરાબ’ કેમિકલ્સ ઓળખ નથી કરી શકતી! જોકે, એસોશિએશન આરઓથી થતાં ઓછા થતાં મિનરલ્સની વાત સ્વીકાર છતાં એવું ઠોસપૂર્વક કહે છે કે પાણી એ મિનરલ્સ મેળવવાનો પ્રાથમિક સ્ત્રોત નથી. મતલબ કે જો પાણીને એક હદ સુધી આરઓ શુદ્ધ કરી દેતું હોય તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. 

વોટર પ્યુરીફાયર્સ એસોશિએશનના આ દાવાઓ સામે ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી’એ એક અભ્યાસ કર્યો છે. 2015માં થયેલાં આ અભ્યાસ મુજબ દેશભરની આઠ બ્રાન્ડને પસંદ કરી તેમાં પાણીની શુદ્ધી કેટલી થાય છે તેની તપાસ કરવામાં આવી હતી. આમાં કોઈ બ્રાન્ડના પ્યુરીફાયર્સ દાવા પર ખરા ઉતરી શક્યા નહોતા અને તમામમાં શુદ્ધી બાદ પણ વાઈરસની મોજૂદગી હતી, ઇવન હિપેટાઈટીઝ બી જેવાં વાઇરસની પણ! 

આમ જો વોટર પ્યુરીફાયર્સ કોઈ પણ માપદંડ પર ખરા ન ઉતરતા હોય તો તેની જરૂર શું છે અને તે ક્યાં ઉપયોગી છે? તેનો જવાબ છે, જ્યાં પણ ગ્રાઉન્ડ વોટરમાં પેસ્ટિસ્ટાઈડનું પ્રમાણ વધારે હોય ત્યાં આરઓ ઉપયોગી થઈ શકે છે. ઉપરાંત, ઔદ્યોગિક વિસ્તાર, રણક્ષેત્ર અને માત્ર દરિયાઈ પાણીનો વિકલ્પ હોય ત્યાં આરઓ આશિર્વાદરૂપ છે, કારણ કે તેના સિવાય કોઈ સસ્તો વિકલ્પ નથી. આરઓ પાણીને લઈને જે સૌથી અગત્યનો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તે ટીડીએસનો છે. ટીડીએસ એટલે પાણીમાં વિવિધ ઘન તત્વોનો એક હિસાબ જે પાણીની શુદ્ધી-અશુદ્ધી દર્શાવવાનું કામ કરે છે. હાલમાં 'એનજીટી' દ્વારા એક લિટર દિઠ પાંચસો મિલિગ્રામ્સ ટીડીએસનો માપદંડ ઠરાવ્યો છે. જોકે ‘વર્લ્ડ હેલ્થ ઓર્નેનાઇઝેશન’ મુજબ લિટર દિઠ 300થી 600 સુધીના ટીડીએસને શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે. જ્યારે આ જ માત્રામાં 600થી 900 ટીડીએસને યોગ્ય અને તેનાથી ઉપર આવતા ટીડીએસના આંકડાને હાનિકારક ગણાવ્યું છે. ત્રણસોથી નીચે ટીડીએસ જાય ત્યારે પણ પાણી પીવાલાયક રહેતું નથી. 

આરઓ પ્યુરીફાયર્સ પાણી અંગે આટઆટલાં પ્રશ્નો હોવા છતાં તેનું માર્કેટ છેલ્લા દાયકામાં ડબલ ડિજિટમાં વધી રહ્યું છે. હાલમાં તેનું ભારતનું માર્કેટ 391 મિલિયન ડોલર્સનું છે, જે 2024 સુધી ત્રણ ગણું થશે. આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતા તેના માપદંડ ઠરાવી તેનો અમલ કરાવવાની સંસ્થા આપણે ત્યાં નથી. ભારતમાં જ્યાં પાણીજન્ય રોગચાળા અવારનવાર થતાં હોય ત્યાં આ પ્રકારે પાણીને લઈને બેદરકારી દાખવવી પોસાય તેમ નથી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈ ‘એનજીટી’ પૂરા મુદ્દામાં પ્રવેશ્યું છે. અને ડિસેમ્બર, 2019માં તો એનજીટીના ચેરપર્સન જસ્ટીસ આદર્શકુમારે પર્યાવરણ મંત્રાલયને ત્યાં સુધી કહ્યું હતું કે, જો 2020ના જાન્યુઆરી સુધી આરઓને લઈને પર્યાવરણ મંત્રાલયના સંબંધિત અધિકારી કાર્યવાહી નહીં કરે તો તેમનો પગાર અટકાવવામાં આવશે. જોકે કમનસીબે ત્યાર બાદ આ મુદ્દો આગળ વધ્યો પણ તેમાં કોઈ ઠોસ પરીણામ ન આવ્યું. પછી કોરોનાના કારણે મુદ્દો અધ્ધરતાલ છે. હવે એનજીટીએ પર્યાવરણ મંત્રાલયને આરઓ પર પ્રતિબંધ માટે 31 ડિસેમ્બર 2020ની ડેડલાઈન આપી છે.