મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ લોકસભાની ચૂંટણીને પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક એક કરીને ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. બંને પક્ષો જ્યાં ચૂંટણીમાં ગ્રાઉન્ડ પર કામ કરવા દોડાદોડ કરી રહ્યા છે ત્યાં ટિકિટની વહેંચણીને લઈને પણ ઘણી સમસ્યાઓ બંને પક્ષોમાં ઊભી થઈ રહી છે. હાલમાં જ જામનગર લોકસભા સીટના માટે પુનમબેન માડમનું નામ જાહેર થઈ ગયું છે. જેને પગલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની સમર્થક ભાવનાબા જાડેજા દ્વારા આ જાહેરાતને ક્ષત્રિય સમાજની અવગણના દર્શાવતા ચૂંટણી લડવાની જાહેરત કરી દેવાઈ છે. જોકે રિવાબાએ તેમના દ્વારા કહેવાયેલી બાબતોનું ખંડન કર્યું છે.

ભાવનાબાએ શું કહ્યું

નેશનલ વુમન્સ પાર્ટીના પ્રેસિડેન્ટ ભાવનાબા જાડેજાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રિવાબાના સમર્થક ભાવનાબાએ ભાજપની નીતિઓની આલોચના કરી છે અને કહ્યું છે કે, ભાજપા દ્વારા એક લોલીપોપની રીતે કરણીસેના અધ્યક્ષ રિવાબાને શામેલ કરવામાં આવ્યા હતા. સમાજ માનતો હતો કે, લોકસભા ચૂંટણીની ટિકિટ તેમને આપવામાં આવશે, પણ તેવું ન કરીને ભાજપાએ સમાજની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. જેને પગલે જામનગરથી હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ.

રિવાબાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ભાવનાબા મારું નામ લઈને ક્ષત્રિય સમાજની વાત કરી રહ્યા છે પણ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાથી તે વધુ કાંઈ જ નથી. તેમના દ્વારા ક્ષત્રિય સમાજને ખોટા રસ્તે લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેનો હું વિરોધ કરું છું. સમાજના જ હકુભા જાડેજાને કેબિનેટમાં શામેલ કરીને ભાજપાએ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. તેવામાં મે ટિકિટ મળવા કે ન મળવાથી કોઈ ફેર પડતો નથી. હું પ્રધાનમંત્રીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપા સાથે જોડાઈ છું. લોકસભા ચૂંટણીની ટિકિટની લાલચમાં નહીં.