ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : કોમોડિટી બજાર માટે ચીનનો ઉત્પાદન વૃધ્ધિ વિકાસ અને વધતી પુરવઠા સ્થિતિ, આયર્ન ઓર, સ્ટીલ કોપર, તેમજ અન્ય મેટલ બજારમાં ભાવની ઉછળકુદ, છેલ્લા કેટલાંક સપ્તાહથી ચાવીરૂપ ઘટના બની ગઇ છે. અલબત્ત, વર્ષના બાકી રહેલા સમયમાં ભાવ સ્થિરતા ધારણ કરે તેવી સંભાવના છે. ગત સપ્તાહમાં બે જ દિવસમાં કોલસાના ભાવમાં ઉછાળા આવ્યા તે જોતાં આયર્ન ઓર અને સ્ટીલના ભાવ સ્થિર રહેવા શક્ય ના હતા. ચીનમાં માંગ ઘટયા બાદ ભાવ ગબડી પડ્યા હતા, જો હવે પુરવઠા પ્રવાહનો આંતરપ્રવાહ જોઈએ તો, ભાવ વધવાનું દબાણ સર્જાયું છે.

રિસર્ચ પેઢી ફિચ સોલ્યુશન કહે છે કે ૨૦૧૫માં આયર્ન ઓરના ભાવ એક દાયકાના તળિયે ૫૫ ડોલર થયા ત્યાર બાદ સતત ફુગાવાથી ઊંધી (સ્ટેગ્નેશન) સ્થિતિ જળવાઈ હતી તે તેના અંતિમ પડાવ પર છે. અને જાગતિક આયર્ન ઓર ઉત્પાદન વૃધ્ધિનો વેગ વધવાની સંભાવના છે. ફિચની આગાહી છે કે ૨૦૨૧થી ૨૦૨૫ સુધી સરેરાશ ખાણ ઉત્પાદન વૃધ્ધિ ૩.૬ ટકા ઉપર રહેવાની, જે પાછલા પાંચ વર્ષમાં માઇનસ ૨.૩ ટકા હતી, આને લીધે વાર્ષિક ઉત્પાદન, ૨૦૨૦ની તુલનાએ આ વર્ષે ૫૭૧૦ લાખ ટન વધશે.

Advertisement


 

 

 

 

 

સૂત્રો કહે છે કે ગત સપ્તાહે ચીનના પોર્ટ પર ફિઝિકલ વેપાર સ્થિર રહેવાને પગલે શુક્રવારે સી-બોર્ન આયર્ન ઓરના ભાવ વધ્યા હતા. બેન્ચમાર્ક ૬૨ ટકા ફેરો એલોઇઝ મિશ્રિત આયર્ન ઓર ચીનના ક્વિંગડાઓ પોર્ટ પર કોસ્ટ એન્ડ ફ્રેટ ભાવ ટન દીઠ ૪.૬૩ ડોલર વધી ૧૫૭.૫૫ ડોલર બોલાયા હતા. ૫૮ ટકા હાઇ ગ્રેડ ૩.૬૨ ડોલર વધી ૧૨૬.૫ ડોલર, ૬૫ ટકા બ્રાઝિલ ફાઈનેસ ૫.૫ ડોલર વધી ૧૭૬.૧૦ ડોલર બોલાયા હતા. મે ૨૦૨૧માં ભાવ ૨૩૦ ડોલરની વિક્રમ ઊંચાઈએથી ૪૦ ટકા ઘટયાં બાદ વર્તમાન સુધારો સ્ટીલ મિલોના નફામાં વધારો કરવામાં મદદરૂપ થશે. આથી ચીનની સ્ટીલ મિલો ઉત્પાદન વધારવા પ્રેરાય પણ ખરી.

જે કઈ પુરવઠા વૃધ્ધિ આવશે, તે બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાથી આવશે. બ્રાઝિલની વલે ખાણ ખૂબ ઝડપથી વિસ્તરણની યોજના ધરાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની રિયો-ટીંટો, બીએચપી બિલિટન અને ફોર્ટેસક્યુ જેવી ખાણો, જે ભરપૂર નફો ખાઈને બેઠી છે, તે વધારાના ઉત્પાદન માટે રી-ઇન્વેસ્ટ કરશે. ચીન ઓસ્ટ્રેલિયન આયાત પર નિર્ભર નથી રહેવા માંગતું, તેથી આત્મનિર્ભર બનવા આગામી ત્રણથી ૪ વર્ષમાં ફરીથી આયર્ન ઓરનું ઉત્પાદન વધારશે.

ઓસ્ટ્રેલીયા અત્યાર સૌથી ઓછા ઉત્પાદન ખર્ચ સાથે વિશાળ આયર્ન ઓરના ડુંગર પર બેઠું છે, આગામી વર્ષોમાં તે બજારમાં જબ્બર સ્પર્ધાત્મક ભાવ ઓફર કરી શકશે. ઓસ્ટ્રેલિયાની સરેરાશ ઉત્પાદન પડતર ટન દીઠ માત્ર ૩૦ ડોલર છે, જ્યારે પશ્ચિમ આફ્રિકા ૪૦થી ૫૦ ડોલર અને ચીની ૯૦ ડોલર છે. એનાલિસ્ટો કહે છે કે પાછલા ત્રિમાસિકમાં શિપમેન્ટ વોલ્યુમ સારું એવું વધ્યું હતું. તેમછતાં, અત્યારે તો ઓસ્ટ્રેલિયન ઉત્પાદકો જે ચીનના સૌથી મોટા સપ્લાયર છે, તે પણ હવે ઉત્પાદન વધારવા બાબતે સમસ્યા અનુભવી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ભારતીય આયર્ન ઓર એનાલિસ્ટો કહે છે કે બજાર જે રીતે ઘટી છે તેણે આધારે કહી શકાય કે ૬૨ ટકા ઓરના ભાવ ૨૦૨૨ સુધીમાં ૧૪૦ ડોલરના તળિયે જશે, અને ત્યાર પછી ૨૦૨૩માં ૧૧૦ ડોલર. શાંઘાઇ મેટલ માર્કેટના તાજા અહેવાલ મુજબ ૨૭ ઓગસ્ટે ૩૫ પોર્ટ પર આયર્ન ઓર સ્ટોક, ગત સપ્તાહથી ૧૧.૨ લાખ ટન વધી ૧૨૧૪.૬ લાખ ટન થયો હતો, એક વર્ષ અગાઉના સમાન સમય કરતાં આ સ્ટોક ૧૪૧.૮ લાખ ટન વધુ છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)