મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જાણિતા અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે ગત 2 વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સતત બીજા દિવસે એક અભિનેતાને ગુમાવ્યો છે. ગત રોજ જ હજુ ઈરફાન ખાનના નિધનના સમાચારે તેના ચાહકોને રડાવી દીધા હતા ત્યારે વધુ એક મોત ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઝટકો છે.

હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી અને પોતે દુઃખી થયા હોવાનું જણાવ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઋષિ કપૂરને ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર કરાવ્યા પછી તે ભારત આવ્યો હતો. અભિનેતા ને 2018માં કેન્સરની ખબર પડી હતી. જે પછી તે સારવાર માટે ન્યૂયોર્ક લઈ જવાયો હતો. ત્યાં અંદાજીત એક વર્ષ તેની સારવાર ચાલી હતી. આ મુશ્કેલ સમયમાં ઋષિની પત્ની નિતૂસિંહ દરેક વખતે તેની સાથે રહી અને તે ઉપરાંત તેનો પુત્ર રણબીર કપૂર પણ ઘણા સયમ સુધી પિતાની સાથે રહ્યો હતો.

70 ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવનારા ઋષિએ સૈકડો ફિલ્મો કરી છે. રોમેન્ટીક, કોમેડીથી લઈને ગંભીર વિષયો પર ફિલ્મો કરીને પોતાની એક અલગ છબી ઊભી કરી હતી. નેગેટિવ રોલમાં પણ ઋષિના કામને યાદ કરવું પડે તેવું કામ કર્યું હતું. મંત્રી રાજનાથસિંહએ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઋષિ કપૂરના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.