કિંજલ જોષી (મેરાન્યૂઝ.નવી દિલ્હી): "ક્રાંતિ અમારા લોહીમાં છે. અમારા પૂર્વજોએ 100 વર્ષ પહેલાં અંગ્રેજોએ લાદેલા ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ કરવા  સક્રિય આંદોલન કરેલું. આજે અમે પણ ખેડૂતના અહિતકર્તા કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં અમારી વારસાગત ક્રાંતિનો ઉમેરો કરવા આવ્યા છીએ"

આ શબ્દો છે ગુરજીત કૌરના કે જેઓ શહીદ ભગતસિંહના બહેન બીબી પ્રકાશ કૌરના સુપુત્રી છે અને ભગતસિંહના વારસદાર છે.

દેશ માટે શહાદત તો હજારો દેશપ્રેમીઓએ વહોરી, પણ શહીદ વિશેષણ બોલતા જ જે નામ એની સાથે અનાયાસ જોડાય જાય છે એ છે ભગતસિંહ. શહીદ અને ભગતસિંહ એકમેકના પર્યાય બની ગયા છે. તેઓ માનતા હતા કે હું દેશના કોઈ કામ આવીશ તો ફાંસીના માંચડે ચડીને જ આવીશ. મારી ફાંસી અન્ય યુવાનો માટે પ્રેરણા બનશે. ગુલામીને જાકારો આપી ખુમારીથી અને દેશદાઝથી ઓતપ્રોત આ 23 વર્ષનો યુવા સરદાર આજે પણ યુવાનો માટે આદર્શ છે.


 

 

 

 

 

લગભગ અઢી મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં શહીદ ભગતસિંહનો પરિવાર પણ સમર્થન આપવા પહોંચ્યો છે. ઇ.સ.1907 માં અંગ્રેજોએ લાદેલા કાળા કાયદા સામે થયેલા એક ઐતિહાસિક આંદોલન 'પઘડી સંભાલ જટ્ટા' આજે પણ ખેડૂતોની ખુમારીની સાક્ષી પૂરે છે.જેમાં શહીદ ભગતસિંહ તથા તેમનો પરિવાર સક્રિય રહ્યો હતો. આજે એક શતાબ્દી પછી પણ આ પરિવાર પોતાના હક માટે, પોતાની સ્વતંત્રતા માટે અને પોતાના પ્રાંત માટે લડતા ખેડૂતો પડખે જઈ ઉભો રહ્યો છે. ભગતસિંહના પિતા પણ ખેડૂત હતા અને એમને કેરીનું બીજ વાવતા જોઈ ભગતસિંહ કહેતા કે હું બંદૂક વાવું તો બંદૂકનું ઝાડ ઉગશે જેમાં ઉગેલી બંદૂકથી હું શોષણકર્તા અંગ્રેજોને ભગાવી દઈશ. આજે પણ ખેડૂતોનું શોષણ થતા સંજોગ જોઈ આ જ ભગતસિંહનો પરિવાર આ થોડા લોકોને ફાયદાકર્તા આ કાયદા સામે મેદાને પડેલા ખેડૂતો સાથે જોડાઈને યોગદાન આપી રહ્યો છે. કોઈપણ પ્રકારના પ્રચાર વિના, પૈતૃક નામનાને પોતાનો વિશેષ પરિચય બનાવ્યા વિના આ પરિવાર પોતાના કિસાન બંધુઓ સાથે છે અને એમને મોરલ સપોર્ટ આપી રહ્યા છે.

અમારી સાથે સદભાગ્યે એક ઘટના બને છે. બે દિવસ સિંઘુ બોર્ડર ખેડૂતો સાથે રહ્યા પછી અમે સાથી મિત્રોએ ગાઝીપુર બોર્ડર જવાનું નક્કી કર્યું.સિંઘુ બોર્ડરથી અંબાલા હાઇવે ખૂબ તકલીફો સહન કરીને પહોંચ્યા. ગાઝીપુર બોર્ડર પર જવા અંબાલા હાઇવે પરથી કોઈ વાહન મળતું નથી ત્યારે સદભાગ્યે બે કાર અમને લિફ્ટ આપે છે અને રસ્તામાં વાતચીત દરમિયાન જાણવા મળે છે કે આ કારમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી કુટુંબના સભ્યો છે. એમની ખાનદાની અને ખુમારીના દર્શન અને અનુભૂતિ તરત જ થઇ આવી. એમની નિખાલસતા, ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા, દેશ પ્રત્યેની નિસ્બત અને દ્રઢતા સહજ રીતે પ્રતીત કરાવી ગઈ કે આ દેશપ્રેમનું ગૌમુખ ભગતસિંહની કેસરી પાઘડીમાંથી નીકળે છે.


 

 

 

 

 

શહીદ ભગત સિંહના બહેન બીબી પ્રકાશ કૌરના સુપુત્રી ગુરજીત કૌર પોતાના પરિવાર સાથે ખેડૂત આંદોલનને ટેકો આપવા ગાઝીપુર પહોંચ્યા હતા. તેઓ પંજાબના જિલ્લા હોશીયારપુરના અંબાલા જટ્ટાના સરપંચ છે. 67 વર્ષીય ગુરજીત કૌર આ કિસાન આંદોલનને 100 વર્ષ પહેલાં એમના પૂર્વજોએ કરેલા પઘડી સંભાલ જટ્ટા આંદોલન સાથે સરખાવતા ભાવુક સ્વરથી જણાવે છે, "અમારા માટે આ બહુ અગત્યનો અવસર છે. મારા નાનીમા માતા વિદ્યામતિ (શહીદ ભગતસિંહના માતાજી) કે જેમની સાથે હું 4 વર્ષ રહી, અમને પઘડી સંભાલ જટ્ટા આંદોલન સમયે અમારા ઘરમાં અનુભવતા જુસ્સાની વાતો કહેતા. મારા નાનીમા અને મામાજી (શહીદ ભગતસિંહ) કાયમ દેશ માટે લડ્યા. એમની લડતના 100 વર્ષ પછી ફરી એ જ પ્રકારનું આંદોલન અહીં ચાલી રહ્યું છે. એ સમયે તેઓ બ્રિટિશ સરકાર દ્વારા ઘડાયેલા આવા પ્રકારના જ  કાળા કાયદાનો વિરોધ કરતા હતાં. મામાજીને ફાંસી અપાઈ ત્યારે મારા માતાજીની ઉંમર માત્ર 10 વર્ષની હતી, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ બલિદાન અને દેશપ્રેમના રંગે રંગાયેલા રહ્યા. આજે તેઓ જીવિત હોત તો અવશ્ય આ આંદોલનમાં અહીં ઉપસ્થિત રહ્યા હોત."


 

 

 

 

 

ગુરજીત કૌર સાથે એમનો પરિવાર પણ આ આંદોલનમાં ગાઝીપુર બોર્ડર પર હાજર હતો. એમના પતિ હરભજનસિંહ ધટ્ટ ગૌરવ સાથે કહે છે, " આ આંદોલન દરમિયાન અમે અનેકવાર દિલ્હી બોર્ડરની મુલાકાત લીધી છે. આંદોલનકારીઓને ટેકો આપ્યો છે. મારા પત્ની પણ વારંવાર આંદોલન છાવણીની મુલાકાત લેવા પ્રતિબદ્ધ છે. ક્રાંતિ તો એમના લોહીમાં છે! આજે મહિલા કિસાન દિવસ નિમિત્તે આ આંદોલનમાં કિસાનોના હિત માટે  ઉપસ્થિત રહેવાનો વિશેષ આનંદ અને સંતોષ છે."

એક સદી પછી ઇતિહાસનું પુનરાવર્તન થતું અનુભવતા એક મહાન વારસાના વારસદાર એવા ગુરજીત કૌર અન્ય મહિલાઓને પણ આગળ આવવાની પ્રેરણા આપે છે. હૃદયમાં ભગતસિંહની છબી લઈ નીકળેલા આ ગરિમાપૂર્ણ મહિલાને જોઈ એક યુગ પડખું બદલતો જોઈ શકાય છે.