રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગાંધીજી અને આંબેડકરજી ઉત્તમ કક્ષાના પત્રકાર હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ભારતમાં ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’, ‘હરિજન’, ‘હરિજન સેવક’ અને ‘હરિજન બંધુ’ એમ છ જેટલાં સામયિકોનું તંત્રીપદ સંભાળ્યું હતું. ગાંધીજીએ લખ્યું છે : ”સત્ય અને અહિંસાની શ્રદ્ધાને મારે વફાદાર રહેવું હોય તો મારાથી ક્રોધ કે દ્વેષભાવપૂર્વક લખાય જ નહીં. મારાથી કશું નકામું પણ ન લખાય, તેમ લોકોની લાગણી ઉશ્કેરવા પણ ન લખાય.” ગાંધીજી દ્રઢપણે માનતા હતા કે, સરકારનાં ખોટાં કામનો વિરોધ કરવાનો પ્રજાનો અધિકાર અબાધિત હોવો જોઇએ. લોકોનો અવાજ રજૂ કરવા સબબ ગાંધીજીને છ વર્ષની સજા પણ થઈ હતી.

ગાંધીજીના પત્રકારત્વમાં લોકજાગૃતિ અને લોકઘડતર હતું. આંબેડકરજીએ ‘જનતા’, 'મૂકનાયક', ‘બહિષ્કૃત ભારત’, ‘સમતા’ સામયિકો મારફતે વંચિત/કચડાયેલા/અધિકારવિહીન સમૂહ માટે લડત ચલાવી. ગાંધીજી અને આંબેડકરજીના પત્રકારત્વનો ઉદ્દેશ લોકજાગૃતિ અને લોકઘડતર હતું. ગાંધીજી રામને આદર્શ માનતા; તો આંબેડકરજીએ, શંબૂકની હત્યાનું ઉદાહરણ આપીને રામને વર્ણવ્યવસ્થાના પાલનહાર કહ્યા. ગાંધીજીએ લખ્યું છે : “ડો. આંબેડકરના મનમાં ખૂબ કડવાશ છે. આવું અનુભવવા માટે તેમની પાસે ઉચિત કારણો છે. તેમણે ઉદાર શિક્ષણ મેળવ્યું છે. તેમની પાસે સામાન્ય ભારતીય કરતા વધારે શિક્ષણ, પ્રતિભા અને બુધ્ધિ છે. ભારતની બહાર તેમને બહુ આદર-સન્માન મળે છે; પરંતુ ભારતમાં હિન્દુઓ દ્વારા ડગલે ને પગલે તેમને હિન્દુ સમાજથી બહિષ્કૃત હોવાનો અનુભવ કરાવવામાં આવે છે.” ગાંધીજીને; આંબેડકરજી સાચા અને હિન્દુ સમાજ ખોટો દેખાયો હતો.

ગાંધીજીની દ્રષ્ટિએ; મીડિયાના ત્રણ કામ છે : “પ્રથમ કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી. બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી. ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ બેધડક બતાવવી.” પરંતુ હવે પત્રકારત્વમાં લોકજાગૃતિ અને લોકઘડતરને બદલે ચાપલૂસી ઘૂસી ગઈ છે. 2014થી 2020 વચ્ચેના સમયમાં મીડિયાનું કામ ‘અંધભક્તો તૈયાર કરવાનું’ અને ‘ઈમેજઘડતર’નું બની ગયું છે. અખબારો/ટીવી ચેનલોના માલિકોને ચાપલૂસીમાં લાભ દેખાય છે. સત્તાને પ્રશ્નો પૂછે તેવા પત્રકારો મીડિયાના માલિકોને ગમતા નથી. વિપક્ષને પ્રશ્નો પૂછે, એવા પત્રકારો માલિકોને ગમે છે. લોકોને ગેરમાર્ગે દોરવા/સમાચારોને ઢાંકવા/ધિક્કારની લાગણી ફેલાવવી/વિપક્ષને ઊતારી પાડવો/સત્તાની વાહવાહી કરવાનું કામ કરે તેને ગોદી મીડિયા કહે છે. ગોદી મીડિયાનું કામ લોકોના મગજમાં ગોબર ભરવાનું છે.

ગોબર હોય તો IT Cellની પોસ્ટમાં ભારોભાર ભરેલા નફરતના બીજ ઝડપથી અંકુરિત થઈ જાય છે. પછી તે પાક્કો અંધભક્ત બની જાય છે. પાક્કા અંધભક્તોને કોઈ સમજાવી શકે નહીં. અંધભક્તોને નોટબંધીની નિષ્ફળતા/બેરોજગારી/મોંઘી શિક્ષણ ફી/ પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ/ડોલર સામે રુપિયાની લાચારી/ખેડૂતોની આત્મહત્યાઓ/લોકડાઉનમાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલતા સ્થળાંતરિત શ્રમિકોની હાલાકી/તેમના રસ્તા ઉપરના મોત દેખાતાં નથી. અંધભક્તોની દલીલ તો જૂઓ : “ટ્રેન નીચે 16 શ્રમિકો કપાઈ જ જાય ને ! પાટા સૂવા માટે થોડા છે?” શ્રમિકોને ટ્રેક ઉપર ચાલવા મજબૂર કરનાર તંત્રની કોઈ ખામી ગોદી મીડિયાને કે અંધભક્તોને દેખાતી નથી ! ગાંધીજીનો હત્યારો ગોડસે પણ પત્રકાર હતો અને અંધભક્ત હતો; તેના મનમાં નફરતનું/વિકૃતિનું ગોબર ભરેલું હતું; એટલા માટે ગોબરભક્તોને ગાંધી દેશદ્રોહી અને ગોડસે દેશભક્ત લાગે છે !

ગાંધીજી અને આંબેડકરના પત્રકારત્વમાં મને તો ટોચ ઉપર હ્યુમેનિઝમ દેખાય છે. ગોડસે અને ગોદી મીડિયામાં મને અમાનુષી/રાક્ષસી ચહેરો દેખાય છે. કોરોના સંકટ વિશ્વભરનાં છે, પરંતુ સ્થળાંતરિત શ્રમિકોની બેહાલી માત્ર ભારતમાં જ જોવા મળી રહી છે; એવું કેમ? આ પ્રશ્ન કોઈ પત્રકારને થતો નથી ! લાખો લોકો, હજારો કિલોમીટર પગપાળા ચાલી રહેલ શ્રમિકોની વેદના પત્રકાર તરીકે; ગાંધીજી અને આંબેડકરજી; ક્યા શબ્દોમાં વ્યક્ત કરત? એમણે ચોક્કસ કહ્યું હોત : અંધેરી નગરી ને ગંડુ રાજા ! ભારતના નાગરિકોએ નક્કી કરવું પડશે કે ક્યા રસ્તે જવું છે? ગાંધીજી/આંબેડકરજીના રસ્તે કે ગંડુ રાજાના રસ્તે?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)