મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જે ગામની પ્રગતિની નોંધ લેવાઈ હતી ત્યાં એક એવી ઘટના બની છે જેને જાણીને તમને પણ આંચકો આવશે. જે ગામની કાર્યપધ્ધતિ અને વિકાસને જોઈ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમની સાથે વિડિઓ કોન્ફરન્સથી વાત કરવાનાં હતા તે ગામનાં સરપંચનો ભાઈ રેતી ચોર નીકળ્યો છે. કચ્છનાં ખાણ ખનીજ વિભાગની ફરિયાદને પગલે બોર્ડર રેન્જનાં આઈજીનાં આર.આર.સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર કચ્છમાં હડકંપ મચી ગયો છે.

પ્રગતિશીલ અને શિક્ષિત યુવાન હોવાને નાતે તથા ભુજ તાલુકામાં આવેલા કુનારીયા ગ્રામ પંચાયતના  સરપંચ સુરેશ ગોપાલ છાંગાનું નામ માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતનાં પંચાયતી ક્ષેત્રે જાણીતું છે. તેમની કામ કરવાની આગવી શૈલીને કારણે ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ તેમની સાથે વિડિઓ કોન્ફરન્સ કરી ચુક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ, એપ્રિલ 2020માં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તેમની સાથે વિડિઓ કોન્ફરન્સથી વાત કરવાનાં હતા. આ માટે કચ્છ કલેક્ટર કચેરીમાં તખ્તો પણ ગોઠવાઈ ગયો હતો. પરંતુ સમયનાં અભાવે તેમની સાથે વાત થઈ ન હતી. આવા સરપંચના સગા ભાઈ જયારે રેતીચોરીમાં પકડાય ત્યારે સમગ્ર મીડિયાનું ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે.

ભુજ બી ડિવિઝન પોલીસે નોંધેલી ફરિયાદમાં અરુણ ગોપાલભાઈ છાંગા સહિત પાંચ વ્યક્તિ સામે રૂપિયા 22 લાખની 6029 ટન રેતી ચોરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. રેતી ચોર અરુણ કુનરિયાનાં સરપંચ સુરેશ છાંગાનો સગો ભાઈ છે. જે વ્યક્તિનો ભાઈ સીએમથી માંડીને પીએમ સુધી વાત કરવાની પહોંચ ધરાવતો હોય તેની સામે કાર્યવાહી કરનાર કચ્છનાં ખાણ ખનિજ વિભાગ સહિત પોલીસને પણ જેટલી દાદ આપીએ તેટલી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, સુરેશ છાંગા સરપંચ ઉપરાંત કચ્છનાં સરપંચ સંગઠનના પ્રમુખ પણ છે.

રાજ્યકક્ષાનાં મંત્રીનો આશીર્વાદ ?

પંચાયત ક્ષેત્રે અગ્રસર હોવા ઉપરાંત કુનરિયા ગામમાં થઈ રહેલી ખનીજ ચોરી પાછળ ગુજરાત સરકારનાં એક રાજ્યકક્ષાનાં મંત્રીનો આશીર્વાદ હોવાની વાત પણ બહાર આવી છે. અગાઉ કચ્છનાં મહિલા ધારાસભ્યનાં ખાસ હતા તેવા સુરેશભાઈએ હવે પાટલી બદલીને ગાંધીનગર સાથે સંબંધ ધરાવતા કચ્છનાં ધારાસભ્યનો હાથ પકડ્યો હોવાથી ખુદ ભાજપનાં કાર્યકરોમાં  પણ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.