મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): હાલમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું લોકો માગી રહ્યા છે. એક પછી એક અઢી લાખથી વધુ લોકોએ ટ્વીટ કરી વડાપ્રધાનનું રાજીનામું માગ્યું છે. આ લોકોનું માનવું છે કે સરકાર કોરોના કાળમાં લોકોના પડખે રહેવામાં નિષ્ફળ ગઈ છે. કોઈ પોતાના અનુભવોથી વાત કરે છે તો કોઈ પોતાના વિસ્તારની, કોઈ પોતાના મનના વિચારથી વાત કરે છે તો કોઈ જમીની વાસ્તવિક્તાની બાબતે અહીં વાત કરે છે. લોકો ચર્ચામાં જોડાઈ રહ્યા છે અને આ ટ્વીટનો આંકડો વધતો જ જાય છે.

ઘણા લોકો કહે છે કે, અમને તકલીફ તો છે પણ અમે શું કરી શકીએ? અમારી વાત સાંભળશે કોણ? તમે તો પત્રકાર છો. અરે, આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં જેની પાસે સ્માર્ટફોન છે તે બધા જ પત્રકાર છે. પહેલા એ મૂંઝવણ હતી કે, નાગરિકની વાત કયું છાપું લખશે કે કઈ ચેનલ ચલાવશે? પણ આજે એવું નથી, લોકતંત્રમાં ભારતના નાગરિકોને આપવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ સોશિયલ મીડિયના માધ્યમથી આપ્યું છે.


 

 

 

 

 

દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે નાગરિકો લડી રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. સરકાર કહે છે કે, અમે બનતા બધા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ સરકારના નિવેદન અને ગ્રાઉન્ડ પરની હકીકતમાં જમીન આસમાનનો તફાવત છે. જેને લઈને નાગરિકો પણ પોતાની નારાજગી અને ગુસ્સો અલગ અલગ માધ્યમ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ મોટી સભાઓ થાય છે અને બીજી તરફ રાત્રે કોરોનાની ચિંતા વ્યક્ત કરાય છે.

ભારતવાસીઓ નરેન્દ્રભાઈની રેલીને લઈને તો એટલા બધા નારાજ છે કે, નાગરિકોએ સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ ટ્વિટર પર આજે રાત્રીના પોણા નવ વાગ્યા સુધીમાં 2 લાખ 71 હજાર કરતાં વધુ લોકોએ #ResignModi ના ટેગ સાથે ટ્વિટ કરીને મોદીને રાજીનામું આપવાની માગ કરી છે. મોદી પ્રત્યે આટલી નારાજગી કેમ? તેનો જવાબ પણ આપણને ટ્વિટ થયેલી પેસ્ટમાંથી મળી રહે છે. સાથે જ જમીની સંજોગોને જોતા સરકાર સામે કામગીરી કેટલી મુશ્કેલીઓ લાવી રહી છે તે પણ જોવું રહ્યું. આમ તો આ એક સારી વાત છે કે, આજનો નાગરિક તેના અધિકાર વિષે જાણતો થયો છે અને જાહેરમાં પોતાની અભિવ્યક્તિ કરે છે.