મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ બે દિવસ પહેલા સુરતમાં સિટી બસના અકસ્માતે બાળકો સહિત ત્રણ વ્યક્તિના જીવ ગયા હતા ત્યાં ગત રોજ ગુરુવારે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બે દરકારીથી ધસી આવતા બસના ડ્રાઈવરે બે ભાઈઓના જીવ લીધા હતા. આ પાયલોટ જેવા ડ્રાઈવર્સની થોડી બેદરકારી કોઈના પરિવારો ઉજાડી મુકતી હોવાથી લોકોની બસના ડ્રાઈવરો પર લગામ લગાવવા માટેની માગ ઉઠી છે. સખ્ત કાર્યવાહી અને જરૂર નથી ત્યાં બીઆરટીએસ કોરીડોર હટાવી દેવાની માગણી કરી રહ્યા છે તેવા સંજોગોમાં રેશ્મા પટેલનું એક ઉશ્કેરણામું નિવેદન સામે આવ્યું છે. 

એનસીપી નેતા રેશ્મા પટેલે કહ્યું કે, BRTS, AMTS ના ડ્રાઈવરો માનવતા ભૂલ્યા છે. સરકારી વાહનો ચલાવતા ડ્રાઇવરો જાણે સત્તાની ખુરશી ઉપર બેઠા હોય એવા વહેમમાં ફુલ સ્પીડમાં બસ દોડાવવાથી બાઇક ચાલકો, રાહદારીઓને ટક્કર મારતા અનેક કિસ્સાઓ રોજ બરોજ જોઈએ છીએ. છેલ્લા 2 દિવસમાં જે રુવાટા ઉભા થઈ જાય એવી ઘટનાઓ જોઈ, નિર્દોષ લોકોના જીવ ગયા એના માટે કોણ જવાબદાર ? હુ જનતાને અપીલ કરુ છું કે હવે જાગો. ફુલ રફ્તારથી બસ ચલાવતા ડ્રાઈવરોને જાહેરમાં મેથીપાક ચખાડો. અને આ ઘટના બાદ અમદાવાદના મેયરનું વાણીવિલાસ એક મહિલા તરીકે  કોમળતા, કરુણાને શરમાવે એવું છે. મેયરે નૈતિકતા દાખવી આવી ઘટનાઓની જવાબદારી લેવાને બદલે મિડીયામિત્રો સામે હાસ્ય પ્રગટ કરતા હતા. આ મેયરના પદને લાંછન લાગે એવા વર્તનને હું એક મહિલા તરીકે આક્રમકતાથી વખોડુ છું.