મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ભાજપ દ્વારા ખોટી નીતિઓ અને બોગસ યોજનાઓના માર્કેટિંગથી જનતાને છેતરવાનું શીખવાડવામાં આવતું હોવા સામે આક્રોશ વ્યક્ત કરતાં પાસમાંથી ભાજપ જોડાયેલાં રેશ્મા પટેલે ક્હ્યું કે, ભાજપના નેતાઓની તાનાશાહી સાથે કાર્યકરોને મજૂરીયા બનાવી માત્ર ગધામજૂરી કરાવવાની માનસિકતા છે. આ માટે પોતાની સહનશક્તિ નહી હોવાથી લોકહિત માટે રાજીનામું આપતાં રેશ્મા પટેલે ક્હ્યું કે, તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્ત થાવ છું. આ પ્રસંગે રેશ્માએ હાર્દિક પટેલને સમર્થન હોવાનું જણાવ્યું હતું.

રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપને હરાવવા માટે સૌએ એક થઇને લડવું પડશે. ભાજપમાંથી વિધિવત રીતે છેડો ફાડી રહી હોવાનું જણાવતાં તેમણે ક્હ્યું કે, મેં રાજીનામું આપતો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવતાં હોવાથી ભાજપનો ખેસ પણ પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યો છે. અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા હોવાનું જણાવતાં ક્હ્યું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે હવે હું ભાજપમાં રહી વધુ સહન કરવાની હાલતમાં નથી.

રેશ્મા પટેલે વધુમાં ક્હ્યું કે, ઉપલેટાને મારૂ ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરતાં કહ્યું કે, કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. આ ચૂંટણી માટે લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઇશ અને મારો તેને ટેકો છે. હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ.