રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોઈ વ્યક્તિ ન ગમે/તેના વિચારો ન ગમે એટલે તેની ઉપર ચપ્પલ/શાહી/છાણ/ઈંડા/પથ્થર ફેંકી શકાય? 26 ઓક્ટોબર 2020 ના રોજ કરજણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુરાલી ગામે નાયબ મુખ્યમંત્રી ઉપર કોઈએ ચપ્પલ ફેંક્યું ! સંસદસભ્ય સંજયસિંહ અને કનૈયાકુમાર ઉપર શાહી ફેંકવામાં આવી હતી. ગુજરાતમાં વિપક્ષના નેતા ઉપર પથ્થર ફેંકવાનાં આવ્યો હતો. આવા બનાવો કેમ બને છે?

આવું કૃત્ય જો વિપક્ષના નેતા ઉપર થાય તો સત્તાપક્ષ ખુશખુશાલ થઈ ઊઠે છે. કનૈયાકુમાર કે સંજયસિંહને દલીલમાં/તર્કમાં હરાવી ન શકાય તો તેમની ઉપર શાહી ફેંકીને હલકા ચીતરી શકાય ! લોકોનો રોષ કેટલો છે; એવું દર્શાવી શકાય. આવા કિસ્સામાં સત્તાપક્ષને પોલીસની કોઈ નિષ્ક્રિયતા ક્યારેય દેખાતી નથી ! પરંતુ સત્તાપક્ષના નેતા ઉપર ચપ્પલ ફેંકાય તો પોલીસની નિષ્ક્રિયતા કહેવાય ! સત્તાપક્ષના આવા ડબ્બલ સ્ટાન્ડર્ડને કારણે આવા બનાવો બને છે. કનૈયાકુમાર કે સંજયસિંહ ઉપર શાહી ફેંકવામાં આવી ત્યારે સત્તાપક્ષના એક પણ નેતાએ ટીકા કરી ન હતી ! આવી બાબતો પ્રત્યે મૌન સેવવામાં આવે ત્યારે શાહી ફેંકનારા સાહસવીરો પ્રગટતા હોય છે ! સત્તાપક્ષ આવા સાહસવીરોની પીઠ થાબડતા હોય છે !


 

 

 

 

કેટલાંક પ્રિમિયમ ક્વોલિટીના ભક્તો કહે છે કે વડાપ્રધાન ઉપર કેમ કોઈ શાહી/ચપ્પલ ફેંકતું નથી? વડાપ્રધાન જ્યાં જાય ત્યાં સીક્યુરિટીના અનેક કોઠાઓ હોય છે; 400 થી વધુ કમાન્ડો અને 4000 થી વધુ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત હોય છે; એટલે શાહી/ચપ્પલ ફેંકવાની ઈચ્છા મનમાં જ દબાવી દેવી પડે ! મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાંક વિપક્ષના MLAને સત્તાપક્ષે કરોડો રુપિયા આપીને ખરીદી લીધાં; પક્ષાંતર ધારાને કારણે તેમને રાજીનામાં આપવા પડ્યા. તે બધાં શરમ છોડીને ફરી પેટાચૂંટણીમાં ઊભા છે; આ સ્થિતિમાં એક લાચાર નાગરિક તરીકે પાટલીબદલુ નેતાઓને ચપ્પલથી ફટકારવાનું મન તો બહુ થાય છે ! પરંતુ અંદરનો માણસ આડો આવી જાય છે ! કોઈ વખત વસ્ત્રાહરણના કિસ્સા બને છે. પ્રાચીન કાળમાં, દ્રોપદીના વસ્ત્રો ખેંચનારની ભૂંડી દશા થઈ હતી; પરંતુ અર્વાચીન કાળમાં આત્મારામ કાકાનું ધોતિયું ખેંચાવનાર વડાપ્રધાન બની શકે છે ! સવાલ એ છે કે ચપ્પલ/શાહી/છાણ/ઈંડા/પથ્થર ફેંકીને રોષ વ્યક્ત કરી શકાય? ના; બિલકુલ નહીં. આ તો જંગલીપણું જ કહેવાય !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)