પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમની મવાલી જેવી ભાષા અને ગુંડાગીરી માટે જાણિતા છે, જો કે તેમા દોષ માત્ર મધુ શ્રીવાસ્તવનો જ નથી પરંતુ વાઘોડિયાના લોકો અને ભાજપ માટે તેઓ તેમની મજબુરી અને અનિવાર્ય બની ગયા છે. જેના કારણે લોકશાહીમાં પણ જાણે સામંતયુગમાં જીવતા હોય તેવી જીંદગી અને તેમનો  વ્યવહાર છે. સરકારી તંત્ર પણ તેમની સામે લાચાર અને પાંગળુ બની જાય છે કારણ શ્રીવાસ્તવ ધારે તે સરકારી અમલદારની બદલી કરાવી શકે છે, આ પણ એક લોકશાહીની કમનસીબી છે, પણ પોસ્ટીંગના ભુખ્યા અધિકારીઓ પોતાનું સ્વમાન પણ શ્રીવાસ્તવના દરબારમાં ગીરવે મુકે છે. જેના પરિણામે જ મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાની ખુલ્લી સભામાં બોલી શકે છે કે ચૂંટણીમાં જો દરેક બુથમાં કમળનું નિશાન ના નિકળ્યુ તો તેમને ઠેકાણે પાડી દેવામાં આવશે.

ચૂંટણી પંચ અને પોલીસમાં એક પણ એવો સ્વમાની અધિકારી ના નિકળ્યો કે લોકોને ઠેકાણે પાડી દેવાની વાત કરનાર એક  નેતાને તેની હેસીયત બતાડી શકે, ખાખી કપડામાં સામાન્ય માણસ ઉપર રૂઆબ છાંટતા પોલીસ અધિકારીઓ કમાન્ડો અને રસાલા સાથે તો નિકળે છે, પણ રાજ નેતાના દરબારમાં માત્ર તેઓ મુજરો કરવાનું ખાલી બાકી રાખે છે. મધુ શ્રીવાસ્તવના આ નિવેદન પછી પણ પોલીસ અને તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે વડોદરાનો એક યુવાન પત્રકાર અમિત પટેલ જેને પત્રકારત્વમાં હજી એક દસકો પણ પસાર કર્યો નથી તેને માઠું લાગે છે કારણ તેની અંદરનો માણસ હજી જીવી રહ્યો છે. પત્રકારનું કામ શાસકને ટોકવાનું અને ખોટું કરે ત્યારે તેની નિંદા કરી તેને રોકવાનું છે.

પરંતુ કંપની પોલીસીના બહાને પત્રકારત્વમાં જેમના મોટા નામ છે તેઓ પણ  ચોક્કસ સ્થળે અને ચોક્કસ વિષયોમાં પોતાની  જવાબદારીમાંથી છટકી જાય છે. પણ 38 વર્ષના અમિત પટેલે જ્યારે લોકોને ઠેકાણે પાડી દેવાની મધુ શ્રીવાસ્તવનો વીડિયો જોયો ત્યારે મનમાં ગાંઠવાળી કે ઠેકાણે તો મધુ શ્રીવાસ્તવને પાડી દેવા પડે, અમિત પટેલ હાલમાં ટીવી 9  ગુજરાતી માટે વડોદરાનું કામ સંભાળે છે. અમિત પોતાના કેમેરામેન સાથે વડોદરા સ્થિત મધુ શ્રીવાસ્વતની ઓફિસે પહોંચે છે, અમિત અને શ્રીવાસ્તવ વચ્ચે થયેલા સંવાદનો ઈન્ટરવ્યુ હાલમાં સોશ્યલ મીડિયા ઉપર ખુબ વાયરલ થયો છે. જેમાં લોકો મધુ શ્રીવાસ્તવની નફટ્ટાઈ અને ગુંડા જેવી ભાષાની ટીકા કરી રહ્યા છે. પરંતુ મધુ શ્રીવાસ્તવ જે ભાષામાં ટીવી પત્રકાર અમિત પટેલ સાથે વાત કરે છે તેમાં જરા પણ નવાઈ લાગતી નથી કારણ શ્રીવાસ્તવ આ જ ભાષામાં વાત કરે છે. કદાચ તેમને આ જ સંસ્કાર લાગે છે.

પરંતુ વાઘોડિયાની પ્રજા અને તંત્ર અને ભાજપની સિનિયર નેતાગીરી જે શ્રીવાસ્તવના નામથી ખૌફમાં જીવે છે તે શ્રીવાસ્તવનો અમિતે જે પ્રકારે ઈન્ટરવ્યુ કર્યો તે કાબીલે દાદ માગે છે. ઈન્ટરવ્યુ દરમિયાન શ્રીવાસ્તવ અમિત ઉપર ઉશ્કેરાઈ જાય છે અને એક તબ્બકે તે અમિત પટેલને તમારા જેવા ફાલતુને ઠેકાણે પાડી દેવા પડશે તેવા શબ્દો પણ ઉચ્ચારે છે. આમ છતાં અમિત જરા પણ વિચલીત થયા વગર પોતાના પ્રશ્ન દ્વારા શ્રીવાસ્તવનો સામનો પણ કરે અને તેમને ઉશ્કેરવામાં સફળ થાય છે, ઉશ્કેરાયેલા શ્રીવાસ્તવ એક તબક્કે કેમેરા સામે ગાળો બોલુ તેવી ધમકી પણ આપે છે અને અમીત સાથે તુકારે પણ વાત કરે છે આમ છતાં અમિત શ્રીવાસ્તવની હેસીયત જાણે નકારી કાઢતો હોય તે રીતે ઈન્ટરવ્યુ ચાલુ રાખે છે.

ખરેખર તમામે આ  ઈન્ટરવ્યુ મધુ શ્રીવાસ્તવના સત્તાના મદ જોવા માટે નહીં પણ  એક પત્રકાર કેવો હોય તે જોવા માટે પણ જોવો જોઈએ, તેની સાથે હાલમાં જેઓ પત્રકારત્વ કરી રહ્યા છે અને ખાસ કરી ટીવી પત્રકારત્વ કરે છે તેમના માટે આ વીડિયો ઘણો જ મહત્વનો છે. ગુજરાતી પત્રકારો તરફથી અમિત પટેલને આ ઈન્ટરવ્યુ માટે અમારી સલામ છે. જુઓ આખો વીડિયો