મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: લોકસભાની ચૂંટણી વખતે દારૂની ટ્રક ઘુસાડનાર ગાંધીનગરના પોલીસ ઈન્સપેક્ટરને રાજસ્થાન પોલીસે દારૂની ટ્રક સાથે ઝડપી લીધા હતા. જો કે ત્યાર બાદ રાજસ્થાન અને ગુજરાત પોલીસે પતાવટ કરી રૂપિયા 20 લાખમાં પતાવટ કરી હતી, પણ આ મામલે રાજસ્થાન પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ  પુરી કરી આજે તેઓ રાજસ્થાનના ડીજીપીને પોતાનો અહેવાલ સુપ્રત કરશે.

ચૂંટણીના સમયમાં રાજસ્થાન પોલીસની કડક નાકાબંધી દરમિયાન રાજસ્થાન પોલીસે દારૂની એક ટ્રક પકડી હતી. જેમાં ગાંધીનગર પોલીસના જવાનો હતા સાથે એક બોલેરો કારમાં ગાંધીનગરના પોલીસ ઈન્સપેક્ટર પણ હતા. ગાંધીનગરના પોલીસ ઈન્સપેક્ટરે પોતાની ઓળખ આપવા છતાં મામલો પત્યો નહીં જેના કારણે ઈન્સપેક્ટરને પોતાના સિનિયરના ધ્યાન ઉપર આ ઘટના મુકવાની ફરજ પડી હતી. આમ એક પોલીસ ઈન્સપેક્ટર રાજસ્થાન દારૂ લેવા જાય તે બાબત જાણતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. જો કે તેમણે કોઈપણ પ્રકારની મદદ કરવાને બદલે કોઈપણ કિંમતે પતાવટ કરી લેવાની સલાહ આપી હતી. આ પોલીસ ઈન્સપેક્ટરનો દાવો છે કે તે રાજ્યના એક બહુ મોટા નેતાની સુચનાથી આ કામ કરી રહ્યા હતા.

જો કે સુત્રો માને છે કે આ રાજનેતા  પોલીસ ઈન્સપેક્ટર કક્ષાના અધિકારીને આ પ્રકારનું કામ સોપે નહીં ખરેખર દારૂ કોઈ જુદા જ કારણથી લાવવામાં આવ્યો હતો. વાત ગુજરાત પોલીસની બદનામીની હોવાને કારણે ગુજરાત પોલીસે આ સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દીધો હતો. પરંતુ બીજી તરફ ઘટના માધ્યમોમાં પ્રકાશીત થતાં રાજસ્થાનના ડીજીપીએ તપાસનો આદેશ આપ્યો હતો. રાજસ્થાન સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ઘટના વખતે રાજસ્થાન પોલીસની ચેકપોસ્ટ ઉપર કોણ કોણ ફરજ ઉપર હતા, સાથે ગુજરાત પોલીસના ક્યા અધિકારીઓ રાજસ્થાન આવ્યા હતા અને ઘટના ક્યા પ્રકારે ઘટી હતી તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો છે જે રાજસ્થાનના ડીજીપીને સુપ્રત કરવામાં આવશે. આ રિપોર્ટ ગુજરાત અને રાજસ્થાન પોલીસની મુશ્કેલી ફરી એક વખત વધારી શકે છે.