ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): નિકાસકારો, ફોરેન ફંડોનો ડોલર ઇનફલો તેમજ બેંકોએ મોટા પ્રમાણમાં ડોલર ઠાલવતા કરન્સી બજારમાં રૂપિયો ૨૭ એપ્રિલ પછીના તળિયેથી પાછો ફર્યો હતો. કેટલાંક ડીલરો એવી અફવાને માન્યતા આપે છે કે ડોલરનું ધરખમ સેલ રિઝર્વ બેંક વતીથી કેટલીંક બેન્કોએ કર્યું હતું. શુક્રવારે ઇન્ટ્રાડેમાં ડોલર સામે રૂપિયો ૭૬.૨૧ થયા બાદ સોમવારે ૭૫.૯૬ ખુલ્યો હતો. ડોલર સામે રૂપિયાનું લેવલ અપેક્ષાથિ વધુ ઉચે જતું રહેતા કરન્સી ટ્રેડમાંથી નફો મેળવવા નિકાસકારોએ પણ વહેતી ગંગામાં હાથ ધોવા ડોલરનું જબ્બર વેચાણ કર્યું હતું. 

છેલ્લા કેટલાંક સપ્તાહથી રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝની સબસીડીયરી જીયો પ્લેટફોર્મ પર ધરખમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યાના અહેવાલે પણ રૂપિયાને ગત સપ્તાહે ટેકો પૂરો પાડ્યો હતો. કરન્સી ડીલરો કહે છે કે આમાનો અમુક હિસ્સો ચલણ બજારમાં પ્રવાહિત થવાની શક્યતા પણ છે. છેલ્લા બે મહિનામાં રિલાયન્સની આ પેટા કંપનીમાં સાત વિદેશી કંપનીઓએ અંદાજે ૧૩ અબજ ડોલર ઠાલવ્યા હતા.

આ ઘટના પછી ભારત વિશ્વના પાંચમાં નંબરે સૌથી વધુ ૫૦૧.૭ અબજ ડોલરની વિદેશી હૂંડિયામણ અનામત ધરાવતો દેશ બની ગયો છે. સપ્ટેમ્બર ૨૦૦૭મા હૂંડિયામણ અનામત ૫૦૦.૦૩ અબજ ડોલર થઇ હતી, ત્યાર પછી સાપ્તાહિક ધોરણે વધેલી ગત સપ્તાહની અનામત વિક્રમ પ્રમાણમાં વધી હતી. માર્ચ ૧૯૯૧મા ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૫.૮ અબજના તળિયે બેસી ગયા પછીની આ સૌથી વધુ અનામત છે. રિઝર્વ બેંકે અત્યાર સુધી તૂટતા રૂપિયાને બચાવવા ખાસ કોઈ ડોલર વાપર્યા નથી તેથી રૂપિયો નબળો પડ્યો હોવા છતાં, ૨૦૨૦મા અત્યાર સુધી વિદેશી હુંડીયામણ અનામત ૪૦ અબજ ડોલર વધી છે. 
ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં સોનું, વર્લ્ડ બેંક પાસે સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર), આઈએમએફ પાસે ફોરેન કરન્સી એસેટ્સ (એફસીએ) અને ભારતની કેટલીક કરન્સી અનામતોનો સમાવેશ થાય છે. વળી આ બધી અનામતો દરેક દેશની સેન્ટ્રલ બેન્કના ખાતામાં જમા હોય છે. કરન્સી ડીલરો પણ કહે છે કે આ મહીને ભારત વિશ્વમાં સૌથી વધુ કરન્સી ઇનફલો મેળવનાર દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે. આને લીધે ભારતીય રિઝર્વ બેંક પણ તેના ખારાબ અને અચોક્કસ આર્થિક સમયમાં આ રિઝર્વનો વ્યુહાત્મક ઉપયોગ કરી શકાશે.

શક્ય છે કે આરબીઆઈ આગામી સપ્તાહોમાં જો રૂપિયો વધુ પડતો ગબડવા લાગશે તો, ડોલર વેચીને તેમાંથી નફો પણ કરી શકવાની સ્થિતિમાં હશે. આથી કહી શકાય કે જો રૂપિયો ૭૫ કરતા વધુ મજબુત થાય કે રૂ. ૭૬.૨૦થી નબળો પડશે તો રિઝર્વ બેંક આવી ધરખમ અનામતમાંથી બન્ને તરફ સમતુલન જાળવી શકાશે. માર્ચમાં કોરોના મહામારી જાહેર થઇ ત્યાર પછીથી ૨૦૨૦મા અત્યાર સુધીમાં રૂપિયો સાઉથ ઈસ્ટ એશિયન દેશ અને ઉભરતાઅર્થતંત્રોમાં સૌથી ખરાબ રીતે ૬ ટકા જેટલો નબળો પાડવા છતાં, આરબીઆઈને આટલા બધા ડોલર વોર ચેસ્ટ (તિજોરી)માં જમા કરવાની ઉત્તમ તક મળી છે.

કરન્સી ડીલરો કહે છે કે વિદેશી હૂંડિયામણ અનામત વૃદ્ધિ બે કારણોસર થઇ છે એક તો જાગતિક બજારમાં મહત્તમ કરન્સી સામે ડોલર નબળો પડ્યો હોવાથી ભારતીય અનામતોનું પુન:મૂલ્યાંકન કરાયું તેથી અને બીજું અસંખ્ય સેન્ટ્રલ બેન્કોએ પોતાની કરન્સી નબળી પડતી ટકાવવા ડોલર બજારમાં ઠાલવ્યા તેથી પણ મુલ્યાંકન વૃદ્ધિ થઇ હતી. ભારત પાસે હવે ૧૪ મહિનાની આયાતના બીલ ચૂકવવા જેટલી અનામત આવી ગઈ છે. 

અહીંથી કદાચ રૂપિયો મજબૂતી ધારણ કરવા અગ્રેસર થશે, કારણ કે હાલમાં ભારત પાસે કરન્સી આઉટ ફલો કરતા કરન્સી ઇનફલો ગતિથી આવી રહ્યો છે. નાણા મંત્રાલયના પ્રિન્સીપાલ ઇકોનોમિક એદ્વાઇઝર સંજીવ સન્યાલ કહે છે કે તાજેતરના સપ્તાહોમાં લોકડાઉનને કારણે બજારમાં માંગમાં પીછેહઠ થઇ હતી, પણ કેપિટલ ઇનફલો વધવાથી રૂપિયો નબળો પડતો અટક્યો હતો. 

(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)