મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના મોરબી રોડ જકાત નાકા પાસે સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં બહેન-બનેવીએ છરીનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. એટલું જ નહીં બાદમાં હોસ્પિટલોમાં ફરતા હોવાનો આક્ષેપ પણ મૃતકનાં બીજા બનેવીએ કર્યો છે. જો કે અંતે સિવિલ હોસ્પિટલમાં પહોંચતા ફરજ પરના ડોક્ટરેયુવકને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકનાં બીજા બનેવી રવિભાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેનો સાળો ભાવેશ કાળુભાઈ ચણીયારા જય જવાન જય કિસાન સોસાયટી નજીક 25 વરિયા ક્વાર્ટરમાં કૌટુંબિક બહેન-બનેવી સાથે જ રહેતો હતો. જો કે તે લાંબા સમયથી બેકાર હોવાથી બહેન ચકુબેન અને બનેવી મહેશભાઈ કંટાળી ગયા હતા. અને તેમને ઘરમાં સુવાની પણ મનાઈ કરી હતી. જેને લઈ ભાવેશ બહાર રિક્ષામાં જ સુઈ રહેતો હતો.


 

 

 

 

 

આજરોજ બપોરનાં સુમારે ભાવેશ ઘરમાં આવ્યા બાદ કૌટુંબિક બનેવી મહેશ સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા મહેશભાઈ અને ચકુબેને  ભાવેશને છરીનાં ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને પગલે ભાવેશ લોહીલુહાણ થઈને પડી જતા બંને તેને લઈને રિક્ષામાં જુદી-જુદી હોસ્પિટલમાં ફરતા હતા. દરમિયાન રવિભાઈને કશુંક અજુગતું બન્યું હોવાની શંકા જાગી હતી.

ત્યારબાદ રવિભાઈનાં કહેવાથી જ બંને લોહીલુહાણ ભાવેશને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ભાવેશ મૃત હોવાનું અને તેની હત્યા કરવામાં અવ્યાનુ સામે આવતા બી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા દોડી ગયેલી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી બહેન બનેવીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક ભાવેશ 3 ભાઈ 3 બહેનમાં પાંચમા નંબરનો છે. તેના પિતા કાળુભાઈ મજૂરી કામ કરે છે. માતાનું નામ હંસાબેન છે. મૃતકનાં કૌટુંબિક બહેન સાથે આડા સંબંધ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. પરંતુ સાચી હકીકત તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.