દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): શનિવારે ગાંધીનગર ખાતે ભારત માતાનાં મંદિરમાં એક ભાષણમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું લઘુમતીઓ વિરુદ્ધનું એક નિવેદન ચર્ચાઓનો મુદ્દો બની ગયું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું હતું.
નીતિન પટેલે આપેલા હિન્દુત્વ અને કાયદાની અમલવારી વાળા નિવેદન અંગે ભાજપ પ્રમુખ @CRPaatil બોલ્યા... Video@BJP4Gujarat #Gujarat #NitinPatel @Nitinbhai_Patel @GujaratPolice #Politics pic.twitter.com/IKEdrcyqxj
— Urvish patel (@reporterurvish) August 29, 2021
ગઈ કાલે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, "તમારે વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો લખીને રાખજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિનસંપ્રદાયિકતા છે. આ વાતો કરનારા કરશે, ભગવાન ના કરે અને જો હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યા તો એ દિવસથી કોઈ કોર્ટ-કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં. બધું જ હવામાં અને દફનાયી દેશે. કશું બાકી નહીં રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે. હું બધાની વાત નથી કરી રહ્યો. હજારો મુસ્લિમો દેશભક્ત છે અને ભારતીય સેનામાં છે. સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં છે. હું સ્પષ્ટ કરું કે જો કોઈ હિન્દુ છોકરો કોઈ નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેડતી કરીને લગ્ન કરે તો આ કાયદો તેને પણ લાગુ પડે છે. તો આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી, તમામ લોકો પર લાગુ પડે છે. જો હિન્દુ દીકરીઓ હિન્દુ સાથે લગ્ન કરે, મુસ્લિમ દીકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી દીકરીઓ ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે. જો શીખ દીકરીઓ શીખ સાથે લગ્ન કરે છે તો તેમને વાંધો શું છે."
Advertisement
 
 
 
 
 
આ નિવેદન અંગે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને સવાલ કરતા તેમણે નીતિન પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું, "મને લાગે છે કે, નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈ ને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. હું નીતિન ભાઈ સાથે સહમત છું, નાયબ મુખ્યમંત્રીએ આવનાર દિવસોનું ભવિષ્ય જોઇ હિંદુ અંગેની વાત કરી વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે આપણે જેવી રીતે અફઘાનિસ્તાનમાં જોઈ રહ્યા છે જેવી ત્યાં સરકાર તૂટી અને તાલિબાને અફઘાનિસ્તાનને કબજે લઈ લીધું છે. અને આખી દુનીયામાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે નીતિનભાઈએ અગમચેતી રૂપે આ નિવેદન આપ્યું છે અને હું તેમની સાથે સંમત છું."