ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોરોના મહામારીને પગલે જહાજી સેવાઓ અસ્તવ્યસ્ત થઇ જવાને પગલે વૈશ્વિક કૃષિ પેદાશોની સપ્લાય ચેઈન ખરાબ રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઇન્ડીયન ઓઈલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન ખુશવંત જૈન કહે છે કે મોટી સમસ્યા તો એ છે કે નિકાસકારોને ખાલી અને સાફસુથરા કન્ટેનર મળવા મુશ્કેલ થઇ પડ્યા છે. આટલું અધૂરું હોય તેમ જહાજી કંપનીઓએ પણ તેમના નૂરમાં વધારો કર્યો છે, પરિણામે ભારતમાંથી થતી કૃષિ પેદાશોની નિકાસને ગંભીર ફટકો પડ્યો છે.

ખરીફ મોસમના નવા પાકોની આવકો શરુ થઇ ગઈ છે. ખુશવંત જૈન કહે છે કે કન્ટેનરની ઉપલબ્ધિનો અભાવે અને તેના કાર્યક્રમો પણ અસ્ત વ્યસ્ત થઇ જતા, તેલીબીયા અને અન્ય કૃષિ કોમોડિટીની નિકાસ વૃદ્ધિ અટકી ગઈ છે. આ સમસ્યાને વહેલી તકે ઉકેલવી જરૂરી છે. કાઉન્સિલે કરેલા તાજા સર્વેક્ષણ મુજબ ૨૦૨૦ની ખરીફ મોસમમાં તલનું વાવેતર ભારતભરમાં ૧૪.0૧ લાખ હેકટર થયું, તેની સામે હેક્ટર દીઠ સરેરાશ ઊપજ ૩૧૩ કિલોની રહેતા, કૂલ પાક ૪.૩૯ લાખ ટન આવ્યાનો અંદાજ છે. મગફળીનું વાવેતર ૫૦.૯૬ લાખ હેકટરમાં થઈને હેકટર દીઠ સરેરાશ ઊપજ ૧૫૧૭ કિલો સાથે ઉતારો ૭૭.૨૮ લાખ ટન આવાવાના વરતારા છે.

એપ્રિલ/ઓગસ્ટ ૨૦૨૦મા તેલીબીયાની નિકાસ ગતવર્ષના સમાનગાળાની રૂ. ૩૦૫૪.૭૫ કરોડથી ૧૧.૬૪ ટકા વધીને રૂ. ૩૪૧૦.૩૮ કરોડ થઇ હતી. મગફળીની નિકાસ, ૧.૫૪ લાખ ટનથી વધીને ૧.૭૪ લાખ ટન થઇ હતી, જે મૂલ્યની દ્રષ્ટીએ રૂ ૧૨૨૦.૮૧ કરોડથી વધીને ૧૫૭૧.૬૧ કરોડ થઇ હતી. આજ પ્રમાણે સમાનગાળામાં તલની નિકાસ ૧.૧૬ લાખ ટનથી વધીને ૧.૨૦ લાખ ટન અને મૂલ્યની દ્રષ્ટીએ રૂ. ૧૪૨૮.૪૫ કરોડથી વધીને ૧૫૪૯.૯૧ કરોડની થઇ હતી.

કાઉન્સિલ કહે છે કે કોઈ બુદ્ધિગમ્ય કારણ વગર આઈજીએસટી (ઇન્ટેગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ)નાં રીફંડના મોટી રકમના ક્લેમ નકારવામાં આવી રહ્યા છે. ખુશવંત જૈન કહે છે કે તમામ બાબતો સ્પષ્ટ હોવા છતાં અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ યોજે છે, ત્યાર પછી પણ નિકાસકારની ફરિયાદો યથાવત રહે છે, આથી તેઓને નિકાસમાં અનેક જોખમોનો સામનો કરવો પડતો હોય છે. સરકાર કૃષિ ચીજોની નિકાસ વૃદ્ધિ માટે ખાસ પ્રયાસો કરે છે, પણ આઈજીએસટી રીફંડ દાવાઓ જેમનાતેમ પડ્યા રહે છે. સરકારે આવા નિકાસકારોના ડ્યુટી ડ્રો-બેક પણ વહેલી તકે છુટા કરવા જોઈએ.

કોવિદ મહામારીને લીધે આ વર્ષે આખા જગતમાં ક્યાય ટ્રેડ પ્રદર્શની થઇ શકી નથી, પણ કૃષિ ઉત્પાદનો વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા સમ્ક્ષ પ્રદર્શિત થવા જોઈએ. આ સંદર્ભે કાઉન્સિલ સૂચવે છે કે સરકારી મંત્રાલયોએ વર્ચ્યુઅલ એક્ઝીબીશનો યોજવામાં માટેના પૂર્ણ સમયના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિકસાવવા જોઈએ. અને જુદી જુદી સંસ્થાઓને વારાફરતી તેમાં સામેલ કરવા જોઈએ. આ પ્લેટફોર્મ એવી રીતે તૈયાર કરવા જોઈએ, જેથી વર્ષો સુધી સરકારી ખર્ચમાં બચત થતી રહે.          

તેલીબીયાની નિકાસનાં ઊંચા લક્ષ્યાંકો સિદ્ધ કરવા કાઉન્સિલ જુદાજુદા પગલાઓ લેવાને સજ્જ છે. જેમકે ખેતીવાડી સ્તરે દવાના પ્રશ્નો, તેલીબિયાનું પ્રોસેસિંગ તેમજ કૃષિ સ્તરે નવી નવી જાણકારી ઉપલબ્ધ કરાવવી, જમીનમાંના પાણીના સ્તર કેમ વધારવા, વૈશ્વિક પ્રદર્શનીમાં મોટાપાયે ભાગ લેવો, તેમજ બાયર સેલર વાર્તાલાપ યોજવા અને બ્રાંડ ઇન્ડીયાને પ્રોત્સાહિત કરવા સેમિનારોનું આયોજન કરવું, વિગેરેનો સમાવેશ થાય છે. કાઉન્સીલે તાજેતરમાજ બીજી આઇઓપીઈપીસી ગ્લોબલ ઓઇલસીડ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ભારત અને દુનિયાભરમાંથી ૨૦૦ જેટલા પ્રતિનિધીઓ હિસ્સેદાર બન્યા હતા.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)