મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવે છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા ભાજપના જ સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણીને જાણે મંચ પરથી ઉતરવા માટે કહી રહ્યા હોય. આ વાયરલ થયેલો વીડિયો અહીં દર્શાવાયો છે, જે વીડિયોમાં વીડિયોનું સત્ય પણ ઉજાગર થઈ જાય છે. વાયરલ થયેલા વીડિયો સાથે લખાણ લખવામાં આવ્યું છે.

વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે, ખુલ્લેઆમ અપમાન, અહંકારની પરાકાષ્ટા, પોતાના જ વડીલ નેતાને પાછળ મોકલી રહ્યા છે જેમણે પાર્ટીને ઊભી કરી છે.

હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, શિષ્ય, ગુરુ આગળ પણ હાથ નથી જોડતો, સ્ટેજથી ઉઠાવીને ફેંકી દીધા ગુરુને, જુત્તા મારીને અડવાણીજીને ઉતારી દીધા સ્ટેજથી.

આ વીડિયો પ્રથમ દ્રષ્ટીએ જોતાં ઉપર લખાયેલી પોસ્ટ સાચી હોય તેવું લાગે પરંતુ તે ભ્રામક છે, વીડિયોમાં દેખાય છે કે અમિત શાહની એક તરફ નરેન્દ્ર મોદી બેઠા છે અને બીજી તરફ લાલ કૃ્ષ્ણ અડવાણી બેઠા છે, વીડિયોમાં બતાવાઈ રહ્યું છે કે અમિત શાહ અડવાણીને ખુરશીમાંથી ઊભા થઈ પાછળની તરફ જવાનો ઈશારો કરે છે.

જોકે આ વીડિયો સંપુર્ણ સત્ય દર્શાવતો નથી કારણ કે વીડિયો જ સંપુર્ણ નથી. આ વીડિયોને જાણીજોઈને કોઈ દ્વારા ટુંકાવી દેવામાં આવ્યો છે. આ વીડિયો નવી દિલ્હીના જવાહર લાલ નહેરુ સ્ટેડિયમનો છે જ્યાં ૯ ઓગસ્ટ ૨૦૧૪એ ત્યાં રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. વીડિયોનો ઓડિયો પણ આપ સાંભળશો તો જાણવા મળશે કે અડવાણીને મંચ પરથી સંબોધન કરવા માટે બોલાવવામાં આવે છે અને તેથી તે ખુરશી પરથી ઊભા થાય છે ત્યારે અમિત શાહ તેમની સરળતા માટે પાછળથી જવા કહે છે. અહીં વીડિયો દર્શાવાયો છે...