મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સામાન્ય રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અધિકારી રાજ ચાલી રહ્યું હોવાની અને બાબુઓ એસી ચેમ્બર છોડી બહાર પણ નીકળતા ન હોવાની બૂમો સામાન્ય બની છે. સામાન્ય રીતે કોઈ સરકારી ચીજોનું વિતરણ કરવાનું હોય તો અધિકારી હોય કે પદાધિકારીઓ લાભાર્થીઓને પોતાની ઓફીસ કે જાહેર જગ્યાએ બોલાવી મેળાવડો કરી સરકારી સહાયનું વિતરણ કરતા હોય છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં એક અદના અધિકારીની સરકારી સાધન સામગ્રીની જાતે લાભાર્થીઓના ઘરે પહોંચાડતા લાભાર્થી અને તેમના પરિવારજનો અને ગ્રામજનો આશ્ચર્યમાં ઘરકાવ થઇ ગયા છે. સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી બાઈક પર ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ બાળકોને હોમલર્નિંગની કીટ પહોંચાડવાની સાથે અભ્યાસ અંગે માહિતી આપી હતી.

સામાન્ય રીતે જીલ્લ્લા કક્ષાના આધિકારીઓ સરકારી વાહન કે પછી કારની નીચે પગ મુકતા અચકાતા હોય છે.જ્યારે સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી કોઈ પણ જાતનાં સંકોચ વગર મોટર સાઈકલ પર જતા જોઇને શિક્ષકો પણ નવાઈ પામ્યા હતા.જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી મોટર સાયકલ પર ગ્રામ્ય વિસ્તારની ગલીઓમાં ફરતા જોવા મળવા સામાન્ય દ્રશ્ય બન્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં  દિવ્યાંગ બાળકોને ઘરે ઘરે જઈને તેમની ખબર તો પૂછી રહ્યા છે  સાથે સાથે સમગ્ર શિક્ષા અભિયાનમાંથી દિવ્યાંગ બાળકો માટે આવેલી શૈક્ષણિક કીટનું દિવ્યાંગ બાળકોના ઘરે જઈને વિતરણ કરી રહ્યા હોવાની સાથે દિવ્યાંગ બાળકો અને નોર્મલ બાળકો હોમ લર્નિગ દ્વારા કેવું શિક્ષણ મેળવી રહ્યા છે તેની હર્ષદભાઈ જાતે ઘરે ઘરે જઈને માહિતી મેળવી રહ્યા છે. દિવ્યાંગ બાળકો માટે એજ્યુકેટર ૧૦૮ સ્પેશિયલ એજ્યુકેશન હેઠળ  વિભાગ દ્વારા ફાળવેલ કીટ જાતે જ ઘરે ઘરે જઈને દિવ્યાંગ વિદ્યાર્થોને આપતા એક સમયે બાળકોના વાલીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા.