પ્રશાંત દયાળ (ભાગ-6): 1985નાં તોફાનો શાંત થવાનું નામ લેતા ન્હોતા, વાત પોલીસના હાથ બહાર જઈ રહી હતી. લતીફને મુંબઈ ગેંગનો સપોર્ટ મળી જતાં લોકોનાં ઘરને આગ ચાંપવાની, માણસો મારી નાખવા અને છુરાબાજીની ઘટનાઓ વધી રહી હતી. મે મહિનો ચાલી રહ્યો હતો, આલમઝેબની બંગડીઓ મોકલવાની યોજના કારગાર સાબીત થઈ ગઈ. રાતનો સમય હતો. અચાનક કાલુપુર–દરિયાપુર વિસ્તારની વીજળી ગુલ થઈ ગઈ. વીજળીના મુખ્ય પ્રવાહના વાયરો કોઈએ કાપી નાંખ્યા હતાં કે વીજળી જવાની ઘટના કોઈ ટેકનીકલ ફોલ્ટ હતી, તેની કોઈને ખબર ન્હોતી. પણ જેવી વીજળી ગઈ, તેની સાથે કાલુપુર-દરિયાપુર વિસ્તારમાં આવેલી પોળો ઉપરથી ભારે પથ્થરમારો શરૂ થયો. હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમ જાણે આજે પોતાનો હિસાબ પુરો કરી નાખવાના મુડમાં હતાં. ત્યારે કાલુપુર પોલીસ ચોકીમાં ફરજ ઉપર હાજર મહેન્દ્રસિંહ રાણાને સંદેશો મળ્યો કે ભંડેરીપોળ પાસે પથ્થરમારો અને સળગતા કાકડા  ફેંકવામાં આવી રહ્યાં છે. ચોકીમાં ખાસ માણસોનો સ્ટાફ તો ન્હોતો, સબઈન્સપેક્ટર રાણા અને બે કોન્સટેબલો જ હતાં. છતાં રાણા કંઈ પણ વિચાર કર્યા વગર પોતાના બે કોન્સટેબલને લઈ ભંડેરીપોળ તરફ ગયા. ચારે તરફ અંધારૂ હોવા છતાં ચિચિયારીઓ, રોકકળ અને પથ્થરમારા વચ્ચે સળગતા કાકડા એક પોળથી બીજી પોળ તરફ  ફેકાઈ રહ્યાં હતાં.


 

 

 

 

આ સ્થિતિમાં નીચેથી તોફાનીને કાબુમાં લેવા મુશ્કેલ હતાં કારણ તેમની ઉપર પણ પથ્થર અને સળગતા કાકડા પડી રહ્યા હતાં. આખો મામલો આસપાસની પોળોના છાપરાઓ ઉપરથી થઈ રહ્યો હોવાને કારણે ખરેખર શું થઈ રહ્યું છે તેનો અંદાજ રાણાને પોળમાં ઉભા રહી આવે તેમ ન્હોતો. એટલે તેઓ એક મકાનનાં છાપરા ઉપર ચડ્યા. તેમની સાથે તેમના બે કોન્સટેબલ પણ હતા, જેમની પાસે માત્ર લાકડી અને અને રાણા પાસે સર્વિસ રીવોલ્વર સિવાય કઈ ન્હોતું. આ દરમિયાન લતીફ ગેંગ પાસે સારી કહેવાતી પિસ્તોલો આવી ગઈ હતી. રાણા જે ઘરના છાપરા ચઢ્યા  તેની સામે તરફથી પથ્થર અને કાકડા આવી રહ્યાં હતાં પણ અંધારુ એટલુ હતું કે ખરેખર ક્યાંથી શું થઈ રહ્યુ છે તે દેખાઈ રહ્યું ન્હોતુ. અંધારુ એટલું હતું કે પોતાનાથી ત્રણ ફુટ દુર કોઈ ઉભું હોય તો પણ દેખાય નહીં તેવી સ્થિતિ હતી. રાણા અને તેમના સ્ટાફે ઉપર જઈ ચારે તરફ નજર દોડાવી પણ કોઈ જ માણસ દેખાતા ન્હોતા, છતાં પથ્થરો અને કાકડા તો આવી જ રહ્યાં હતાં.

જ્યારે સબઈન્સપેક્ટર રાણા ચોકીમાંથી નિકળ્યા ત્યારે લાઈટ જતી રહી છે તેવી ખબર હોવાને કારણે પોતાની ટોર્ચ પણ સાથે લીધી હતી. પોલીસની તાલીમ દરમિયાન આવી પણ તાલીમ આપવામાં આવતી હોય છે કે રાતના સમયે ટોર્ચને ઉપયોગ કેવી રીતે કરવો. કારણ સામાન્ય માણસ જે રીતે જમણા અથવા ડાબા હાથે ટોર્ચ પકડી પોતાની છાતી તરફ આગળ રાખી ટોર્ચ ચાલુ કરે તે રીતે પોલીસ અથવા સુરક્ષાદળો ટોર્ચનો ઉપયોગ કરી શકતા નથી, કારણ આવી સ્થિતિ અત્યંત ધાતક અને જોખમી સાબીત થઈ શકે છે. પોલીસ અથવા સુરક્ષાદળોની સામે રહેલો દુશ્મન પણ ટોર્ચના પ્રકાશ દ્વારા ખ્યાલ આવે છે કે સામે કોઈ વ્યક્તિ છે અને તે માત્ર ટોર્ચને નિશાન બનાવે તો ટોર્ચને ઉપયોગ કરનારની છાતી આરપાર ગોળી નિકળી જાય કારણ સામાન્ય રીતે ટોર્ચ શરીરના આગળના ભાગ રાખી તેનો ઉપયોગ થતો હોય છે.


 

 

 

 

પોલીસ તાલીમ પ્રમાણે આવી સ્થિતિમાં જ્યારે પણ ટોર્ચનો ઉપયોગ કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે પોતાના ડાબા અથવા જમણા જે હાથમાં ટોર્ચ હોય તેને પોતાના શરીરથી ખાસ્સી દુર એટલે કે શરીરને સમકક્ષ ડાબી અથવા જમણી  તરફ હાથ દુર કરી ટોર્ચ ચાલુ કરવી જોઈએ. જેથી દુશ્મન ટોર્ચને નિશાન બનાવી ગોળી છોડી તો છાતીને બદલે બહુ બહુ તો હાથને ઈજા પહોંચાડી શકે પણ જીવ બચી જાય. પણ કદાચ ઉતાવળમાં અથવા તણાવમાં સબઈન્સપેક્ટર રાણા તાલિમ ભુલી ગયા અને તેમણે જે તરફથી પથ્થર આવી રહ્યાં હતા તે તરફ છાતીની આગળ તરફ ટોર્ચ રાખી પ્રકાશ ફેંકયો. આ ભુલ કેટલી ઘાતક સાબિત થવાની હતી તેની રાણા અને તેમના સાથીઓને ક્લ્પના ન્હોતી. સામે તરફ લતીફ ગેંગના ગુંડાઓ હતા, તેમણે ટોર્ચનો પ્રકાશ જોતા ત્યાંથી ટોર્ચ તરફ એક જ ગોળી છોડી અને બીજી જ ક્ષણે તે ગોળી રાણાની છાતીની આરપાર નિકળી ગઈ અને રાણા એક ચીસ સાથે ત્યાં જ ઢળી પડયા. કદાચ સામે છેડે રહેલા લતીફ ગેંગના ગુંડાઓને ખ્યાલ ન્હોતો કે તેમણે પોલીસ અધિકારી ઉપર ગોળી ચલાવી હતી પણ સાથે રહેલા કોન્સટેબલ જયારે રાણા સાહેબને ગોળી વાગી તેવી બુમો પાડી ત્યારે તેઓ ત્યાંથી ભાગી સીધા લતીફ પાસે પહોંચ્યા હતા. અને રાણાને ગોળી વાગ્યાની જાણકારી લતીફને આપી હતી.

લતીફ સિંહનો ચહેરો રાખતો હતો પણ આજે તે અંદરથી ફફડી ગયો હતો. એક પોલીસ અધિકારીનું મોત થયુ હતું. તેને આવનાર તોફાનનો અંદાજ આવી ગયો. જો કે એક પોલીસ અધિકારીનું મોત થયુ હોવા છતાં તે જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ખીસ્સા ભરતો હતો તેની ઉપર તે મુસ્તાક હતો. એવુ કહેવાય છે કે રાણાની હત્યા બાદ તેણે સીધા કાલુપુર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીને ફોન કરી બનાવની જાણ કરી હતી. આ અધિકારીએ તેને તરત ઘર છોડી દેવાની સલાહ આપી હતી પણ લતીફ માટે સવાલ હતો કે ચારે તરફ હવે પોલીસ ગોઠવાઈ ગઈ હતી ત્યારે ભાગવુકેમ? પણ પોતાના જ એક જુનિયર અધિકારીનું મોત થયુ હોવા છતાં અત્યંત નિમ્ન કોટીના આ અધિકારીએ ત્યારે  પોતાની સરકારી  જીપમાં લતીફને બેસાડી એલિસબ્રીજ વિસ્તારમાં મુકી ગયા હતા અને લતીફ ફરાર થઈ ગયો હતો.

(ક્રમશ:)

Part-5 | લતીફના ગોડફાધરે મુસ્લિમ વિસ્તારમાં મોકલી બંગડીઓ, અનામત આંદોલન કોમી તોફાનમાં ફેરવાયું