પ્રશાંત દયાળ (ભાગ-45): ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયા બાદ લતીફને પોલીસવાનમાંથી ઉતારી સીધો  ડીસીપી એ. કે. સુરોલીયાની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો. લતીફને ખબર ન્હોતી કે આ કોની ચેમ્બર છે પણ તેણે ચેમ્બરમાં દાખલ થતા પહેલા ચેમ્બરના દરવાજા ઉપર લાગેલી નેઈમ પ્લેટ ઉપર નજર કરી અને તેના પગથી માથા સુધી ધ્રુજારી છુટી ગઈ. તેને જે નામથી ડર લાગતો હતો તે જ નામ તેની સામે હતું પણ તેને વિચારવાનો સમય જ ન્હોતો. દરવાજો ખુલ્યો તેની સાથે પોલીસવાળા તેને ચેમ્બરમાં લઈ આવ્યો, સામે ટેબલની પાછળ, ગોરા રંગનો એક અધિકારી બેઠો હતો, મોટો ચહેરો અને વજનદાર શરીર હતું. દરવાજો ખોલતા સુરોલીયાએ ગદનને તકલીફ આપ્યા વગર માત્ર નજર ઉંચી કરી જોયુ, સામે પોલીસવાળો અને લતીફ હતાં. સુરોલીયાની નજર દિવાલ ઉપર ટીંગાઈ રહેલી ઘડિયાળ તરફ ગઈ, પોણા આઠ થવા આવ્યા હતાં. જાણે તે મનોમન કહેતા હોય કે તારી તો હું લાંબા સમયથી રાહ જોતો હતો.  સુરોલિયાએ લતીફ સામે જોયુ, લતીફે પોતાની નજર નીચી કરી નાખી, કારણ સુરોલીયાની આંખમાં જોઈ શકવાની તેની ક્ષમતા ન્હોતી. બે નંબરનો ધંધો કરનાર પોલીસની તે પણ પ્રમાણિક પોલીસની કુંડળી જાણતા હોય છે, એટલે  લતીફને વધુ ડર લાગી રહ્યો હતો. 


 

 

 

 

 

સુરોલીયાની નજર ફરતા પોલીસવાળો સમજી ગયો, તે લતીફને ટેબલની પાસે લઈ આવ્યો અને નીચે બેસવાનો આદેશ આપ્યો. લતીફ નીચે બેસતા પોલીસવાળા ચેમ્બરની બહાર ગયા અને જતી વખતે ચેમ્બરનો દરવાજો આડો કરતો ગયો. લતીફ નીચે બેઠો હતો, તેના બંન્ને હાથ હાથકડીથી બાંધેલા હતા. સુરોલીયાના ટેબલ ઉપર એક લાકડી પડી હતી. ખુરશીમાં બેઠેલા ડીસીપી સુરોલીયા લતીફને સારી રીતે જોઈ શકે માટે થોડી ખુરશી ટેબલથી દુર કરી અને તેમણે લતીફ સામે જોયુ. લતીફની નજર હજી નીચે જ હતી. સુરોલીયાએ લતીફને કહ્યુ ઉપર દેખો, બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થઈ રહ્યુ હતું કે હજી સુધી ચેમ્બરમાં લતીફની ચીસો સંભળાઈ ન્હોતી, એકદમ શાંતિ હતી. ક્રાઈમ બ્રાન્ચની શાંતિ કોઈ અમંગળ ઘટનાનો અણસાર આપી રહી હતી. પોણા નવ વાગ્યે સુરોલીયાની ચેમ્બરની બેલ વાગ્યો, પોલીસવાળો દોડતો અંદર ગયો, તેમણે ઈશારો કરી કહ્યુ લતીફને લઈ જાવ. પોલીસવાળો લતીફને લઈ ચેમ્બર બહાર આવ્યો ત્યારે લતીફે ઉંડો શ્વાસ લીધો. એક પોલીસવાળો તેને લઈ તરૂણ બારોટની ચેમ્બરમાં લઈ ગયો. લતીફને બેસાડતા તેણે કહ્યુ બારોટ સાહેબ ડીસીપી તમને બોલાવે છે. લતીફ ઉપર નજર રાખવાની સુચના આપી બારોટ ડીસીપીને મળવા માટે ગયા. 

તરૂણ બારોટની ચેમ્બરમાં લતીફ ઉપર નજર રાખી રહેલા પોલીસવાળા પાસે લતીફે પાણી માંગ્યુ તેને ખુબ તરત લાગી હતી. કદાચ તે જેલમાંથી  નિકળ્યો ત્યાર બાદ તેણે પાણી પીધુ જ ન્હોતુ. પહેલા પોલીસ કમિશનર અને ગૃહ સચિવે તેની પૂછપરછ કરી ત્યાર બાદ સુરોલીયાએ પણ લાંબી પૂછપરછ કરી કસ કાઢી નાખ્યો હતો. લતીફે પાણી પીધુ ત્યારે પોલીવાળાએ પૂછ્યુ ચાઈ પીવી છે? લતીફે માથુ હલાવી ના પાડી. અડધો કલાક પછી બારોટ ચેમ્બરમાં આવ્યા, ત્યાં સુધી લતીફ સુનમુન બેઠો હતો. બારોટે અંદર આવતા જ લતીફ સામે જોયુ અને કોન્સ્ટેબલ નીઝામને બુમ પાડી કહ્યુ નીઝામ લતીફનો ભાઈ બહાર ઉભો હશે તેને બોલાવી લે .. થોડીવાર પછી એક માણસ ચેમ્બરમાં દાખલ થયો, તે લતીફનો મોટો ભાઈ હતો. પોતાના ભાઈની માનસિક સ્થિતિ જોઈ લતીફનો મોટો ભાઈ દુખી થયો હોય તેવો તેના ચહેરા ઉપર ભાવ હતો. તરૂણ બારોટે લતીફને ચેમ્બરમાં પડેલા બાકડાં ઉપર બેસવાની સુચના આપી એટલે લતીફ ઉભો થયો અને બાકડા ઉપર બેઠો, તેની બાજુમાં તેનો ભાઈ બેઠો, પોલીસ હાજરીમાં શુ વાત કરવી તે બંન્ને માટે કદાચ સવાલ હતો. લતીફના મોટા ભાઈએ લતીફનો હાથ પકડ્યો જાણે તે તેને સાત્વન આપતો હોય તેવુ લાગ્યુ. પછી બંન્ને વચ્ચે ધીમા અવાજે કંઈક વાત થઈ. લતીફે પણ પોતાના ભાઈને કંઈક કહ્યુ.. બંન્ને વચ્ચે શું વાત થઈ કંઈ ખબર પડી નહીં, પણ હવે પોલીસને ચિ6તા ન્હોતી કે બંન્નેએ શું વાત કરી. જતી વખતે લતીફનો ભાઈ એક ગરમ શાલ સાથે લાવ્યો હતો. તેણે બારોટ સામે જોયુ પુછયુ સાહેબ આ આપું? બારોટે કહ્યુ હા ભાઈ હા હવે તો ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, એટલુ બોલતા બારોટે બારી બહાર જોયુ, ત્યાંથી ઠંડો પવન અંદર આવી રહ્યો હતો. લતીફનો ભાઈ ગરમ શાલ આપી ક્રાઈમ બ્રાન્ચમાંથી રવાના થયો. 


 

 

 

 

 

રાતના સાડા દસ વાગ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓની અવરજવર વધી ગઈ. તરૂણ બારોટ પોતાની ચેમ્બરમાંથી નિકળી પોલીસ સ્ટેશન ઓફિસર પાસે આવ્યા. તેમણે આવતાની સાથે જ આદેશાત્માક ભાષામાં કહ્યું સ્ટેશન ડાયરી આપો. તરત બીજો આદેશ આપ્યો, લોકઅપ રજીસ્ટ્રરમાંથી લતીફનું નામ કમી કરી મારી કસ્ટડીમાં હોવાની નોંધ કરો. જો કે લતીફને હજી કસ્ટડીમાં મુક્યો જ ન્હોતો પણ નિયમ પ્રમાણે જેલમાંથી લાવ્યા બાદ તે ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં મુક્યો હોવાની એન્ટ્રી લોકઅપ રજીસ્ટ્રરમાં થઈ ગઈ હતી. સ્ટેશન ઓફિસરે સ્ટેશન ડાયરી તરૂણ બારોટ સામે મુકી. જો કે હજી ત્યાં હાજર સ્ટાફને સમજ પડતી ન્હોતી કે મામલો શુ છે. તરૂણ બારોટે વાંકા વળી ટેબલ ઉપર પડેલી સ્ટેશન ડાયરીમાં નોંધ કરતા લખ્યું એક જ સ્થળે લતીફની પૂછપરછ કરવામાં આવે તો તેના જીવનું જોખમ છે, તેથી તપાસ અને પૂછપરછ માટે અલગ અલગ સ્થળે લઈ જવા માટે રવાના થઈએ છીએ. નોંધ નીચે ઈન્સપેક્ટર તરૂણ બારોટ તેવી સહી કરી ડાયરી સ્ટેશન ઓફિસરને પરત આપી, સ્ટેશન ઓફિસરે નોંધ વાંચી પણ આખી વાત તેની સમજ બહાર હતી. 

થોડીવાર પછી વાહનોનો અવાજ શરૂ થયો, સ્ટેશન ઓફિસરે જોયુ તો પહેલી જીપ ક્રાઈમ બ્રાન્ચના એસીપી એન. આર. પરમારની હતી. બીજી જીપ તરૂણ બારોટની હતી જેમાં તેમની સાથે લતીફ હતો અને પાછળની સીટમાં એસઆરપી જવાન હતાં અને ત્રીજી જીપમાં હથિયારથી સજ્જ જવાનો હતો. પોલીસના ત્રણેય વાહનો ક્રાઈમ બ્રાન્ચમાંથી નિકળ્યા ત્યારે સાડા અગિયાર વાગ્યા હતાં પણ લતીફને ક્રાઈમ બ્રાન્ચ ક્યાં જઈ જવામાં આવી રહ્યાં છે તેની કોઈને ખબર ન્હોતી.