પ્રશાંત દયાળ (ભાગ-43):  સગીર અહેમદ પોતાની હત્યા થશે તેવી દહેશત ક્રાઈમ બ્રાન્ચ સામે લેખિતમાં વ્યક્ત કરી ચુક્યો હતો અને તેણે પોતાની અરજીમાં લતીફ તરફથી ધમકી મળી હોવાનો પણ એકરાર કર્યો હતો. લતીફ ભલે જેલમાં હતો પણ આ હત્યા તેના દ્વારા જ કરવામાં આવવામાં આવી હોવાની પુરી શક્યતા હતી. સવારે જ્યારે લતીફને જેલમાં સમાચાર મળ્યા ત્યારે તે સમાચાર સાંભળી મરક મરક હસ્યો હતો. તેની બેરેકમાં રહેલા તેના સાથીઓ પણ સમજી ગયા હતાં, સગીરની હત્યા ભાઈએ જ કરાવી છે. તેઓ ભાઈ અંગે બહુ અભિમાન રાખતા હતાં  કે તેમને ભાઈ જેલમાં રહીને પણ કોઈની ગેમ કરાવી શકે છે. આખો દિવસ લતીફ બહુ ખુશ હતો પણ મોડી સાંજે બેરેક બંધ થવાના સમયે એક જેલ સિપાઈ લતીફના કાનમાં આવી કઈક કહી ગયો, તે સાંભળી લતીફ બહુ બેચેન થઈ ગયો હતો. તેના ચહેરા ઉપરની ચિંતા તેના સાથીઓ પણ જોઈ શકતા હતાં. 

સગીરની હત્યા અંગે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો હતો પણ મીટિંગનો દોર ક્રાઈમ બ્રાન્ચમાં શરૂ થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર બી. જે. ગઢવી, ડેપ્યુટી પોલીસ કમિશનર એ. કે. સુરોલીયા સહિતના ચેમ્બરમાં એક પછી એક અધિકારીઓ આવતા હતાં. સગીરની હત્યા સુપારી કિલિંગ હતું પણ લતીફ કોને સોપારી આપી શકે?  લતીફનું કામ કોણ લઈ શકે?  હાલમાં ક્યા ક્યા કોન્ટ્રાક્ટ કિલર બહાર છે તેની તપાસમાં ઈન્સપેક્ટર તરૂણ બારોટ લાગી ગયા હતાં. ત્યારે મોબાઈલ ફોનનો યુગ નહીં હોવાને કારણે બધી ઈન્ફરમેશન માટે હ્યુમન ઈન્ફરમેશન ઉપર જ આધાર રાખવો પડતો હતો. ક્રાઈમ બ્રાન્ચના બાતમીદારો પણ સાહેબની સુચના મળતા માહિતી એકત્ર કરવાના કામે લાગી ગયા હતાં. 


 

 

 

 

 

રાજકિય ક્ષેત્રમાં શાંતિ હતી પણ શંકરસિંહ બાપુ વ્યથીત હતાં. સગીર તેમનો માણસ હતો. જો શંકરસિંહ પોતાના માણસને બચાવી શકે નહીં તો તેમની સાથે કોણ રહે તેવો પણ પ્રશ્ન ઉભો થાય. સગીરના મૃત્યુ પછી ખાસ કરી મુસ્લિમોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. હવે લતીફને પૈસા આપવાની ના પાડનાર મુસ્લિમોને પણ લતીફ મારી શકે છે તેવી લાગણી ઉદ્દભવી હતી. જે મુસ્લિમો લતીફને કોમના નેતા તરીકે જોતા હતાં તે જ મુસ્લિમોને હવે લતીફનો ડર લાગવા માંડ્યો હતો. સગીરના મૃત્યુ પછી બાપુ સગીરના ઘરે પહોંચ્યા હતા, તે મુખ્યમંત્રી ન્હોતા, છતાં તેમનો દબદબો મુખ્યમંત્રી  કરતા પણ વધારે હતો. બાપુ સગીરના ઘરે આવ્યા છે તેવી જાણકારી મળતા સિનિયર પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતાં. બાપુ સગીરના ઘરે બેઠા ત્યારે શાંત હતા, તેઓ કઈ બોલ્યા નહીં, પણ જતી વખતે પરિવારજનોના માથે હાથ મુકી કહ્યુ “હું છું, ચિંતા કરતા નહીં.” બાપુ આટલી વાતમં ઘણું કહી ગયા હતાં. 

સગીરના ઘરની બહાર નિકળી બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓ સાથે તેમણે એક ખુણામાં જઈ કંઈક વાત કરી. પોલીસ અધિકારીઓ માત્ર સર સર કહી જવાબ આપતા હતા, પણ ત્યાં હાજર અન્ય કોઈને ખબર પડી નહીં કે બાપુએ અધિકારીઓને શુ કહ્યુ. બપોર સુધીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાની પાસે રહેલી સગીરની અરજી અન્ય પુરાવાઓને સામેલ કરી ગૃહ વિભાગને એક વિગતવાર પત્ર અમદાવાદ પોલીસ કમિશનર મારફતે મોકલી આપ્યો હતો. જેમાં તેમણે લતીફ ઉપર લગાવવામાં આવેલી ક્રિમિનલ પ્રોસિઝર કોડની 268ની કલમ હટાવવાની માગણી કરી હતી. આ કલમ જેની ઉપર લાગેલી હોય તે કેદીને જેલની બહાર કાઢવા હોય તો કલમ હટાવવાની સત્તા માત્ર ગૃહ વિભાગ પાસે જ છે. અને ક્રાઈમ બ્રાન્ચ લતીફને જેલ બહાર લાવી સગીર હત્યા પ્રકરણમાં પૂછપરછ કરવા માગતી હતી. 


 

 

 

 

 

લતીફ ખુદ તેવું માનતો હતો કે તેની હાજરી તો સાબરમતી જેલમાં છે, પોલીસ ક્યારેય એવું કોર્ટમાં સાબિત કરી શકશે નહીં કે આ હત્યા તેણે કરાવી છે. પરંતુ તેને કલ્પના ન્હોતી  કે પોલીસ તેને 268ની કલમ હટાવી જેલની બહાર લઈ જશે. લતીફને બેરેક બંધ થતી વખતે જેલ સીપાઈએ જે વાત કરી તે આ જ હતી કે તેને ખબર પડી ગઈ હતી કે ક્રાઈમ બ્રાન્ચ તેને જેલની બહાર લઈ જવા માગે છે. લતીફ પોતાની માટે જેલને સૌથી વધુ સલામત જગ્યા સમજતો હતો પણ ક્રાઈમ બ્રાન્ચ તેને હવે જેલમાં રહેવા દેવા માગતી ન્હોતી. 

તે રાત્રે લતીફ જેલમાં સુઈ શક્યો ન્હોતો. તે હોશિયાર હતો, તેને આવનાર તોફાનનાં એંધાણ મળી ગયા હતા, પણ તે મનોમન એવું ઈચ્છતો હતો કે તે માની રહ્યો છે તેવુ તેની જીંદગીમાં ક્યારેય થાય નહીં. તે જ રાત્રે ગૃહ વિભાગના ગૃહ સચિવ રામરખીયાણીના ટેબલ ઉપર એક ફાઈલ આવી, જે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી મોકલવામાં આવી હતી. જો કે ફાઈલ તેમના ટેબલ ઉપર આવતા પહેલા મુખ્યમંત્રી દિલીપ પરીખની તેમજ અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાંથી ફોન આવી ગયો હતો. તેના કારણે ફાઈલમાં મુકવામાં આવેલી નોંધથી તેઓ પહેલાથી વાકેફ હતાં. જેના કારણે ફાઈલ જેવી તેમના ટેબલ ઉપર મુકાઈ તેની સાથે તેમણે ફાઈલ વાંચ્યા વગર  તેની ઉપર પોતાની સહિ કરી દીધી હતી. સહી થતાં લતીફ સામે લાગેલી 268 ની કલમ રદ થઈ હતી. જો કે માત્ર 268 હટ્યા પછી લતીફને જેલની બહાર લાવી શકાતો ન્હોતો કારણ લતીફ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. હજી કોર્ટની મંજૂરી લેવાની બાકી હતી.