પ્રશાંત દયાળ (ભાગ-35):  એક તરફ રાજકિય ધમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે જ ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે લતીફ દિલ્હીમાં આવ્યો છે. લતીફ દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાં એક PCO પર ફોન કરવા આવે છે તેવી જાણકારી હતી. પરંતુ ખરેખર જે માણસ ફોન કરી રહ્યો છે તે લતીફ જ છે તે હજી નક્કી ન્હોતું કારણ કે લતીફનો અવાજ કોણ ઓળખી શકે તેવો પણ પ્રશ્ન હતો. ગુજરાત પોલીસમાં સબઈન્સપેક્ટર તરીકે જોડાયેલા ત્યાર બાદ ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. થયેલા એ. કે. જાડેજા અગાઉ પણ દરિયાપુરમાં નોકરી કરી ચુક્યા હતાં. તેમજ ડી.સી.પી. ગીથા જોહરી સાથે પણ પોપટીયાવાડમાં ઓપરેશનમાં સામેલ હોવાને કારણે તેમણે લતીફનો અવાજ અનેક વખત સાંભળ્યો હતો. તેના કારણે ટેલીફોન એક્સચેન્જમાં તેમને લતીફના ફોન સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે લતીફનો કોઈ ફોન કરવાનો સમય નક્કી ન્હોતો તેના કારણે રાત દિવસ જોયા વગર પોલીસ અધિકારીઓ ટેલીફોન એકસચેન્જમાં બેસી રહેતા હતાં. 

જેમ રાજકારણમાં જુથ હોય છે તેવી જ રીતે ગુજરાત પોલીસમાં પણ અનેક જુથ હતાં. લતીફના કેસમાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસની ટીમો અલગ અલગ કામ કરી રહી હતી. કોઈક કારણસર ક્રાઈમ બ્રાન્ચને પણ માહિતી મળી કે લતીફ પાકિસ્તાનથી દિલ્હી પહોંચ્યો છે. એટલે ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ. ક્રાઈમ બ્રાન્ચના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ અનુભવી પોલીસ અધિકારી હતાં. સબઈન્સપેક્ટરથી બઢતી લઈ ડી.વાય.એસ.પી. સુધી પહોંચ્યા હતાં. તેમને જાણકારી મળી કે લતીફ દિલ્હીમાં છે. આ માહિતી અંગે દિલ્હી જતા પહેલા તેમણે પોતાના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોર્યુ અને તેઓ પણ દિલ્હી પહોંચી ગયા. લતીફનો મુદ્દો ખુબ સંવેદનશીલ હતો. માહિતી લીક થવાની પણ સંભવાના હતી. તેના કારણે ગુજરાત એટીએસના વડા ડી.આઈ.જી કુલદીપ શર્મા ખુદ તેનું મોનિટરીંગ દિલ્હીમાં બેસી કરતા હતાં. દિલ્હીમાં તેમની સાથે ઈન્સપેક્ટર રામ ગઢીયા અને તેમનો સ્ટાફ હતો. 


 

 

 

 

અકસ્માતે એવું બન્યું કે દિલ્હી પહોંચેલા ક્રાઈમ બ્રાન્ચના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ ગુજરાત ભવન પહોંચ્યા. જ્યા તેમનો ભેટો આઈપીએસ ઓફિસર કુલદીપ શર્મા સાથે થઈ ગયો. શર્માની નજર પાટીલ ઉપર પડતા તે ચોંકી ઉઠ્યા કારણ તેઓ પાટીલની કાબેલીયત અને ઈન્ફરમેશન નેટવર્કથી માહિતગાર હતાં. જો કે શર્માને હજી ખબર ન્હોતી કે પાટીલ અમદાવાદ છોડી દિલ્હીમાં કેમ આવ્યા છે. પાટીલે પણ શર્માને જોતા તરત સલામ કરી, કારણ શર્મા તેમના સિનિયર હતા. કુલદીપ શર્માએ તરત પાટીલને પુછ્યું પાટીલ કેમ દિલ્હી આવવાનું થયું? બી. આર. પાટીલ પણ હજી સ્પષ્ટ ન્હોતા કે કુલદીપ શર્મા કેમ ગુજરાત ભવનમાં છે. જો કે બંન્નેનાં મન કહી રહ્યાં હતા કે તેઓ લતીફ માટે જ દિલ્હી આવ્યા છે. પણ પાટીલ દિલ્હી આવવાનું કારણ આપી શકે તેમ ન્હોતો. પાટીલ તરત સાવધાન થતાં જવાબ આપ્યો કે સર સુપ્રિમ કોર્ટમાં એક મુદત હોવાને કારણે દિલ્હી આવ્યો છું. શર્મા માણસની નજર ફરે અને તેની વાત સમજી જાય તેવા અધિકારી હતાં. તેમને પાટીલની વાતમાં તથ્ય લાગ્યું નહીં છતાં તેમણે ભલે કહી વાતનો અંત આણ્યો. પાટીલે માની લીધુ કે કુલદીપ શર્મા તેમની વાત માની ગયા છે એટલે તે સલામ કરી પોતાની રૂમ તરફ આગળ વધ્યા તેની સાથે કુલદીપ શર્માએ પાછા વળી તેમને બોલાવતા કહ્યુ પાટીલ એક મિનીટ.. 

પાટીલ પાછ ફર્યા. કુલદીપ શર્માએ પાટીલની આંખમાં જોતા આદેશાત્મક ભાષામાં કહ્યુ અમારૂ ઓપરેશન બગાડતા નહીં, મને લાગે છે કે તમારે અમદાવાદ પાછા ફરી જવુ જોઈએ. પાટીલ ગંભીર થઈ ગયા, કુલદીપ શર્મા તેમના કરતા ઘણા સિનિયર અધિકારી હતાં. શર્માએ લતીફના નામનો ઉલ્લેખ કર્યા વગર આદેશાત્મક ભાષામાં જે કહ્યુ હતું તે ઘણુ હતું. પાટીલ પાસે સર કહેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. અને પાટીલ અમદાવાદ આવવા માટે નિકળી ગયા, કારણ કે હજી તેમની પાસે લતીફ ક્યા છે તેની ચોક્કસ માહિતી પણ ન્હોતી. બીજી તરફ કુલદીપ શર્મા સ્વભાવે શંકાશીલ અને તમામ વાતો ગુપ્ત રાખનાર અધિકારી હતાં. તેમને કાયમ પોતાની ટીમ ઉપર પણ શંકા રહેતી હતી તેના કારણે તેઓ દર અઠવાડીયે વિવિધ ટીપ ઉપર કામ કરતી ટીમને બદલી નાખતા હતાં. ત્યારે એ. કે. જાડેજાએ કુલદીપ શર્માને જાણ કરી કે ચાંદનીચોકમાંથી દરિયાપુરમાં ફોન કરનાર લતીફ જ છે. 

આ માહિતીને આધારે તરત કુલદીપ શર્માએ દિલ્હીમાં હાજર રાખેલી ટીમને ચાંદનીચોક રવાના કરી, પણ સૌથી મોટો પ્રશ્ન એવો હતો કે દિલ્હીમાં જે ટીમ હાજર હતી તેમણે ક્યારેય લતીફને જોયો જ ન્હોતો, તો કઈ રીતે લતીફને ઓળખી શકાય ? લતીફ ફોન કરતો હતો ત્યાં પોલીસ ખાનગી કપડામાં ગોઠવાઈ ગઈ હતી. અને રાતના સુમારે ચાલીસી વટાવી ચુકેલો માણસ લુંગી પહેરી ફોન કરવા આવ્યો. પોલીસની PCOમાં ફોન કરવા આવનાર તમામ ઉપર નજર હતી. આ માણસ એટલા માટે શંકાસ્પદ લાગ્યો હતો કે ફોન કરવા આવેલા આ માણસે બુથમાં દાખલ થતાં પહેલા ચારે તરફ નજર કરી બુથ અને પોતાની તરફ કોઈની નજર નથી તેની ખાતરી કર્યા બાદ બુથમાં પ્રવેશ કર્યો હતો. બહાર હાજર ટીમના અધિકારીઓ એકબીજા તરફ જોયું, બધાનું જ મન કહેતુ હતું કે આ જ લતીફ હોવો જોઈએ. થોડી વાર પછી તે માણસ બહાર આવ્યો અને ચાલવા લાગ્યો હતો. તરત એટીએસના ખાનગી કપડામાં રહેલા અધિકારીઓ પણ તેની આસપાસ ચાલવા લાગ્યા.  એક પોલીસ અધિકારીએ કહ્યુ લતીફ, પણ પેલા માણસે તેમની સામે જોયુ પણ નહીં અને કંઈ જવાબ પણ આપ્યો નહી ત્યારે પોલીસ અધિકારીઓને લાગ્યુ કે ક્યાંક તેમની ભુલ થઈ ગઈ છે. 


 

 

 

 

આમ છતાં બીજા અધિકારીએ તરત કહ્યુ ભાઈ સાબ હમ આપસે બાત કરતે હે, એટલે પેલા માણસે કહ્યુ આપ મુજે કુછ કહ રહે હે ? બસ તેણે આટલો જ જવાબ આપતા તરત પોલીસ અધિકારીઓએ તેને ઘેરી  લીધો અને તેને ઝડપી લીધો હતો. પહેલા તો પેલા માણસે આનાકાની કરી, પણ અધિકારીઓએ કરાડી નજરે કહ્યુ દેખો લતીફ ચાલાકી કી તો ગોલી માર દેંગે, લતીફ શાંત થઈ ગયો. ચાંદની ચોક સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે મામલો બગડી શકે તેમ પણ હતો પણ પોલીસ તરત લતીફને પકડી ત્યાંથી નિકળી ગઈ. 

આટલા વર્ષોથી ગુજરાત પોલીસને હંફાવનાર લતીફ પકડાઈ ગયો તેની પાછળનું કારણ  તેનો એક સોનાનો દાંત હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે તેણે પોતાની મુછો કાઢી નાખી હતી, પણ દિલ્હી પહોંચેલી એટીએસ ટીમ પાસે એક ટીપ હતી કે તેણે દાંતની સારવાર કરાવી ત્યારે આગળના એક દાંત ઉપર સોનાની કેપ ચઢાવેલી છે. એટલે જ જેવો તે બોલ્યો તેની સાથે તેના દાંત દેખાયા અને સોનાની કેપવાળો દાંત જોતા જ પોલીસે તે લતીફ હોવાની ખાતરી કરી તેને દિલ્હીથી ઉપાડી લીધો હતો.