પ્રશાંત દયાળ (ભાગ-20): ગીથા જોહરીએ પોતાના વિશ્વાસુ પોલીસ કોન્સટેબલોને પોતાની ચેમ્બરમાં બોલાવી સુચના આપી કે કોઈ પણ કિમંતે LATIF પોપટીયાવાડમાં આવે તેની માહિતી જોઈએ. હવે તમારે તમારા રોજના કામ કરવાની જરૂર નથી. પોલીસ સ્ટેશન નહીં આવો તો પણ ચાલશે, પણ કોઈ પણ કિમંતે લતીફ જોઈએ. કોન્સટેબલો સલામ કરી નિકળ્યા. ડીસીપી ગીથા જોહરી દ્વારા બહુ મોટી કામગીરી તેમને સોંપવામાં આવી હતી. અગાઉ લતીફ વિરૂદ્ધ બાતમી આપનારની લતીફે હત્યા કરી નાખી હતી. તેના કારણે દરિયાપુરમાંથી કોઈ બાતમીદાર ઉભો કરવો અઘરો હતો. જો કે દરિયાપુરમાં લતીફ ગેંગના દારૂ સહિતના તમામ ધંધાઓ ધમધમતા હતા તેની  ડીસીપી જોહરીને જાણ હતી. 

જો કે ગીથા જોહરીને ખબર હતી કે આ ધંધાઓ ચાલુ રહે તે તેમનીLATIF સુધી પહોંચવાની કવાયતમાં મદદરૂપ થાય તેમ હતાં. દારૂ ખરીદવા-પીવા અને નોનવેજના તવાઓ ઉપર લોકોની ભીડ જામતી હતી. તેમાં જોહરીના કોન્સટેબલો પણ ખાનગી ડ્રેસમાં સામેલ થઈ જતા હતાં. આ પોલીસવાળા દિવસો સુધી દારૂડીયાની જેમ દરિયાપુરમાં જતાં રહ્યાં અને દરિયાપુરમાં લતીફ ગેંગની થઈ રહેલી ગતિવિધિઓની માહિતી એકત્ર કરી રહ્યાં હતાં. બીજી તરફ ડીસીપી જોહરીના પોસ્ટિંગ પછી પણ લતીફ સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી તેવી નારાજગી પણ વધી રહી હતી. જો કે જોહરી પાસે લતીફની જે માહિતી આવી રહી હતી તે પોતાના સિનિયર અને ગૃહ વિભાગને જણાવી શકે તેમ ન્હોતા, પણ એક બપોરે ગીથા જોહરી પોતાની ચેમ્બરમાં બેઠા હતાં. ત્યારે તેમના લેન્ડ લાઈન ફોનની રીંગ વાગી. તેમણે ફોન ઉપાડ્યો અને કાન ઉપર માંડ્યો અને તે ખુરશીમાંથી ઉભા થઈ ગયા. જોહરી ઉભા થઈ તરત પોતાના ઉપરી અધિકારી પાસે ગયા. તેમને જણાવ્યુ કે દરિયાપુરમાં લતીફ, શરીફખાન, જાવેદ સહિત ગેંગના મહત્વના માણસો આવ્યા છે.  હું ત્યાં જાઉ છું. જોહરીની વાત સાંભળી તેમના સિનિયર મરક હસ્યા, કદાચ જોહરીને તે ખરાબ પણ લાગ્યુ હતું. એક મહિલા અધિકારી થઈ પોપટીયાવાડમાં ઘુસવાની હિમંત કરી લતીફને પકડવાની વાત કરવી થોડી કાલ્પનીક લાગતી હતી. જોહરી તેમને સલામ કરી ત્યાંથી નિકળ્યા. તે પહેલા તેમણે પોતાના ડેપ્યુટી એસ. પી. એ. કે. જાડેજા અને સિદ્ધરાજસિંહ ભાટીને દરિયાપુર પોલીસ સ્ટેશનના તાબામાં આવતી ઈદગાહ ચોકી ઉપર આવી જવાની સુચના આપી હતી. દરિયાપુર પોલીસ સ્ટેશન અને પોપટીયાવાડ ખુબ નજીક હોવાને કારણે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીની અવરજવર જોઈ કદાચ લતીફને આગોતરી જાણ થઈ જવાની શક્યતા હતી. એટલે પોલીસ સ્ટેશનને બદલે ઈદગાહ ચોકી ઉપર સ્ટાફને બોલાવી લીધો. 


 

 

 

 

જો કે જોહરી સિવાય કોઈને ખબર ન્હોતી કે ઈદગાહ ચોકી ઉપર કેમ એકત્ર થવાનું છે. બપોરનો સમય હતો. મોટા ફોર્સ સાથે દરિયાપુરમાં દાખલ થવામાં આવે તો લતીફને ખબર પડી જાય કારણ કે જેવી પોલીસ દરિયાપુરમાં દાખલ થતાં તેની ગેંગમાં સામેલ ટપોરી વ્હીસલ વગાડવા લાગતા હતાં. જેની જાણ લતીફના ઘર સુધી થઈ જતી હતી. તેથી ઈદગાહ જે પોલીસ અધિકારીઓ આવ્યા તે તમામને જોહરીએ સુચના આપી કે યુનિફોર્મ ચેઈન્જ કરી સિવિલ ક્લોથ પહેરી લો. ખુદ જોહરીએ પણ યુનિફોર્મ બદલી પંજાબી ડ્રેસ પહેરી લીધો હતો. આખુ ઓપરેશન ખુબ જ ઓછા સ્ટાફ, ઓછા હથિયારો અને ખાનગી વાહનો દ્વારા પાર પાડવાનું હતું. એક મોટું ઓપરેશન પાર પાડવાનું હતું પણ તેની જાણ સિટી કંટ્રોલરૂમને પણ ન્હોતી આપવામાં આવી. 

દસ-પંદર મીનિટ સુધી જોહરીએ ડી.વાય.એસ.પી. જાડેજા અને ભાટીને બંધ બારણે બ્રિફિંગ આપ્યુ. કુલ ત્રણ ટીમો તૈયાર કરવામાં આવી. દરેક ટીમમાં એક અધિકારી અને બે જુનિયરને સામેલ કરવામાં આવ્યાં. આમ કુલ નવ માણસો આખા ઓપરેશનને પાર પાડવાના હતાં. દરેકે પોતાની સર્વિસ રીવોલ્વર સિવાય કોઈ હથિયાર સાથે લેવાનું ન્હોતુ અને તે પણ જરૂર પડે બહાર કાઢવાનું હતું. ત્યાં સુધી તે હથિયાર સંતાડી રાખવાનું હતું. એક પણ પોલીસ વાહનનો ઉપયોગ કરવાનો ન્હોતો. કુલ ત્રણ ટીમો હતી, તેની પાછળનું કારણ એવુ હતું લતીફના ઘર તરફ જવા માટે દરિયાપુર અને કાલુપુરમાંથી ત્રણ રસ્તા જતાં હતાં. ત્રણે રસ્તા ઉપરથી એક એક ટીમ લતીફના ઘર તરફ જવાની હતી. તે પણ ઓટો રિક્ષામાં જેથી કોઈને રિક્ષામાં પોલીસ આવી રહી છે તેવી શંકા જાય નહી.  એ જમાનામાં મોબાઈલ ફોન હજી આવ્યા ન્હોતા  અને મદદ માટે ફોર્સ મંગાવવા માટે વોકીટોકી રાખવાની જરૂર હતી પણ ખાનગી કપડાંમાં વોકીટોકી સાથે હોય તો લતીફ ગેંગને ખબર પડી જવાની શક્યતા હતી એટલે પડ્યા તેવુ દેવાશે તેવુ નક્કી કરી દરિયાપુરમાં ઘુસી જવાન નિર્ણય લેવામાં આવ્યો. આ વાત માત્ર નવ જ પોલીસ અધિકારીઓ જાણતા હતા. 

એક કોન્સટેબલને ત્રણ ઓટો રિક્ષા ઉભી રાખવાની સુચના આપી. રિક્ષા ઉભી રહેતા તમામ રિક્ષામાં પોલીસ અધિકારીઓ ખાનગી કપડામાં ગોઠવાઈ ગયા. એક રિક્ષામાં ડીસીપી ગીથા જોહરી, ડીવાયએસપી એ. કે. જાડેજા અને સબ ઈન્સપેક્ટર પટેલ હતાં અને રિક્ષા પોપટીયાવાડ તરફ દોડવા લાગી. રિક્ષા રોકનાર કોન્સટબેલને પણ આશ્ચર્ય હતું કે ડીસીપી કક્ષાના અધિકારી રિક્ષામાં કેમ જઈ રહ્યા છે. બીજી તરફ જે રિક્ષામાં જોહરી હતા તે રિક્ષા ડ્રાઈવરને પણ ખબર ન્હોતી કે તેના મુસાફરો કોણ છે અને રિક્ષા દરિયાપુર થઈ પોપટીયાવાડ તરફ વળી પણ કોઈનું ધ્યાન રિક્ષા તરફ ન્હોતું. પોપટીયાવાડ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું.