મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રા દિવસની ઉજવણી પ્રજા અને સરકાર સાથે મળી કરે તે સારી બાબત છે, પરંતુ આગામી 15 ઓગષ્ટના રોજ છોટાઉદેપુર ખાતે ઉજવાઈ રહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પોલીસ અને કલેકટર દ્વારા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે પરાણે રૂપિયા 25 હજાર ઉઘરાવાઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં થનાર આ કાર્યક્રમમાં પોલીસ અને કલેકટર સત્તાવાર રીતે ઉઘરાણા કરી શકે તે માટે 15 ઓગષ્ટ સ્ટેટ લેવલ સેલીબ્રેશન 2019 તેવું બેન્ક ખાતુ પણ ખોલાવી દેવામાં આવ્યું છે અને તેમાં વેપારીઓને 25 હજાર ભરી દેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર ખુબ કામ કરી રહી છે અને રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે તેવો ભાસ ઊભો કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો રાજ્યભરમાં ઉજવાઈ રહ્યા છે. જો કે આ ઉજવણી માટે થતો ખર્ચ રાજ્યની તીજોરીમાંથી કરવાને બદલે વેપારીઓના ખીસ્સામાંથી કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં થોડા મહિના પહેલા અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ ઉજવવામાં આવ્યો ત્યારે પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદની તમામ મોટી દુકાનો પાસે રૂપિયા બે હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. આમ તો વેપારીઓ આ પ્રકારની સરકારી ઉજવણીમાં પૈસા આપવાનો ઈન્કાર કરી શકે પરંતુ ત્યાર બાદ તંત્ર દ્વારા ઊભી થનારી પરેશાની બચવા માટે વેપારીઓ પાસે તંત્ર જ્યારે પણ ઉજવણીના નામે પૈસા માંગે ત્યારે આપી દેવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

હવે તા. 15મી ઓગષ્ટની ઉજવણી છોટાઉદેપુર ખાતે થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુરમાં આવેલી રેતીના લીઝ માલિકો પાસે સ્ટેટ લેવલ સેલીબ્રેશનના નામે તંત્ર દ્વારા 25 હજારના ચેક લેવામાં આવી રહ્યા છે, છોટાઉદેપુરમાં 300 કરતા નાની મોટી રેતીની લીઝ આવેલી છે. આ રેતી લીઝનો પરવાનો સરકાર આપતી હોવાને કારણે લીઝ માલિકો પાસે કલેકટર માંગે એટલા પૈસા ઉજવણીમાં આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. આમ છોટાઉદેપુરના લીઝ માલિકો અને વિવિધ ધંધાર્થીઓ પાસે તંત્ર 25 હજાર પ્રત્યેક પાસેથી લઈ રહ્યું છે. આમ તો આપણે સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યા છે પરંતુ પ્રજાની સ્થિતિમાં ખાસ કોઈ ફેર આવ્યો નથી. પહેલા અંગ્રેજો લૂંટતા હતા, હવે દેશના અધિકારીઓ આ પ્રકારે લૂંટી રહ્યા છે. આ પ્રકારે સંવતંત્રતા દિવસની ઉજવણીનો શું અર્થ છે. તે કદાચ વિજય રૂપાણી જ સમજાવી શકે.

એક તરફ છોટાઉદેપુરના લીઝ ધારકો પાસેથી ઉજવણીના નામે 25 હજાર ઉઘરાવી લેવામાં આવ્યા છે બીજી તરફ છોટાઉદેપુર કલેકટર દ્વારા એક જાહેરનામુ બહાર પાડી તા 2થી 15 ઓગષ્ટ સુધી તમામ લીઝની કામગીરી રોકી દેવામાં આવી છે, જેમાં કલેકટરે નોંધ્યું છે. 15મી ઓગષ્ટની ઉજવણી થઈ રહી છે જેમાં મુખ્યમંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે રેતીની ટ્રકોને કારણે રસ્તા ખરાબ થાય છે અને ટ્રાફિક જામ પણ થઈ શકે છે. જેને ધ્યાનમાં લેતા લીઝ બંધ કરી દેવાનો આદેશ છે તેમ સ્ટોક કરેલી રેતીનું વેચાણ પણ બંધ કરવાનું રહેશે.

આમ 15 ઓગષ્ટના કાર્યક્રમના 14 દિવસ પહેલાથી ધંધા રોજગાર બંધ કરી દેવાનો કલેકટરનો તઘલઘી આદેશ થયો છે, લીઝ ધારકોને કદાચ આ પરવડે પણ આ લીઝમાં કામ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે પણ આ અંગે છોટાઉદેપુરના એક પણ નેતા કંઈ બોલવા તૈયાર નથી. જોકે આ સંદર્ભે વેપારીઓએ આપેલા ચેક સહિતના કેટલાક દસ્તાવેજો મેરાન્યૂઝ પાસે છે.