પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ગાંધી-સરકાર અને આંબેડકરને જેમણે ક્યારેય પણ વાંચ્યા જ નથી તેવો જ લોકો દેશની વર્તમાન સ્થિતિ માટે આ નેતાઓને જવાબદાર માને છે. જયાં ગાંધી અને ગુજરાતે જન્મ લીધો અને ગુજરાતના વડોદરા રાજ્યના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને શિક્ષણ માટે મદદ કરી તે ગુજરાતમાં સૌકા કરતા વધુ જાતિવાદનો ભરડો મજબુત બન્યો છે. ગુજરાતમાં 2014થી 2018 સુધી પાટીદાર અનામત આંદોલન ચાલ્યુ હતું. જેમાં 14 કરતા વધુ પાટીદાર યુવાનો માર્યા ગયા અને કરોડો રૂપિયાની સરકારી-ખાનગી મિલ્કતોને નુકશાન થયુ હતું. આ ઘટનાઓ ઘટી ત્યારે પણ મેં કહ્યુ કે દેશના બંધારણે જેમને પણ અનામતનો અધિકાર આપ્યો છે તેમની અનામત પાછી લઈ શકાય તેમ નથી. અનામતનો હેતુ માત્ર શિક્ષણ અને નોકરી આપવાનો ન્હોતો, પણ અનામતને કારણે શિક્ષણ અને નોકરી મળ્યા પછી તમામ વર્ગમાં સમાનતા આવે તે હતો.

પરંતુ આઝાદીના આટલા વર્ષોથી પછી પણ અનામતના અધિકારીઓને નોકરી અને શિક્ષણ તો મળ્યુ પરંતુ તેઓ પણ એક માણસ છે તેવો અધિકાર અને પ્રેમ તેઓ મેળવી શકયા નહીં. અનામત વર્ગનો લાભ લેનાર આઈએએસ અને આઈપીએસ પણ થયા પણ તેમની પીઠ ફરતા જ તેમને પોતાની જાતિ અંગે ઉચ્ચાણો થતા રહ્યા છે. એક તરફ આપણે ગુજરાતી હોવાનું ગૌરવ લઈએ છીએ, બીજા રાજયની તુલનામાં આપણે વિકાસશીલ લોકો હોવાનો દાવો કરીએ છીએ, પણ છેલ્લાં બે દિવસમાં ગુજરાતમાં બે ઘટનાઓ એવી ઘટી કે આપણે ગુજરાતી હોવાની શરમ આવવી જોઈએ. મહેસાણા જિલ્લાના લ્હોર ગામમાં એક દલિત યુવકનું લગ્ન લેવાનો પ્રસંગ આવ્યો,  લગ્નની તૈયારીઓ શરૂ થઈ માંડવો બંધાયો અને દલિત યુવક આંગણામાં આવેલી શણગારેલી ઘોડી ઉપર બેસવાનો જ હતો.

ત્યારે ગામના સરપંચ અને આગેવાનો ફરમાન કર્યુ, જો દલિત લગ્નમાં ઘોડી ઉપર સવાર થાય તો તે અમારૂ અપમાન છે, લગ્ન કરે તેની સામે વાંધો નથી પણ દલિત ઘોડી ઉપર બેસી લગ્નમાં જઈ શકે નહીં. જો તે ઘોડી ઉપર બેસી લગ્ન કરશે તો ગામ તેમનો સામાજીક બહિષ્કાર કરશે અને દલિત પરિવાર સાથે સંબંધ રાખનારને પાંચ હજારનો દંડ થશે. ગામની કોઈ પણ દુકાન તેમને સામાન આપશે નહીં. આ મામલો પોલીસમાં પહોંચ્યો અને પોલીસે સરપંચ સહિત પાંચની ધરપકડ પણ કરી આવી છે. આવી જ ઘટના પ્રાંતિજ પાસેના ગામમાં પણ ઘટી. આ ગામમાં દલિતને વરઘોડો કાઢવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દલિતના વરઘોડાના રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી. આમ આખુ લગ્ન પોલીસ રક્ષણમાં પાર પડયુ હતું.

દલિતોને અનામત કયાં સુધી આપશોનો તેવો પ્રશ્ન કરનારે આ બે ઘટનાઓનો જવાબ આપવો પડશે. અનામતનો લાભ મળ્યા પછી પણ ગાંધીના ગુજરાતમાં દલિતો સાથે આ પ્રકારનો અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે જેની ભરપાઈ કોણ કરશે? આ બે ઘટનાઓ પહેલી વખત થઈ નથી. ગુજરાત કેડરના એક સિનિયર આઈપીએસ અધિકારી પોતાના જ દિકરાનો વરઘોડો કાઢી શકયા ન્હોતા કારણ તે આઈપીએસ હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ તેમના દિકરાનો ઉત્સવ આપણી જેમ ઉજવી શકયા ન્હોતા. આજે પણ ગુજરાતમાં દલિતો અને સવર્ણ માટે પાણીના કુવા અને નળ અલગ છે તો કયાં મોંઢે આપણે અનામતનો વિરોધ કરીએ છીએ? ગુજરાતીઓ મા અમ્બા, સોમનાથ અને શ્રી કુષ્ણના ભકતો છે તેઓ ઈશ્વરને ખુશ કરવા મોટા યજ્ઞો કરે છે, પણ મને લાગે છે કે જે ઈશ્વરને તેમણે જોયો નથી તેની તેઓ આરાધના કરે છે પણ જે ઈશ્વરે માણસ બનાવ્યો, જેમને તેઓ રોજ મળે છે પણ તેનું અપમાન કરે છે કારણ તે કોઈ ચોક્કસ જાતિમાં જન્મયો છે.

જે ઈશ્વરને ઓળખવાનો દાવો કરે છે પણ માણસોનું અપમાન કરે છે તેમની આરાધના ક્યારેય મંજુર થતી નથી કારણ તેઓ આવુ કરી ઈશ્વરના સર્જનને નકારી રહ્યા છે. પછાતોનો વિરોધ કરનાર તો તેમના કરતા પછાત છે કારણ તેઓ તો કોઈ જાતિમાં જન્મયા હોવાને કારણે પછાત પણ પછાતનો વિરોધ કરનાર પોતાની પછાત માનસીકતાને કારણે પછાત છે.