મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ઘર્ષણ બાદ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે આજે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું છે. ઉર્જિત પટેલે રાજીનામું આપવાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલે પોતાના કાર્યકાળ પૂર્ણ થયાના એક વર્ષ પહેલા જ રાજીનામુ આપ્યું છે.

આરબીઆઇના ગર્વનર પદેથી રાજીનામુ આપતા ઉર્જિત પટેલે પત્રકારોને જણાવ્યું કે અંગત કારણોસર મેં મારા પદેથી તાત્કાલીક હટી જવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષો સુધી આરબીઆઇમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. આરબીઆઇના બધા સાથીઓનો આભાર વ્યક્ત કરુ છું અને શુભેચ્છાઓ પણ આપુ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થવાનો હતો. આરબીઆઇની સ્વાયત્તત્તા સહિત કેટલાક મુદ્દાઓને લઇને સરકાર સાથે મતભેદના અહેવાલ આવ્યા હતા. નોટબંધી દરમિયાન તેમની ભૂમિકા મહત્વની રહી હતી અને દેશની રૂ. 2000 અને રૂ. 500ની નવી ચલણી નોટો પર પણ તેમની સહી આવી હતી.