મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો જ્યારે તેના થોડા દિવસો અગાઉ તેની પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ચર્ચાઓ વહેતી થઈ હતી કે ક્રિકેટર જાડેજા માટે હવે ભારે અવઢવ વળો સમય છે. પત્નીની સાથે રહેવું કે પછી પિતા અને બહેનના સમર્થનમાં રહેવું.

આ અંગે આખરે રવિન્દ્ર જાડેજાની સ્પષ્ટતા સામે આવી ગઈ હતી. તેણે સોશ્યલ મીડિયામાં આઈ સપોર્ટ બીજેપી તેમજ પત્નીના નામના હેશટેગ સાથે નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. સાથે જય હિન્દ લખ્યું હતું. તેણે લખેલું ટ્વીટ અહીં ફોટોમાં દર્શાવાયું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની હાજરીમાં રવિન્દ્રની બહેન નયનાબા અને તેના પિતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. રિવાબાએ નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈ ભાજપનો ખેસ પહેર્યો હતો. આમ એક જ પરિવારના સભ્યો અલગ અલગ વિચારધારા સાથેની પાર્ટીમાં ભળી જતાં લોકોમાં આ પરિવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

આ ટ્વીટ સાથે જ લોકોમાં થતી આ ચર્ચાનો અંત આવ્યો હતો અને રવિન્દ્ર જાડેજા આખરે મત કોને આપશે અને કોની સાથે ઊભો રહેશે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી.